Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

હોસ્‍પીટલનું નામ સ્‍વ. કલ્‍યાણજીભાઇ બેચરભાઇ રાજપૂત રખાશે તો રૂા. પ૧,પ૧,૧પ૧નું અનુદાનઃ મહેશ રાજપૂત

રૈયાની હોસ્‍પીટલની જમીનનો હેતુફેર નામંજૂર થતા પૂર્વ શહેર કોંગ્રેસ અધ્‍યક્ષે મનપાને અભિનંદન આપ્‍યા

રાજકોટ તા. ર૦ :.. કોર્પોરેશન દ્વારા હોસ્‍પીટલના હેતુ માટે અનામત જમીનની વાણીજય હેતુફેરની દરખાસ્‍ત જનરલ બોર્ડમાં નામંજૂર કરતા પૂર્વ શહેર કોંગ્રેસ મહેશભાઇ રાજપૂતે મેયર ડો. પ્રદીપ ડવને અભિનંદન પાઠવી આ જમીનમાં મનપા દ્વારા હોસ્‍પિટલ બનાવવામાં આવે અને જો આ હોસ્‍પિટલનું નામ સ્‍વ. કલ્‍યાણજીભાઇ બેચરભાઇ રાજપૂત રાખવામાં આવે તો અમારા પરિવાર દ્વારા રૂા. પ૧.પ૧ લાખનું અનુદાન કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.
આ અંગે મહેશ રાજપૂતે પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, શહેરના નાગરિક તરીકે અને શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે ઉપરોક્‍ત હોસ્‍પિટલના અનામત હેતુના પ્‍લોટમાં તાત્‍કાલિક મલ્‍ટી સ્‍પેશિયાલિસ્‍ટ હોસ્‍પિટલ બનાવવાની તૈયારી કરવામાં આવે અને આ પ્‍લોટ પર મલ્‍ટી સ્‍પેશિયાલિસ્‍ટ હોસ્‍પિટલ બનાવવામાં આવશે અને તેનો પ્‍લાન મંજુર કરવામાં આવે ત્‍યારે હું રૂ.૧૧,૧૧,૧૧૧નું અનુદાન આપીશ.
વધુમાં મહેશ રાજપુતે જણાવેલ કે, આ હોસ્‍પિટલનું નામ ‘સ્‍વ. કલ્‍યાણજીભાઇ બેચરભાઈ રાજપુત' રાખવામાં આવે તો મારો પરિવાર રૂ.૫૧,૫૧,૧૫૧નું અનુદાન આપવા અમોની તૈયારી છે. સદરહુ, અમારી રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્‍યાનમાં લઇ રાજકોટ શહેરના નગરજનોના આરોગ્‍યના હિતમાં નિર્ણય લઇ તાત્‍કાલિક આ સ્‍થળ ઉપર તમામ અધ્‍યતન સુવિધા યુક્‍ત હોસ્‍પિટલ બનાવવામાં આવશે તેવી અમો આશા રાખીએ છીએ. શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય (સિવિલ-પી.ડી.યુ.) હોસ્‍પિટલ આવેલ છે તે હોસ્‍પિટલમાં રાજકોટ જીલ્લાના તેમજ અન્‍ય જીલ્લાઓમાંથી પેશન્‍ટનો મારો રહે છે તેથી શહેરના લોકોને તેની પુરતી સુવિધા મળી રહી નથી તે જ રીતે શહેરની બહાર જીલ્લાની અંદર બની રહેલી AIIMS હોસ્‍પિટલ શહેરથી ખુબ જ દુર છે તેમજ આ હોસ્‍પિટલમાં ગુજરાત/સૌરાષ્ટ્ર ભરમાંથી પેશન્‍ટો આવશે. તેથી શહેરના નગરજનોને આરોગ્‍ય સુવિધાનો અભાવ હંમેશા રહેશે.
શહેરના નાગરિકને તાવ, શરદી, ઉધરસ, વિગેરે જેવી સામાન્‍ય બીમારી-રોગોના ગરીબ-મધ્‍યમવર્ગીય દર્દીઓને AIIMS હોસ્‍પિટલ ખાતે પહોંચવા માટે ઓછામાં ઓછું રૂ.૧૫૦ રીક્ષાભાડું ચુકવવું પડે તેમજ પરત ઘરે આવવા માટે પણ રૂ.૧૫૦ રીક્ષાભાડું ચુકવવું પડે આવી રીતે કુલ રૂ.૩૦૦ નો આવવા જવાનો ખર્ચ થાય તે સામાન્‍ય અને ગરીબ-મધ્‍યમવર્ગીય લોકોને ન પોસાય તેથી AIIMS હોસ્‍પિટલનું કે સિવિલ હોસ્‍પિટલનું બહાનું આપી આ સ્‍થળે હોસ્‍પિટલ ન બનાવવા નિર્ણય ન લેવો જોઈએ, પણ લોકોના આરોગ્‍યના હિતને ધ્‍યાનમાં રાખી આ સ્‍થળ પર રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મલ્‍ટી સ્‍પેશીયલ હોસ્‍પિટલ બનવી જોઈએ તેવો લોકહિતાર્થે તાત્‍કાલિક નિર્ણય લેવો જ જોઈએ અને લોકોના આરોગ્‍યના હિતને પ્રાધાન્‍ય આપી આ પ્‍લોટ ઉપર હોસ્‍પિટલનું બાંધકામ શરૂ થશે. તેવી આશા રાખીએ છીએ.

 

(3:23 pm IST)