Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

બજરંગવાડી મેઇન રોડ પર ૧૫ જગ્‍યાએથી છાપરા - ઓટલાના દબાણો હટાવાયા

વોર્ડ નં.૨ના બજરંગવાડી વિસ્‍તારમાં માર્જીન-પાર્કીંગની ૪૧૪૪ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરાઇઃ ૬ રેંકડી-કેબીન, માલ સામાન તથા ૧૭૦ બોર્ડ-બેનર જપ્‍ત કરાયા

રાજકોટ તા. ૨૦: મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્‍વયે આજે બજરંગવાડી મેઇન રોડ પરના ૧૫ સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો,સાઇન બોર્ડ   ગેરકાયદેસર બાંધકામ દુર કરી જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે શહેરમાં  ‘વન વીક, વન રોડ  અન્‍વયે આજે વોર્ડ નં. ૨ના બજરંગ વાડી મેઇન રોડ પરનાં કોમ્‍પલેક્ષો, દુકાનો વગેરે સ્‍થળોએ માર્જીન તથા પાર્કિંગમાં થયેલ દબાણો દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્‍યુ હતુ. જેમાં જેમાં (૧) શક્‍તિ પાન, (૨) સહજ કોમ્‍પ્‍લેક્ષ, (૩) ખોડીયાર ફલોર મિલ, (૪) સોમનાથ ભેળ હાઉસ, (૫) ખોડીયાર કટપીસ, (૬) અસરફ બાઈન્‍ડીંગ, (૭) ભગવતી શોપિંગ, (૮) આવકાર પ્રોવિઝન સ્‍ટોર, (૯) જય વાસણ ભંડાર, (૧૦) રિદ્ધી સિદ્ધી જનરલ સ્‍ટોર, (૧૧) મહેરાજ ફરસાણ, (૧૨) બાલાજી ખમણ, (૧૩) ખોડીયાર કોમ્‍પ્‍લેક્ષ, (૧૪) અમૃત ડેરી ફાર્મ અને (૧૫) મહાદેવ ફેશન ખાતેથી ફૂટપાથ પર ઓટલાનું દબાણ તેમજ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.
૧૫ સ્‍થળોએથી પાર્કિંગ- રોડને નડતરરૂપ છાપરા, ઓટલા, વગેરેનાં દબાણો દુર કરી ૪૧૪૪ ચો.મી. ચો.ફુટ જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.
રેંકડી - કેબીન - બોર્ડ - બેનર જપ્‍ત
વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા બજરંગ વાડી વિસ્‍તારમાંથી નડતરરૂપ દબાણો હટાવાયા હતા. જેમાં ૧ રેંકડી - કેબીન, ૫ માલ સામાન તથા વિવિધ રાજકીય પક્ષો, સંસ્‍થાના ૧૭૦ બોર્ડ - બેનરો જપ્‍ત કર્યા હતા.

 

(3:18 pm IST)