Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પીડીયુ સિવિલના અદ્યતન બિલ્ડીંગમાં સીટી સ્કાન-એમઆરઆઇ વિભાગ ચાલુ કરોઃ ગાયત્રીબા વાઘેલા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે તબિબી અધિક્ષક આર. એસ. ત્રિવેદીને કરી રજૂઆત

રાજકોટ તા. ૨૦: પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નવા બનાવેલા સુપર સ્પેશિયાલિટી અદ્યતન બિલ્ડીંગમાં સીટી સ્કાન અને એમઆરઆઇ માટે ફાળવાયેલી જગ્યામાં આ વિભાગો દર્દીઓના લાભાર્થે સત્વરે ચાલુ કરવા જરૂરી છે. આ માટે પીડીયુના સત્તાવાહકોને સત્વરે યોગ્ય કરી આ વિભાગો શરૂ કરે તેવી રજૂઆત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીને કરી છે.

શ્રીમતિ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છે કે અદ્યતન સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ સિવિલ હોસ્પિટલમાં બની ગયું અને ઉદ્દઘાટન થયું એ પછી તરત કોવિડ વોર્ડ અહિ શરૂ કરવા પડ્યા હતાં. પરંતુ હવે કોરોનાના કેસ ઓછા છે અને આવા દર્દીઓ પણ ઓછા છે ત્યારે કરોડોના ખર્ચે બનાવાયેલા આ બિલ્ડીંગમાં પહેલેથી જ સીટી સ્કાન અને એમઆરઆઇ વિભાગો શરૂ કરવાની જગ્યા ફાળવાઇ હોઇ આ વિભાગો આ જગ્યા પર સત્વરે ચાલુ કરી શકાય તો દર્દીઓના હિતમાં ગણાશે.

હાલમાં સિવિલમાં આ સુવિધા છે જે કંપની મારફત ચાલી રહી છે. અદ્યતન બિલ્ડીંગમાં સરકારી ખર્ચે આ સુવિધાઓ શરૂ થાય તો ગરીમ મધ્યમ વર્ગના દર્દીઓને તેનો પુરતો લાભ મળી શકે તેમ છે. આ બાબતે સત્વરે ઘટતુ કરવા શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ વધુમાં જણાવ્યું છે.

(2:51 pm IST)