Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કોર્પોરેશન ચૂંટણી : સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરી લેવા આદેશો : ૨૫મીએ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ

રિલીવીંગ - ડીસ્પેચીંગ સેન્ટર - સ્ટાફ અંગે સૂચના : તમામ RO સાથે વીસી યોજતા એડીશ્નલ કલેકટર : જિલ્લા - તાલુકા પંચાયતની ફાઇનલ મતદાર યાદી ૨ ફેબ્રુઆરીએ પ્રસિધ્ધિ થશે : હાલ મતદાર યાદી - મતદાન મથકોની ફાઇનલ ચકાસણી ચાલુ

રાજકોટ તા. ૨૦ : આગામી ફેબ્રુઆરીમાં રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે, રાજકોટ કલેકટર તંત્રે આ બાબતે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

ગઇકાલે એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓ સાથે સાંજે વીસી યોજી હતી અને તેમાં મતદાર યાદી, મતદાન મથકો, ઇવીએમ, સ્ટાફ, રિસીવીંગ, ડીસ્પેચીંગ સેન્ટરો, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો સહિતના મુદ્દે સમીક્ષા - રીવ્યુ લેવાયો હતો.

એડીશ્નલ કલેકટરે વીસીમાં તમામ આરઓને પોતાના વિસ્તારમાં સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરી લેવા અને આ માટે પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ કરી રીપોર્ટ કરવા સૂચના અપાઇ હતી.

આ ઉપરાંત તાજેતરમાં બહાર પડેલ વિધાનસભાની મતદાર યાદી ઉપરથી કોર્પોરેશનની ફાઇનલ મતદાર યાદી તૈયાર કરી લેવા અને ૨૫મીએ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવા નિર્દેશ અપાયો હતો, આવી જ રીતે ૨ ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લા - તાલુકા પંચાયતની ફાઇનલ મતદાર યાદી જાહેર કરવા કહેવાયું હતું.

એ ઉપરાંત દરેક આર.ઓ.ને પોતાના રીસીવીંગ - ડીસ્પેચીંગ સેન્ટર - સ્ટાફની જરૂરીયાત - ઇવીએમની ફર્સ્ટ લેવલ ચકાસણી - સ્ટાફની તાલીમ વિગેરે ફાઇનલ કરી આવતા અઠવાડિયે રીપોર્ટ કરવા આદેશો કરાયા હતા, હાલ મતદાર યાદીની ફાઇનલ તૈયારી રહી છે, તો મતદાન મથકો ફેરવવા પડે છે કે કેમ તેની ચકાસણી ચાલી રહી છે, કલેકટર કચેરીમાં ચૂંટણી શાખાના નાયબ મામલતદાર શ્રી મહેતા અને તેમની ટીમ કાર્યરત બની છે.

(12:59 pm IST)