Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પીએસઆઇ-એલઆરડી ભરતી કોભાંડની સુત્રધાર ક્રિષ્નાનો અભ્યાસ ૧૦ ચોપડીઃ ૧૩ ભાષાની જાણકાર

કાલે રિમાન્ડ પુરા થયે કોર્ટમાં રજૂ કરાશેઃ દિલ્હીના આરીફને ૧૦ લાખ મોકલ્યાના ક્રિષ્નાના રટણથી બેંગ્લોરથી ઉઠાવી લાવવામાં આવેલા આરીફની સતત પુછતાછઃ તથ્ય જણાતું નથી

રાજકોટ તા. ૧૯: પીએસઆઇ અને એલઆરડીની પરિક્ષામાં લેખિત કે શારીરિક-રનીંગ સહિતની કોઇપણ પરિક્ષા આપ્યા વગર સીધા જ ગાંધીનગરથી જોઇનીંગ લેટર અપાવી દેવાની લાલચ આપી રાજકોટ શહેર સહિતના ૧૨ ઉમેદવારોને ફસાવી લલચાવી રૂ. ૧૫ લાખની ઠગાઇ કરનાર મુળ જુનાગઢની અને અગાઉ કેન્યા નાઇરોબીના યુવાન સાથે છુટાછેડા લઇ ચુકેલી ક્રિષ્ના શામજીભાઇ ભરડવા તથા તેની સાથે લિવ ઇન રિલેશનથી રહેતાં જામનગરના જેનિશ ધીરૂભાઇ પરસાણાના રિમાન્ડ મળ્યા પછી પોલીસે વિશેષ પુછતાછ કરી હતી. જુનાગઢમાં રહી દસ ચોપડી ભણેલી ક્રિષ્ના સાતીર દિમાગ ધરાવતી હોય તેમ પોલીસને સતત ગોટે ચડાવી રહી છે. તેણી તેર જુદી જુદી ભાષા પણ જાણે છે. બીજી તરફ દિલ્હીના આરીફમહમદને દસ લાખ મોકલ્યાના ક્રિષ્નાના રટણને આધારે   આરીફમહમદને પોલીસ બેંગ્લોરથી ઉઠાવી લાવી હતી. જો કે તેણે પોતાને રકમ મળ્યાનો ઇન્કાર કર્યો છે.

કોૈભાંડની સુત્રધાર ક્રિષ્ના અને તેના સાથી જેનીશનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થતાં પોલીસે તપાસ આગળ ધપાવી હતી. દિલ્હીના એક શખ્સે પોતે પરિક્ષામાં પાસ કરાવી દેતો હોવાનું પોતાને કહ્યું હોઇ પોતે પણ તેને નોકરી માટે દસેક લાખ દીધા હતાં. આ અંગેની તપાસ કરવા પોલીસની ટીમ દિલ્હી સુધી પહોંચી હતી. સુત્રધાર ક્રિષ્ના આરીફ નામના આ શખ્સના સંપર્કમાં હતી અને આર્થિક વ્યવહાર કર્યા હોઇ આ શખ્સ દિલ્હીથી બેંગ્લોર જતો રહ્યો હોઇ ત્યાંથી તેને સકંજામાં લેવાયો હતો.

ક્રિષ્ના ભરડવાએ બેંક ઓફ બરોડાના કર્મચારી મારફત એક ઉમેદવાર ભગવતીપરાના આશિષનો સંપર્ક કર્યો હતો. આશિષે પોતાની સાથે રેસકોર્ષ ગાર્ડનમાં પીએસઆઇ એલઆરડીની દોડની પ્રેકટીસ કરતાં બીજાનો સંપર્ક પણ ક્રિષ્ના અને જેનિશ સાથે કરાવ્યો હતો. આ બંનેએ આશિષ સહિત બાર જણા પાસેથી ૧૫ લાખની રકમ મેળવી લીધી હતી અને પીએસઆઇ એલઆરડીની નોકરીનો સીધો જોઇનીંગ લેટર ગાંધીનગરથી મળી જશે તેવી લાલચ આપી હોઇ આ ઉમેદવારો શારીરિક પરિક્ષા આપવા પણ ગયા નહોતાં.

દિલ્હીના આરીફમહમદનો શું રોલ છે? એ ચકાસવા ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, હીરાભાઇ રબારી સહિતની ટીમ સતત પુછતાછ કરી રહી છે. પરંતુ ક્રિષ્ના, જેનીશ અને આરીફમહમદ એમ ત્રણેય એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે. દિલ્હીના શખ્સે તો એવું પણ કહ્યું હતું કે ક્રિષ્નાએ મને એમ કહીને બોલાવ્યો હતો કે મારી પાસે સોનાની ખાણ છે. આપણે સોનુ વેંચવાનું છે. ક્રિષ્નાએ દસ લાખની રોકડ આરીફને મોકલી હોવાનું રટણ કર્યુ હતું. તેનો પણ તાળામેળ થતો ન હોઇ તપાસ પુછતાછ યથાવત રખાઇ છે.

વિશેષ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જુનાગઢની ક્રિષ્ના માંડ દસ ચોપડી ભણી છે. પરંતુ તે વધુ સમય વિદેશમાં રહી હોવાથી અને ત્યાં નોકરીઓ કરી હોવાથી તે અલગ અલગ તેર ભાષા જાણે છે. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી. કે. દિયોરાના માર્ગદર્શનમાં પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ભરતભાઇ ચોૈહાણ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ વહાણીયા અને ક્રિષ્નાબા ચોૈહાણ તથા ભુમિકાબા ચોૈહાણ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:29 pm IST)