Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં કાલે રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમારોહ

પૂ.પરમાત્માનંદજી, પૂ.રમેશભાઇ ઓઝા, પૂ.શામળાદાસજી બાપુ અને વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં : ૨૭ મી સુધી નિધિ એકત્રિકરણ : દેશના ૪ લાખ ગામોમાં હિન્દુ પરિવારોનો ઘરે ઘરે સંપર્ક કરાશે

રાજકોટ તા. ૨૦ : શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા કાલે રાજકોટમાં ભવ્ય કાર્યક્રમ આયોજીત કરાયો છે.

પ્રમુખ સ્વામી મહારાજ ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે કાલે તા. ૨૧ ના બપોરે ૩.૧૫ વાગ્યે સંતો મહંતો અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાયેલ આ સમારોહ માટે તડામાર તૈયારીઓ આદરવામાં આવી હોવાનું નિધિ સમર્પણ સમિતિના મહાનગર અધ્યક્ષ મૌલેશભાઇ ઉકાણી, કાર્યાધ્યક્ષ રામભાઇ મોકરીયા, વિહીપના નીતેશભાઇ કથીરીયા, મુકેશભાઇ કામદારની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

તા. ૨૭ ફેબ્રુઆરી સુધી દેશના ૪ લાખ ગામોમાં ૧૧ કરોડ હિન્દુ પરિવારોના ઘરે ઘરે સંપર્ક કરી નિધિ એકત્ર કરાશે.

સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા એક જ સ્થળે ઉપસ્થિત રહી નિધિ અર્પણ કરવામાં આવે તે હેતુથી કાલે રાજકોટમાં આ સમારોહ ગોઠવવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિર મુંજકાના પૂ. પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, કથાકાર પૂ. રમેશભાઇ ઓઝા, દાસજી જીવણની જગ્યા ઘોઘાવદરના પૂ. શામળાદાસજી બાપુ સહીતના સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વચનો આપશે. તેમ નિધિ સમર્પણ સમિતિના પંકજ રાવલ (મો.૭૦૮૩૭ ૧૧૯૪૯) ની યાદીમાં જણાવાયુ છે.

(1:01 pm IST)