Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બેંક સાથે રૂ.૧૭.૭૫ કરોડની ઠગાઇમાં ગોંડલના બંને પટેલ ભાગીદારના રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટની કોટક મહિન્દ્રા બેંકમાંથી બિપીન રાણપરીયા અને જીતેન્દ્ર ભાલારાએ ૨૦૧૩માં લોન લીધી'તીઃ ૧II કરોડ ભર્યા પછી જીન મીલ બંધ કરી દીધી!: ખોટ ગયાનું બંનેનું રટણ

રાજકોટ તા. ૨૦: જીલ્લા પંચાયત ચોકમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ. ૧૯ કરોડ ૨૫ લાખની લોન મેળવી બાદમાં ૧II કરોડની રકમ ભરપાઇ કરી એ પછી પોતાની પેઢી બંધ કરી દઇ બેંકને લોનની બાકીની રકમ રૂ. ૧૭ કરોડ ૭૫ લાખ ભરપાઇ નહિ કરી ઠગાઇ કર્યાના ગુનામાં એ-ડિવીઝન પોલીસે મુળ ગોંડલના ગુંદાળા રોડ પર શાંતિનગરમાં રહેતાં બિપીન ચંદુલાલ રાણપરીયા (પટેલ) (ઉ.૩૫) અને તેના ભાગીદાર મુળ ગોંડલના બંધીયાના અને હાલ રાજકોટ અક્ષર માર્ગ પર ઇન્દ્રપ્રસ્થનગરમાં રહેતાં જીતેન્દ્ર પોપટભાઇ ભાલારા (પટેલ) (ઉ.૪૦) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ બંનેએ પૂર્વયોજીત કાવત્રુ રચી મે. ભાલારા પ્રા. લિ. નામે જીનીંગ મીલ ચાલુ કરી તેના ઉપર લોન મેળવી હતી. પણ બાદમાં મીલ બંધ કરી દીધાનો આરોપ મુકાયો છે. બંનેની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસે કોટક મહિન્દ્રા બેંકના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ અમદાવાદ નારણપુરા અર્જુન હોમ એફ-૩૦૩માં રહેતાં લવલેશકુમાર શિવકુમાર દ્વિવેદી (ઉ.૩૮)ની ફરિયાદ પરથી ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર બીલીયારા પાસે આવેલી ભાલારા કોટન પ્રા. લિ.ના બંને ભાગીદારો બિપીન પટેલ અને જીતન્દ્ર પટેલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ બંનેએ વર્ષ ૨૦૧૩માં પોતાની પેઢીને ધંધાના વિકાસ માટેનાણાની જરૂર છે તેવી અરજી કરી બેંક લોન માંગી હતી. જરૂરી દસ્તાવેજો બેંકમાં રજૂ કરી મોર્ગેજ લોન રૂ. ૧૯  કરોડ ૨૫ લાખની માંગણી કરી હતી. જે જરૂરી તપાસ બાદ મંજુર કરાઇ હતી. પણ બાદમાં દોઢ કરોડ જેવી રકમ બેંકમાં ભરપાઇ કરી પછીથી બીજી રકમ ન ભરી જીન બંધ કરી દીધી હતી.

એ-ડિવીઝનના પી.આઇ. વી.એન. યાદવ, રામગરભાઇ ગોસઇા, રણજીતસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમાર, દિપકભાઇ સહિતે બંને ભાગીદારની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. બંને હાલ તો જીનમાં ખોટ જતાં નાણા તેમાં વેડફાઇ ગયાનું રટણ કરે છે. વિશેષ તપાસ માટે સાંજે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. (૧૪.૮)

(11:35 am IST)