Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

આજી ડેમથી મવડી વચ્ચે પાણીની લાઇન તૂટી : ૧૭ કલાક વિતરણ ઠપ્પ : દેકારો

૮૬૩ એમ.એમ.ની પાઇપનો વાલ્વ લીકેજ થતાં ફુવારા ઉડયા : હુડકો અને પુનિતનગર હેડવર્કસ હેઠળના ૯ વોર્ડમાં બપોર બાદ પાણી અપાતા દેકારો

રાજકોટ તા. ૨૦ : શહેરના આજી ડેમથી મવડી તરફ જતી પાણીની ૮ કિ.મી. પાણીની પાઇપ લાઇન તૂટી જતા મવડી, હુડકો હેડવર્કસ હેઠળના ૯ વોર્ડ એટલે કે અર્ધા રાજકોટમાં પાણીનો દેકારો બોલી ગયો હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે આજી ડેમના નીચાણવાસમાંથી પસાર થતી અને મવડી તરફ જતી ૮૬૩ એમ.એમ.ની વિતરણની મુખ્ય પાઇપ લાઇન તૂટી ગઇ હતી. આ એ.સી. પ્રેસર પાઇપ લાઇનનો વાલ્વ તૂટી જતા તેનું રિપેરીંગ ૧૭ કલાકથી વધુ ચાલ્યું હતું.

આથી હુડકો હેડવર્કસ હેઠળના વોર્ડ નં. ૧૪, ૧૫, ૧૬, ૧૭ અને ૧૮માં ૧૦ કલાક સુધી પાણી વિતરણ બંધ રહ્યું હતું.

તેવી જ રીતે પુનિતનગર હેડ વર્કસ હેઠળ આવતા મવડીના વોર્ડ નં. ૧૦ અને ૧૩માં ૧૨ કલાક સુધી તેમજ વોર્ડ નં. ૧૧ અને ૧૨માં આજે આખો દિવસ પાણી વિતરણ બંધ રહેતા આ તમામ વિસ્તારોમાં પાણીનો જબ્બરો દેકારો બોલી ગયો હતો.

આમ, આજે અર્ધા રાજકોટમાં પાણીનો જબરો દેકારો બોલી ગયો હતો. જેમાં મવડી વિસ્તારની અનેક સોસાયટીઓમાં લોકો પાણી વિહોણા રહેતા લોકરોષ જોવા મળ્યો હતો.  જો કે કેટલાક વિસ્તારોમાં બપોરે ૨ વાગ્યા પછી પાણી વિતરણ શરૂ કરાયું હતું.

(3:11 pm IST)