Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જાતે ડોકટર ન બનો

હોમ કોરોના ટેસ્ટીંગ કીટના વેચાણમાં ચિંતાજનક ઉછાળો

એકલા રાજકોટમાં ૨ થી ૨ાા હજાર આવી કીટ્સનો ઉપયોગ થાય છે : ચિંતાજનક બાબત : અમદાવાદમાં રોજના ૧૫ હજાર : આમા કોરોના પોઝીટીવ આવેલ હોય તેની કોઇ ગણત્રી નથી !

ભારતમાં કોરોનાનું વધતું સંક્રમણ તો સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે.પરંતુ તેની સાથે-સાથે હવે કોરોનાનું ટેસ્ટિંગ.અને સંક્રમિતોના સાચા આંકડા મોટી ચિંતા બન્યા છે.છેલ્લા એક મહિનામાં સેફલ ટેસ્ટિંગના કિસ્સાઓ તો વધ્યા જ છે.પરંતુ મેડકિલમાંથી જરૂરી દવાઓ અને અન્ય વસ્તુઓની ખરીદી પણ વધી છે.

ઘરે બેઠા કોરોનાના ટેસ્ટ માટે (રેપીડ એન્ટીજન ટેસ્ટ)ની 'કોવી સેફ' રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટ બહાર પડી છે. જેમ કોર્પોરેશન દ્વારા તેમના વિવિધ ૩૦થી વધુ સેન્ટરોના કોવિડનું ઝડપી પરીક્ષણ કરી અપાય છે તેમજ આ 'કોવીસેફ'ની કીટ્સ દ્વારા ઘરે બેઠા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરીને ૫ થી ૧૦ મિનીટમાં કોરોના છે કે કેમ તે જાણી શકાય છે.

જે રીતે કોર્પોરેશન દ્વારા નાકમાં સળી ફેરવી અને કીટમાં મૂકી ૫-૧૦ મિનિટમાં રીઝલ્ટ આપી દેવાય છે તેજ રીતે તમે જાતે આ 'માય લેબ' કંપનીની 'કોવીસેફ' દ્વારા ૫-૧૦ મિનિટમાં ઘરે બેઠા કોવિડ ટેસ્ટીંગ કરી શકો છો. રૂ. ૨૫૦માં એક કીટ લગભગ દરેક મેડીકલ સ્ટોર્સમાં મળે છે. એકલા ગુજરાતમાં દરરોજ ૪૦ થી ૫૦ હજાર આ કીટસ દ્વારા ટેસ્ટીંગ થતો હોવાનો અંદાજ છે.

રાજકોટના યસ મેડીકલના શ્રી પિયુષભાઇએ જણાવેલ કે, તેમને ત્યાં દરરોજ ૪૦ થી ૫૦ આવી કોવી સેફ કીટ્સનું વેચાણ થાય છે. રફ અંદાજ મુજબ ૪૦%થી વધુ લોકોને પોઝિટિવ આવી રહેલ છે. જોકે સીમ્પટમ્સ માઇલ્ડ હોવાથી મહદ્અંશે લોકો ઘરે જ ટેસ્ટીંગ કરી સારવાર લેવા માંડયા છે. રાજકોટમાં ૨,૫૦૦ કે તેથી પણ કદાચ વધુ ટેસ્ટીંગ લોકો ઘરે બેઠા કરીને સારવાર લઇ રહ્યા છે.

એક બહાર આવેલ આંકડા મુજબ અમદાવાદમાં દરરોજ આ રીતે ઘેરબેઠા ૧૫ હજાર આસપાસ કોવિડ ટેસ્ટ થાય છે. આ જોતા સુરત, વડોદરામાં પણ મોટી સંખ્યામાં હોમ કોરોના ટેસ્ટીંગ કીટ દ્વારા કોરોના ટેસ્ટીંગ થઇ રહ્યું છે, જે જોતા ગુજરાતમાં રોજ ૫૦ હજારથી વધુ કોરોના ટેસ્ટ ઘેરબેઠા થાય છે. તેમાં કોરોના પોઝિટિવનો આંકડો કેવડો હશે તે કલ્પના કરવી જ રહી.

સત્તાવાર રીતે રોજ ૨૦ હજાર ઉપર આંક જવા લાગ્યો છે જે વાસ્તવમાં કદાચ ૫૦ હજાર ઉપર હોય તો નવાઇ નહિ...

સાવધા રહેવું, ડીસ્ટન્સ રાખવું, માસ્ક ફરજીયાત પહેરવું અને ખૂબ જરૂર વિના બહાર ન નિકળવું એ એક માત્ર કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

રાજકોટમાં મોટી ટાંકી પાસે આવેલ ખૂબ જ જાણીતા યશ મેડીકલ સ્ટોરના શ્રી પિયુષભાઇ જાવીયા 'કોવીસેફ' હોમ કોરોના ટેસ્ટીંગ કીટ સાથે નજરે પડે છે.

રાજયમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બદલાતા હવામાનની અસરથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ તમામ પ્રકારના લક્ષણો એજ છે. જે કોરોનાના હોય છે.. તેવામાં સાવચેતીના ભાગરૂપે અને પોતાની અંદર રહેલા ડરને દૂર કરવા માટે લોકો મોટી સંખ્યામાં કોરોના હોમ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ હોમ ટેસ્ટિંગ કિટ હવે સરકાર માટે જ માથાનો દુખાવો બની ગઈ છે. કારણ કે, જે લોકો હોમ ટેસ્ટિંગ કિટથી ટેસ્ટિંગ કરી રહ્યા છે.તેવા લોકો પોઝિટિવ આવ્યા બાદ પણ તેની નોંધ સરકારમાં નથી કરાવી રહ્યા. સરકારે આ માટે ખાસ એપ પણ બનાવી છે. પરંતુ તેમાં નોંધણી કરાવવાથી લોકો દૂર ભાગી રહ્યા છે.બીજી તરફ ચિંતાની બાબત એ છે કે, છેલ્લા એક મહિનામાં જ રાજયમાં મેડકિલ શોપ પરથી ૮૦ થી ૯૦ ટકા જેટલી કોરોના સંબંધીત દવાઓ અને સામગ્રીઓનું વેચાણ પણ વધ્યું છે.તેવામાં આ વધતી ચિંતા વચ્ચે વીટીવી ન્યૂરો મેડીકલ શોપ પર જઈને સાચી હકીકત પણ જાણવાનો પ્રયાસ કર્યો.

હોમ ટેસ્ટિંગ કિટથી ટેસ્ટ કર્યા બાદ લોકો કોરોના પોઝિટિવ આવ્યાની માહિતી છુપાવી રહ્યા છે. તેવામાં આવા હજારો લોકોને ટ્રેક કરવા સરકાર માટે અશકય છે. જોકે બીજી તરફ સરકારે હવે કોરોના હોમ ટેસ્ટિંગ કિટની ખરીદી માટે આધારકાર્ડ અનિવાર્ય કર્યું છે.જેથી કરીને આવા લોકોની ભાળ મેળવી શકાય.પરંતુ આ રીત પણ સરકાર માટે એક મોટો પડકાર જ છે. ત્યારે આ હોમ ટેસ્ટિંગ અને અન્ય કોરોના લગતી વસ્તુઓ અને દવાઓના વધતા વેચાણ મુદ્દે વીટીવી ન્યૂરો નિષ્ણાત ડોકટર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો

હવે સવાલ એ છે કે, અચાનક આ રીતે હોમ ટેસ્ટ કિટનો ઉપયોગ કરનારની સંખ્યા વધી કેવી રીતે ગઈ...? તો તેનો જવાબ એ છે કે, ઓમિક્રોન ગુજરાતમાં અપેક્ષા કરતાં વધારે ઝડપથી ફેલાયો છે.. અને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં દર્દીઓની સંખ્યા ૧૦૦ ગણી વધી ગઈ છે. જોકે હોમ ટેસ્ટિંગ કિટનું પ્રમાણ વધવા પાછળનું કારણ એ પણ છે કે, ટેસ્ટિંગ લેબમાં દબાણ વધતા દર્દીનો રિપોર્ટ ૨ થી ૩ દિવસે આવે છે. જયારે હોમ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને રેપિડ એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટ ૧૦થી ૧૫ મિનિટમાં જ આવી જાય છે. અને આજ કારણે હજારો લોકો હવે ઘરે જ ટેસ્ટિંગ કરીને સારવાર લઈ રહ્યા છે.. જેથી તેમના આંકડા બહાર નથી આવતા.. અને સરકાર સુધી સાચી માહિતી નથી પહોંચતી.

(3:28 pm IST)