Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કોરોનાને કારણે શાસક-વિપક્ષે પરિપકવતા દાખવી

પ્રથમ વખત પ્રશ્નોતરી વગર જનરલ બોર્ડ ૧૨૦ સેકન્ડમાં પૂર્ણ

વંદેમાતરમ ગાન વચ્ચે ૭ દરખાસ્તનો અંગે કરાયો નિર્ણયઃ સાધુ વાસવાણી રોડ પરની જમીન હેતુ ફેરની દરખાસ્ત નામંજુરઃ સીટી ઇજનરે તરીકે પી.ડી. અઢીયા તથા આરોગ્ય અધિકારી પદે ડો.જયેશ વકાણીની અરજન્ટ દરખાસ્તને બહાલી

રાજકોટ તા. ૧૯ : મનપાના ઇતિહાસમાં કોરોનાના કારણે પ્રથમ વખત પ્રશ્નતરી વગર જનરલ બોર્ડ માત્ર ૨ મીનીટમાં પૂર્ણ થઇ ગયુ હતુ. આ બોર્ડમાં સાધુ વાસવાણી રોડ પરની જમીન હેતુફેર સહિતની કુલ ૭ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.
આજે સવારે ૧૧ વાગ્યે મનપાનાં બીજામાળે આવેલ રમેશભાઇ છાયા સભા ગૃહમાંં યોજાયેલ જનરલ બોર્ડમાં મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યુ હતુ કે,  હાલમાં કોરોનાનુ સંક્રમણ ગતિમાં છે. દરરોજ ૫૦૦થી વધુ કેસ આવી રહ્યા છે. મ.ન.પા.ના ત્રણથી ચાર કોર્પોરેટરો પણ સંક્રમિત થયા છે ત્યારે  ૧ કલાકથી વધુનો સમય એક જ સભાગૃહમાં ૫૦ થી ૬૦ લોકોએ બેસી રહેવું જોખમી છે. આથી સુરક્ષા માટે જનરલ બોર્ડની શરૂઆતનો ૧ કલાકનો પ્રશ્નોત્તરી કાળ વિપક્ષની સહમતીથી રદ્દ કરાયો છે અને કોર્પોરેટરોને તેમના પ્રશ્નોના જવાબો લેખીતમાં આપી દેવાશે તેમ જણાવ્યુ હતુ. દરખાસ્તો અંગે નિર્ણય કર્યા બાદ વંદે માતરમ ગાન કરી બોર્ડ પુર્ણ કરવામંાં આવ્યુ હતુ.
૭ દરખાસ્તો અંગે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકાની આખરી નગરરચના યોજના નં. ૪ રૈયાના 'હોસ્પિટલ'ના હેતુ માટેના અનામત પ્લોટ નં. ૪૦૭નો 'વાણિજ્ય વેંચાણ'ના હેતુમાં હેતુફેર કરવા માટે નામંજુર કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા સુચવવામાં આવેલ જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના કરવા, વોર્ડ નં. ૬માં શીતળા માતાના મંદિર, પાંજરાપોળ પાસે આવેલ સુલભ શૌચાલય દુર કરવા તથા મહાનગરપાલિકાની 'મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ'ની જગ્યા પર ડો. જયેશકુમાર વકાણી તથા રાજકોટ મહાનગરપાલિકાની 'સિટી એન્જીનિયર'ની જગ્યા પર પરેશ ધીરેનકુમાર અઢીયાની નિમણુંકની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.
જ્યારે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ અંગેની કામગીરી બહુમતે મંજુર કરવામાં આવી હતી.
સામાન્ય સભામાં ભાજપના પાંચ સભ્યો ગેરહાજર
રાજકોટ : આજે મળેલ મનપાની સામાન્ય સભામાં ભાજપના ૬૮ પૈકી ૬૩ તથા કોંગ્રેસના ૪ પૈકી ૪ સહિત કુલ ૭૨ પૈકી ૬૭ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પાંચેય કોર્પોરેટરોના રજા રિપોર્ટ આવ્યા છે.

 

(3:19 pm IST)