Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મૃતકને પોલીસમેનના સાળાની ઘરવાળી સાથે ફોનમાં વાતચીતના સંબંધ હોઇ તે પુરા કરવાનું કહી ધમકી અપાઇ'તી

પોલીસમેને બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપતાં મોબાઇલના ધંધાર્થીએ જીવ દીધો'તો

ગાંધીગ્રામના કોન્સ. મુળ ખાખરાળાના ભરતભાઇ ઉર્ફ દેવાણંદભાઇ સવસેટા સામે આપઘાત કરનાર વિક્રમના ભાઇ વિજય ખાંડેખાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો : ૧૮/૧૨ના ગૂમ થયેલા વિક્રમની ૧૯મીએ ગેસ્ટહાઉસમાં લાશ મળી'તીઃ પોલીસમેને મૃતકના ભાઇને કહેલું-આમાં તો ઘણું થઇ શકે, તમારા ભાઇને કહો મારા સાળાની પત્નિ સાથે સંબંધ ન રાખે...

રાજકોટ તા. ૨૦: એક મહિના પહેલા ભાભા ગેસ્ટહાઉસવાળી શેરીમાં આવેલા ગેસ્ટહાઉસમાં મોબાઇલ ફોનના ધંધાર્થી વિક્રમ છગનભાઇ ખાંડેખાએ ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં જે તે વખતે કારણ બહાર આવ્યું નહોતું. પણ હવે એવી વિગતો ખુલી છે કે વિક્રમને ગાંધીગ્રામમાં ફરજ બજાવતાં પોલીસમેન મુળ મોરબીના ખાખરાળા ગામના ભરતભાઇ ઉર્ફ દેવાણંદભાઇ જીવણભાઇ સવસેટાએ 'તું મારા સાળાની ઘરવાળી સાથેના સંબંધ પુરા નહિ કરે તો બળાત્કારમાં ફસાવી દઇશ' તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હોઇ તેનાથી ડરીને તેણે આપઘાત કરી લીધો હતો.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કોઠારીયા સ્વાતિ પાર્ક-૬ યદુનંદન ખાતે રહેતાં વિજય છગનભાઇ ખાંડેખા (આહિર) (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી હેડકવાર્ટરમાં રહેતાં અને ગાંધીગ્રામમાં ફરજ બજાવતાં કોન્સ. ભરતભાઇ ઉર્ફ દેવાણંદભાઇ જીવણભાઇ સવસેટા સામે આઇપીસી ૩૦૬, ૫૦૬ (૨) મુજબ ધાકધમકી આપી મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે.

વિજય ખાંડેખાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું વેપાર કરુ છું. ત્રણ ભાઇઓ અને બે બહેનમાં સોૈથી નાનો વિક્રમ (ઉ.વ.૩૨) હતો. જેના લગ્ન માળીયા મિંયાણાના દેવગઢના ભગવાનભાઇ ગોગરાની દિકરી રેખા સાથે થયા હતાં. તેને સંતાનમાં એક સાત વર્ષનો પુત્ર અને ત્રણ વર્ષની દિકરી છે. અમે બધા ભાઇઓ એક જ વિાલે આવેલા મકાનમાં અલગ-અલગ રહીએ છીએ. મારા માતા-પિતા મુળ ગામ મોરબીના ખીરસરા ખાતે રહે છે.

૧૮/૧૨/૨૦ના હું મારા ગામ ખીરસરા હતો ત્યારે સાડા ત્રણેક વાગ્યે મોટાબાપુના દિકરા મૈસુરભાઇએ ફોન કરી જણાવેલ કે વિક્રમનો ફોન સ્વીચ ઓફ આવે છે સંપર્ક થતો નથી, કંઇક અઘટીત બન્યાનું લાગે છે.  આથી હું તુરત મારી કાર મારફત રાજકોટ  મેસ્ુરભાઇની જે માડી ડિલકસ ચા નાસ્તાની હોટેલ છે ત્યાં આવ્યો હતો. અહિ મારા નાના ભાઇ સંજયભાઇ, મોટાબાપુના દિકરા ભેગા થયા હતાં. તેણે કહેલું કે વિક્રમ ગત રાતથી કયાંક જતો રહ્યો છે. મૈસુરભાઇએ કહેલ કે વિક્રમે મારી સાથે ફોનમાં વાતચીત કરી હતી કે કુટુંબીભાઇ કુલદિપભાઇના પત્નિ જીજ્ઞાબેન કે જે મવડી ઉદયનગરમાં રહે છે તેની સાથે મારે પરિચય થતાં હું તેની સાથે વ્હોટ્સએપ મેસેજથી અને ફોન કોલ કરી વાતચીત કરતો હતો. તેની જાણ કુલદીપને થઇ જતાં કુલદીપે તેના બનેવી ભરતભાઇ ઉર્ફ દેવાણંદભાઇ જીવણભાઇ સવસેટાને વાત કરતાં ભરતભાઇઅ અવાર-નવાર ફોન કરી ધમકી આપતા હતાં કે જીજ્ઞાબેન સાથે તારે જે સંબંધ હોય તે બંધ કરી દેજે નહિ કરે તો માલવીયાનગરમાં તારા વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવશું.

મેૈસુરભાઇએ મને આ વાત જણાવી હતી. એ દિવસે સાંજે સાતેક વાગ્યે દેવાણદભાઇને મેં મારા ફોનમાંથી ફોન કરી કહેલ કે મારો ભાઇ વિક્રમ ગઇકાલનો ઘરે આવ્યો નથી, આજ સાંજના ચારેક વાગ્યાથી તેનો ફોન બંધ આવે છે તમે હોટલે આવો...તેમ કહેતાં દેવાણંદભાઇઅ ઉર્ફ ભરતભાઇએ કહેલ કે હું પોલીસ સ્ટેશને છું, તમારે કામ હોય તો અહિ આવો. આથી હું અને મારા પિત્રાઇ સંજયભાઇ કાર લઇને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ગયા હતાં. જ્યાં ભરતભાઇ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આવ્યા હતાં. મે તેને હું વિક્રમનો મોટો ભાઇ છું, તે ગઇકાલનો ગુમ છે, ફોન પણ બંધ છે. તમે તેને કાંઇ ધાકધમકી આપી છે કે કંઇ કહ્યું છે? તેમ પુછતાં ભરતભાઇએ કહેલ કે આમા તો બધુય થાય તમારા ભાઇને કહો કે મારા સાળાની પત્નિ સાથે કોઇ સંબંધ ન રાખે.

આ પછી ભરતભાઇના સસરા એટલે કે મારા કુટુંબી મોટાબાપુ સાધાભાઇ આવ્યા હતાં અને કહેલ કે મારા દિકરાની વહુ જીજ્ઞા જ બરાબર નથી, વિક્રમનો એકનો વાંક નથી તેવી વાત કરી હતી. એ પછી હું અને સંજય ત્યાંથી નીકળી ગયા હતાં. મેસ્ુરભાઇ અને બીજા સગા વિક્રમની શોધખોળમાં લાગ્યા હતાં. મોડી રાતે ત્રણ વાગ્યે વિક્રમના પત્નિ રેખાબેનને અમે વિક્રમનો પત્તો નથી તેવી જાણ કરી તે કયાંક ફરવા જતો રહ્યો હશે તેમ કહ્યું હતું અને બધા સુઇ ગયા હતાં.

બીજા દિવસે ૧૯/૧૨ના રોજ સવારે સાડા દસેક વાગ્યે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે-તમે વિક્રમ છગનભાઇ ખાંડેખાના શું સગા થાવ છો? આથી મેં તેઓને તે મારો ભાઇ હોવાનું કહેતાં પોલીસે મને ભાભા ગેસ્ટ હાઉસવાળી શેરીમાં અશ્વિન ગેસ્ટ હાઉસમાં આવવાનું કહેતાં હું અને મૈસુરભાઇ ત્યાં પહોંચતા ગેસ્ટ હાઉસના બીજા માળે રૂમ નં. ૨૦૫માં મારો ભાઇ મોઢામાંથી ફીણ નીકળતી હાલતમાં બેડ પર સુતેલો જોવા મળ્યો હતો. તેણે ઝેર પીધાનું જણાયું હતું. ૧૦૮ના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. એ પછી મેં સગા સંબંધીઓને જાણ કરી હતી.

એ પછી અમે તપાસ કરતાં ખબર પડી હતી કે ૧૮/૧૨ના વિક્રમની મોબાઇલ ફોનની દૂકાને ભરતભાઇ ઉર્ફ દેવાણંદ આવ્યો હતો અને સીસીટીવીના ફુટેજ જોયા હતાં. એ પછી મારા નાનાબેન સરોજબેન, વિક્રમના પત્નિ રેખાબેનને મૈસુરભાઇએ કરેલી વાત કરી હતી. વિક્રમને પોલીસમેન ભરતભાઇ ઉર્ફ દેવાણંદ સવસેટાએ પોતાના સાળાની પત્નિ સાથે કોઇ સંબંધ રાખ્યા તો બળાત્કારમાં ફીટ કરાવી દેવાની અને મારી નાંખવાની ધમકી આપી હોઇ તેના કારણે આઘાતમાં ભયથી તેણે આપઘાત કરી લીધાનું જણાતાં અમે હવે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં વિજય ખાંડેખાએ જણાવતાં એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:57 pm IST)