Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ખેતી-ખેડૂતોને ભૂંડ-રોઝડાના ત્રાસમાંથી છોડાવો

ફેન્સીંગ માટે વ્યકિતગત સહાય આપો : ભારતીય કિસાન સંઘની કલેકટરને રજુઆત

ભારતીય કિસાન સંઘે ભૂંડ-રોઝડાના ત્રાસમાંથી ખેતી-ખેડૂતોને છોડાવવા અંગે આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.ર૦ : ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ભુંડ અને રોઝના ત્રાસથી ખેતી અને ખેડૂતને બચાવવા બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં મોરબી જીલ્લાના હળવદ તાલુકાના માથક ગામના ખેત મજુરો કે જે ખેતરમાં રહીને ભાગની જમીન વાવીને પોતાના પરિવારોનું ભરણ પોષણ કરતા હોય છે તેનો તૈયાર થયેલ પાક ગામના રખડતા પશુઓ દરરોજ આવીને ખાઇ જતા હતાં જે કે તેની જીવાદોરી હતી. દિવસનું ખેતરમાં કામ કરવું અને રાત્રે રખોપું કરવું. તેમ છતાં તેના પાકને નુકસાન થવાથી મજૂરોએ કંટાળીને પશુઓને અટાવવા માટે અભણ માણસોએ ધારિયાનો ઉપયોગ કરવાથી આખલાઓને નાની ઇજા થયેલ છે તે વખોડવા લાયક છે, પરંતુ ખેડૂતોની મજૂરી જોયા વગર તેની સામે ભણેલ-ગણેલ કલાસવન અધિકારીએ પાસાની સજા કરેલ છે. તે બહુ ખોટું થયેલ છે. ખેડૂતો થાકી વારંવાર રજૂઆત કરેલ છે કે રોઝ, ભૂંડ અને રખડતા ઢોરનો નિકાલ કરવાનો. છતાં પણ કોઇ પણ પ્રકારનું તે બાબતનો પ્રયાસ કરેલ નથી.

ભૂંડ, રોઝ અને રખડતા પશુઓ જેવા જંગલી પ્રાણીઓથી ખેડૂતોને રક્ષણ આપવા ભારતીય કિસાન સંઘ રાજકોટ દ્વારા જુદા જુદા પ્રશ્નોનો સાથે ભૂંડ, રોઝ અને રખડતા પશુઓને નિયંત્રણ કરવા અને ખેડૂતોને ખેતીમાં થતું નુકસાન અટકાવવા અનેક વખત સરકારને રજુઆતો કરેલ છે. આ પ્રકારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓએ રજુઆત કરવા આવેલ છે. તેમ છતાં સરકારશ્રીએ કોઇ પણ પગલા ન લેતા ખેડૂતોનો ભોગ લેવાય છે.

સરકારની યોજના દ્વારા ખેડૂતોને ફેન્સીંગ માટે સબસીડી ગ્રુપમાં આપવામાં આવે છે જે આજના સમય મુજબ વ્યકિતગત રીતે ખેડૂતોના હિતમાં નથી. તેથી સરકાર નિરપેક્ષ ભાવે પોતાનું ધ્યાન આ સંવેદનશીલ મુદા તરફ દોરે અને ગ્રુપના બદલે વ્યકિતગત ખેડૂત દીઠ સહાય આપે. તેમજ તેની અંદર ૯પ% સબસીડી આપવી જોઇએ.

ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, પી.વી. મણવર, રમેશભાઇ ચોવટીયા, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, રમેશભાઇ હાપલીયા, મનોજ ડોબરીયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ સોરઠીયા, માધુભાઇ પાંભર, બચુભાઇ ધામી, શૈલેશભાઇ સીંદપરા વિગેરે જોડાયા હતાં.

(3:47 pm IST)