Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

રાજકોટના ધો.1ના છાત્ર કાવ્‍ય કકાણીએ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે યોજાયેલ મેથેમેટિક્‍સની પરિક્ષામાં પ્રથમ ક્રમ મેળવીને વિશ્વ લેવલે સિદ્ધિ મેળવી

રાજકોટ : રાજકોટના કાવ્ય નામના ટેણિયાએ મેથેમેટિકસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઇતિહાસ રચ્યો છે. ધોરણ 1માં અભ્યાસ કરતા કાવ્ય કકાણીયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી મેથેમેટિકની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવતા રંગીલા રાજકોટનું નામ ફરી એક વખત વિશ્વ લેવલે ઝળકયું છે. રાજકોટમાં રહેતા અને ધોરણ 1માં અભ્યાસ કરતા કાવ્ય કકાણીયાનો વિશ્વ સ્તરે યોજાતી ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલિમ્પિયાડ પરીક્ષામાં સમગ્ર વિશ્વમાં પ્રથમ આવ્યો છે.

કાવ્યએ ગણિત વિષયમાં પરીક્ષામાં 40માંથી 40 માર્ક સાથે પ્રથમ રેન્ક મેળવી એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના અંદાજીત 600 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.  આ વિદ્યાર્થીઓમાંથી કાવ્યએ મેથેમેટિક વિષયમાં ઇન્ટરનેશનલ લેવલે પ્રથમ ક્રમાંક મેળવી પરિવાર , શાળા , શહેર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે..

ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલિમ્પિયાડ પરીક્ષાની શરૂઆત વર્ષ 1958થી થઈ હતી. આ પરીક્ષામાં ધોરણ 1થી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. આ વર્ષે રાજકોટમાં ધોરણ 1માં અભ્યાસ કરતા કાવ્યએ પણ આ પરીક્ષા આપી હતી અને તેણે આ પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવીને ઇતિહાસ રચી નાખ્યો છે.

કાવ્ય ભારતનો સૌથી નાની વયનો વિદ્યાર્થી છે. તેણે આ પરીક્ષામાં પ્રથમ રેન્ક હાંસિલ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. કાવ્યના પિતા રોહિતભાઈનું માનવું છે કે કાવ્યને પહેલાથી જ ગણિત વિષય સાથે લગાવ છે અને તે મોટાભાગની ગાણિતીક ગેમ જ રમવાનું પસંદ કરે છે. ગણિત પ્રત્યેના લગાવને કારણે તેના માટે આ પરીક્ષામાં સફળતા મેળવવાનું સરળ થઈ ગયું અને મોટી સફળતા મળી શકી છે.

(5:50 pm IST)