Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

બુધવારે કડવા પાટીદાર વડીલોની વંદના કરાશે

સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં આયોજનઃ જય વસાવડાનું વ્યાખ્યાન અને ધીરૂભાઇ સરવૈયાનો હસાયરો યોજાશેઃ સફેદ વસ્ત્ર પરિધાનમાં હજારો પાટીદારો ઉમટશેઃ નિઃશુલ્ક નામ નોંધણી ચાલુ

રાજકોટ તા.૨૦: રાજકોટમાં વસતા કડવા પાટીદારો દ્વારા સમાજના વડીલોની વંદનાનો પ્રેરણારૂપ કાર્યક્રમ આગામી તા.૨૨ની બુધવારે આયોજન થયો છે. પટેલ સેવા સમાજના ઉપક્રમે રાજકોટમાં વસતા કડવા પટેલ પરિવારના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ પુરૂષ વડીલોની વંદના કરાશે તેમ પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલે (ફિલ્ડમાર્શલ) જણાવ્યું છે.

સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે તા.૨૨ના બપોરે ૩:૩૦ કલાકે કાર્યક્રમ શરૂ થશે. સૌ વડીલોની સામુહિક વંદના કર્યા બાદ જાણીતા વકતા અને લેખક જય વસાવડાનું પ્રેરક ઉદબોધન પણ યોજવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેરમાં વસતા કડવા પટેલ પરિવારના ૪૦૦૦ વડીલો સામેલ થશે તેવો અંદાજ છે, કાર્યક્રમમાં સહભાગી થવા વડીલો પોતાનું નામ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેની સંસ્થાની ઓફિસમાં અથવા http://bit.lt/ વડીલ-વંદના-વેલકમ-૨૦૨૦ લીંક દ્વારા ઓનલાઇન નોંધણી તા.૨૦ના સોમવાર સુધીમાં કરાવી શકશે. કાર્યક્રમમાં સામેલ થવા ઇચ્છુકો માટે સફેદ વસ્ત્ર પરિધાનનો ડ્રેસ કોડ રખાયો છે પરંતુ નોંધણી માટે કોઇ ફી રાખવામાં આવી નથી.

સૌ વડીલો સમૂહ ભોજનનું પણ સાથોસાથ આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા હાસ્યકલાકાર ધીરૂભાઇ સરવૈયાના કાર્યક્રમનું પણ આયોજન ગોઠવાયું છે વડીલ-વંદના બાદ તુરંત શ્રી ધીરૂભાઇ સરવૈયાનો કાર્યક્રમ યોજાશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમાજ માટે 'સુરક્ષા કવચ' યોજના અમલમાં મુકવામાં આવી છે. તેની વિગતો પણ આપવામાં આવશે. અમરેલી જિલ્લાના લીલીયા ખાતેના ઉમિયા માતાજી મંદિરના રજત જયંતિ મહોત્સવની વિગતો પણ આપવામાં આવશે.

વડીલ-વંદના વેલકમ-૨૦૨૦ કાર્યક્રમ યુટયુબ,ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કરવામાં આવશે. લાઇવ નિહાળવવા માટે શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટના યુટયુબ,ફેસબુક,ઇન્સ્ટાગ્રામ પર આપ વડીલ-વંદના વેલકમ-૨૦૨૦ કાર્યક્રમ નિહાળી શકાશે.

કાર્યક્રમને સફળ બનાવવા પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલ સાથે સમાજનું ટ્રસ્ટી મંડળ અને કારોબારી સમિતિના સભ્યોની સાથે સમાજની સંગઠન સમિતિના ચેરમેન મનીષ ચાંગેલા, વડીલ વંદના પ્રોજેકટ ચેરમેન અમુભાઇ ડઢાણીયા, પ્રોજેકટ કન્વીનર રમેશભાઇ વરાસડા, કિશોરભાઇ ઘોડાસરા જગદીશભાઇ પરસાણીયા, સંજયભાઇ કનેરીયા, રમેશભાઇ ઘોડાસરા, કાન્તીભાઇ મકાતી, ઇશ્વરભાઇ વાછાણી, મગનભાઇ વાછાણી, મેહુલભાઇ ચાંગેલા, પરસોતમભાઇ ડઢાણીયા, અશ્વિનભાઇ માકડીયા, ગૌતમભાઇ ધમસાણીયા, બાબુભાઇ ટીલવા,હસુભાઇ કણસાગરા, વલ્લભભાઇ પટેલ, કાન્તીભાઇ કરડાણી, રમણીકભાઇ વાછાણી, વિનુભાઇ લાલકીયા, પિયુષ કણસાગરા, જે.બી.માકડીયા, પ્રફુલ સેખાત, કૌશિકભાઇ ગોવાણી, કૌશિકભાઇ સુરેજા, વિનુભાઇ ઇસોટીયા, તેમજ સમાજનું ઉમા યુવા સંગઠન ટીમ સંજય ખીરસરીયા, વિશાલ વાછાણી, વિજય ગોધાણી, ડેનીશ કાલરીયા, હરેશ પાડલીયા, ચિરાગ વાચાણી, જયેશ ત્રાંબડીયા, કેતન વાછાણી તેમજ મહિલા સંગઠન ટીમ સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:06 pm IST)