Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

થોરાળામાં થયેલ કોળી શખ્સની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૦: થોરાળામાં થયેલ કોળી શખ્સના ખુનના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હાઇકોર્ટે ફરમાવેલ છે.

રાજકોટમાં થોરાળામાં રહેતા સોમાભાઇ પુનાભાઇ મેણીયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં તા. ૧ર/૧૦/ર૦૧૯ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે તેના સાળાના દીકરા સાગર બાલાભાઇ તથા તેનો ભાઇ વિશાલ બાલાભાઇ બાવળીયા, લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ર માં નિતાબેનના ઘર આગળ કોઇ કારણસર ઝઘડો કરતા હતા ત્યારે તેનો પુત્ર અનિલ સોમાભાઇ મેણીયા છોડાવવા વચ્ચે પડતા તેને વિશાલ બાલાભાઇ બાવળીયા એ તેમના પુત્રને છરીના ઘા મારી દીધા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી અને જેમાં ચાલુ સારવાર દરમ્યાન અનિલ સોમાભાઇ મેણીયાનું મૃત્યુ નીપજતા થોરાળા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦ર હેઠળ ખુનનો ગુન્હો નોંધેલ હતો.

આ ગુન્હામાં પોલીસે વિશાલ બાલાભાઇ બાવળીયાની ધરપકડ કરેલ હતી. મુદામાલ હથીયારો કબ્જે કરેલ હતા. ત્યારબાદ આરોપીને જેલ હવાલે કરેલ હતો. ત્યારબાદ આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા હોય જયુ. અદાલતમાં તમામ આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરેલ હતું.

ઉપરોકત ચાર્જશીટ બાદ અરજદાર આરોપીએ સેશન્સ અદાલતમાં જામીન ઉપર છુટવા માટેની અરજી કરેલ હતી જેમાં સેશન્સ અદાલતે વિશાલ બાવળીયાની જામીન અરજી રદ કરેલ હતી જેથી આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન ઉપર છુટવા અરજી કરેલ હતી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઇ અરજદાર આરોપીને રૂ. ૧૦,૦૦૦/-ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

(2:56 pm IST)