Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

'તારા બાપને કે રાજકોટમાં મકાન લઇ આપે' કહી પ્રજાપતી સોસાયટીમાં ભાવનાબેન અગ્રાવતને ત્રાસ

સરધાર રહેતા પતિ શિવલાલ, ખાંભાના જેઠ ભાનુભાઇ, જેઠાણી ગીતાબેન અને રાજકોટના નણંદ જયાબેન સામે ગુનો

રાજકોટ, તા.૨૦: દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલી પ્રજાપતી સોસાયટીમાં રહેતી મહિલાને સરધારમાં રહેતા પતિ, અમરેલીના ખાંભામાં રહેતા જેઠ, જેઠાણી અને નણંદ ઘરકામ, તથા ચારીત્ર્ય પર શંકા કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટી શેરી નં.૪માં રહેતા ભાવનાબેન શિવલાલભાઇ અગ્રાવત (ઉ.વ.૪૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સરધારમાં રહેતા પતિ શીવલાલ વનમાળીદાસભાઇ અગ્રાવત, અમરેલીના ખાંભાના જેઠ ભાનુભાઇ વનમાળીદાસભાઇ અગ્રાવત, જેઠાણી ગીતાબેન અગ્રાવત અને રાજકોટ દોશી હોસ્પિટલ પાસે ગુરૂપ્રસાદ ચોકમાં રહેતા નણંદ જયાબેન ગુણવંતભાઇ નિમાવતના નામ આપ્યા છે. ભાવનાબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતાના વર્ષ ૨૦૦૩માં ખાંભાના શીવલાલ વનમાળીદાસભાઇ અગ્રાવત સાથે બીજા લગ્ન થયા હતા. પતિ શીવલાલની પહેલી પત્નિના અવસાન બાદ તેના પણ પોતાની સાથે બીજા લગ્ન છે. લગ્ન બાદ પતિ, સાસુ, જેઠ, જેઠાણી સાથે સંયુકત કુટુંબમાં ૬ માસ સાથે રહેલ બાદ બે વર્ષ સુધી લગ્ન જીવન સારી રીતે ચાલેલ બાદ પતિને શિક્ષક તરીકે નોકરી મળતા અમરેલીના ખડખડ ગામે રહેવા ગયેલ, લગ્નના દોઢ વર્ષ બાદ પોતાને પુત્રની પ્રાપ્તી થઇ હતી. ત્યારથી પતિનું વર્તન બદલવા લાગેલ અને પતિ ઘર ખર્ચ માટેના પૈસા ન આપતા અને ઘરની કોઇપણ જવાબદારી ન લેતા અને પોતાને કહેતા કે 'તારા બાપએ કરિયાવરમાં કંઇ સામાન આપેલ નથી. તારા બાપને કે આપણને રાજકોટમાં એક મકાન લઇ દે! તેમ કહેતા અને જેઠ પણ અવાર-નવાર કરિયાવર બાબતે મેણા ટોણા મારતા અને પતિને ચઢામણી કરતા હતા. અને કહેતા કે 'તારી પત્નિને તું એના માવતરના ઘરે મુકી આવ હું તારા માટે બીજી સારી છોકરી ગોતી દઇશ. અને જેઠાણી તે પતિ કહેતા કે 'ઘર ખર્ચ માટે પૈસા ન આપતો' તેને પૈસા જોઇતા હશે તો તેના માવતરેથી લઇને આવશે' અને તારી પત્નિને ઘરની બહાર કાઢીશ નહી, એને ઘરમાં પૂરીને જ રાખજે તેમ કહી પતિને ચઢામણી કરતા હતા અને પોતાના ચારિત્ર્ય પર શંકા કરી ગાળો આપી ઝઘડો કરી મારકુટ કરતા હતા, બાદ પતિની ઉમરાડી ગામે બદલી થતા પોતે પતિ સાથે રાજકોટમાં પોતાના પિતાના ફલેટમાં રહેતા હતા ત્યારે પણ પતિ પોતાની સાથે અવારનવાર ઝઘડાઓ કરી દારૂ પી મારકુટ કરતા હતા અને ફલેટ પોતાના નામે કરી દેવા માટે જીદ કરતા હતા ત્યારે તેને બંને વચ્ચે બોલાચાલી થતા પોતાને બહાર કાઢી મુકયા હતા બાદ પોતે ૨૦૧૩માં પતિ, જેઠ, જેઠાણી વિરૂધ્ધ ત્રાસ અંગેની ફરીયાદ કરી હતી, બાદ નામદાર કોર્ટમાં ૨૦૧૬માં સમાધાન થયુ હતુ અને પોતે ખારચીયા ગામે પતિ સાથે રહેતા હતા ત્યાં પણ પતિ અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપતા હતા, પતિ છ માસ પહેલા ઘર મુકીને નાસી જતા પોતે તાલુકા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી. બાદ પોલીસ દ્વારા તેનો સંપર્ક થતા સમાધાનની અવારનવાર વાત કરતા તે સમાધાન ન કરતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ.એન.એસ.સવનીયાએ તપાસ હાથ ધરી છે.

(2:54 pm IST)
  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST

  • ૨૦ જાન્યુઆરીએ બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપતિ પદે તથા કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેશે. અમૃતસરના ચિત્રકાર જગજોતસિંહ રૂબાલે આ બન્ને મહાનુભાવોના ચિત્રો તૈયાર કર્યા હતા. સાથે સાથે તેમણે અમેરિકાના શરૂઆતથી આજ સુધીના રાષ્ટ્રપતિના ચહેરા પણ કળાત્મક રીતે દોર્યા હતા. access_time 10:16 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST