Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

બામણબોર પાસે ઉભેલા ડમ્પર પાછળ આઇસર અથડાતાં એમઆર યુવાન વિશાલ અને મજૂરના મોતઃ ૪ને ઇજા

ચોરવાડના જુજારપુરના વિશાલ સેવરા (ઉ.વ.૨૨)એ ઘટના સ્થળે અને આઇસરમાં મજૂર તરીકે અમદાવાદથી સાથે આવેલા અજાણ્યા યુવાને રાજકોટ સિવિલમાં દમ તોડ્યોઃ વિશાલના માતા, બે બહેનો અને આઇસર ચાલકને ઇજા : અમદાવાદ સ્થાયી થયેલા ચોરવાડના સેવરા પરિવારના કાનજીભાઇએ લોકડાઉન પછી નોકરી ગુમાવી હોઇ તેમણે વતન આવી નવુ મકાન બનાવ્યું: અહિ રહેવા માટે અમદાવાદથી સામાન ભરી પુત્ર વિશાલ, પત્નિ, દિકરી, ભત્રીજી રાતે રવાના થયા ને બામણબોર પાસે અકસ્માત નડ્યો

ઘટના સ્થળે ડમ્પર તથા તેની પાછળ અથડાયા બાદ આઇસરની કેવી હાલત થઇ ગઇ હતી તે અને આઇસરમાં ફસાયેલો યુવાન, ચોથી તસ્વીરમાં આઇસર ચાલક અને નીચેની તસ્વીરમાં વિશાલ તથા મજૂર યુવાનના મૃતદેહ અને અન્ય તસ્વીરમાં વિશાલના ઇજાગ્રસ્ત માતા-બહેન જોઇ શકાય છે. તસ્વીર બામણબોરથી બાબુલાલ ડાભીએ મોકલી હતી.

રાજકોટ તા. ૨૦: બામણબોર બાઉન્ડ્રી નજીક બંસલ પેટ્રોલ પંપ પાસે મોડી રાતે ત્રણેક વાગ્યે બંધ ઉભેલા ડમ્પર પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં તેમાં બેઠેલા ચોરવાડના જુજારપુરના વતની ૨૨ વર્ષના એમઆર યુવાનનું ઘટના સ્થળે જ આઇસરમાં ફસાઇ જવાથી કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે મજૂર તરીકે બેઠેલા અમદાવાદ રહેતાં મુળ યુપીના યુવાને રાજકોટમાં દમ તોડ્યો હતો. જ્યારે એમઆર યુવાનના માતા, બહેન, પિત્રાઇ બહેન અને આઇસરના ડ્રાઇવરને ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. અમદાવાદથી સામાન ભરી વતન જુજારપુરમાં નવા બનાવાયેલા મકાનમાં એમઆર યુવાન પરિવારજનો સાથે રહેવા માટે આવતો હોઇ રસ્તામાં જ કાળ ભેટી જતાં કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ અમદાવાદ નરોડામાં રહેતાં અને મીલમાં નોકરી કરતાં કાનજીભાઇ રૂડાભાઇ સેવરા (કોળી)એ લોકડાઉનમાં નોકરી ગુમાવતાં તેઓ છ મહિના પહેલા અમદાવાદથી મુળ વતન ચોરવાડના જુજારપુર આવી ગયા હતાં અને વારસામાં મળેલી જમીન પર નવું મકાન બનાવવાનું શરૂ કર્યુ હતું. તેમના પત્નિ, પુત્ર, પુત્રી અમદાવાદમાં જ રોકાયા હતાં. પુત્ર વિશાલ (ઉ.વ.૨૨) એમ.આર. તરીકે નોકરી કરતો હોઇ તે તથા માતા લીલીબેન સેવરા (ઉ.વ.૪૫) અમદાવાદ ખાતે જ રોકાયા હતાં. એમકોમનો અભ્યાસ કરતી બહેન દિક્ષીતા (ઉ.વ.૨૦) અને વિશાલના કાકાની દિકરી સાવની ભુપતભાઇ સેવરા (ઉ.વ.૧૬) સંક્રાંતિ કરવા અમદાવાદ ગયા હતાં.

વતન જુજારપુરમાં નવું મકાન બનીને તૈયાર થઇ ગયું હોઇ વિશાલના પિતા કાનજીભાઇ અગાઉથી જ અહિ હતાં. વિશાલ, તેના માતા, બહેન અને પિત્રાઇ બહેન ગઇકાલે રાતે આઇસરમાં સામાન ભરાવી અમદાવાદથી ચોરવાડ આવવા રવાના થયા હતાં. આઇસર માળીયા હાટીનાના ભંડુરી ગામના સામતભાઇ કરસનભાઇ ગરચર (ઉ.વ.૪૩) ચલાવતાં હતાં. અમદાવાદથી સામાન ચડાવવા ઉતારવા માટે એક મજૂર (જેનું નામ આવડતું નથી) (ઉ. આશરે ૩૦) પણ આઇસરમાં બેઠો હતો.

લીલીબેન, પુત્રી, ભત્રીજી આઇસરમાં પાછળ બેઠા હતાં. જ્યારે કેબીનમાં ડ્રાઇવર, મજૂર અને વિશાલ બેઠા હતાં. બામણબોર પાસે રાતે ત્રણેક વાગ્યે એક ડમ્પર બંધ ઉભુ હોઇ તે ડ્રાઇવરને ન દેખાતાં તેની પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં આઇસરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અંદર બેઠેલા ચાલક સહિતના ફસાઇ ગયા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને કુવાડવા પોલીસની ટીમ તથા ૧૦૮ની ટીમ પહોંચી હતી. ફસાયેલા ચાલક, મજૂરને બહાર કાઢ્યા હતાં. જ્યારે વિશાલનું કેબીનમાં જ ફસાઇ જતાં મોત થયું હતું.

ચાલક સામતભાઇ, મજૂર યુવાન, વિશાલના માતા લીલીબેન, બહેન દિક્ષીતા અને સાવનીને ઇજાઓ થઇ હોઇ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ અજાણ્યા મજૂર યુવાને પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

વિશાલ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. બનાવની જાણ થતાં કાનજીભાઇ સેવરા વતન જુજારપુરથી રાજકોટ દોડી આવ્યા હતાં. દિકરાના મોતથી પરિવારજનો આઘાતમાં ગરક થઇ ગયા હતાં. કુવાડવાના હેડકોન્સ. જયપાલસિંહ અને પ્રદિપસિંહ, યોગેશભાઇ, ભરતસિંહ જાડેજા સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને બચાવ કામગીરી કરી હતી. તેમજ વાહનો સાઇડમાં લેવડાવ્યા હતાં.

(1:14 pm IST)