Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

આજથી ઠંડીમાં આંશિક રાહત મળશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૦ થી ૨૬ જાન્યુઆરી સુધીની આગાહીઃ આજથી દિવસ દરમિયાન ટાઢોડાનો અનુભવ નહિં થાય : મહત્તમ તાપમાન નોર્મલ નજીક આવી જશે : પવનની ગતિમાં વધ-ઘટ જોવા મળશે : ૨૬મીના ભેજ વધશે

રાજકોટ, તા. ૨૦ : છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે. લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે ત્યારે આવતીકાલથી ઠંડીમાં રાહત મળશે. હાલ કોલ્ડવેવનો અનુભવ પ્રવર્તી રહ્યો છે ત્યારે તેમાંથી રાહત અનુભવાશે તેમજ બપોરના સમયે પણ જે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તેમાંથી પણ થોડી રાહત મળશે. દિવસનું તાપમાન નોર્મલ નજીક આવી જશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે ગત આપેલ આગાહી મુજબ છેલ્લા બે દિવસથી કોલ્ડવેવનો માહોલ જોવા મળી રહ્યો છે. સોરાષ્ટ્ર - કચ્છના અમુક સેન્ટરોમાં ન્યુનતમ તાપમાન ૫ થી ૬ ડિગ્રી નીચુ જોવા મળે છે. જેમ કે આજે સવારે રાજકોટ અને કેશોદ ૭.૪, પોરબંદર ૭.૬, અમરેલી ૮.૪, ભુજ ૮.૮, ડીસા ૯, કંડલા એરપોર્ટ ૯.૧, ગાંધીનગર ૯.૨, સુરેન્દ્રનગર ૯.૮, મહુવા ૯.૯ ડિગ્રી તાપમાન નોંધાયેલ. આ પૈકી અમુક સેન્ટરોમાં નોર્મલથી ૫ થી ૬ ડીગ્રી નીચુ તાપમાન નોંધાયેલ.

દિવસ દરમિયાન પણ ટાઢોડુ જોવા મળે છે. કારણ કે મહત્તમ તાપમાન પણ નોર્મલથી ૫-૬ ડિગ્રી નીચુ (છેલ્લા બે દિવસથી) રહેલુ છે.

શ્રી અશોકભાઈ પટેલ તા.૧૯ થી ૨૬ જાન્યુઆરી સુધીની આગાહી કરતા જણાવે છે કે કાલથી મહત્તમ તાપમાન આંશિક વધશે. તા.૨૦ના સોમવારે મહત્તમ તાપમાન નોર્મલ નજીક આવી જશે. ન્યુનતમ તાપમાન પણ આંશિક વધશે તેમ છતા ઠંડીનો અનુભવ થશે. ન્યુનતમ તાપમાન નોર્મલથી નીચુ રહેશે. પવન નોર્થ - નોર્થ - ઈસ્ટના ફૂંકાશે. પવનની ગતિમાં વધ-ઘટ જોવા મળશે. પવનની ગતિ વધીને ૨૦ થી ૨૨ કિ.મી. અને નીચામાં નીચુ ૧૦ કિ.મી.ના ગતિએ ફૂંકાશે. જેમાં તા.૨૨-૨૩ના પવન વધુ ગતિએ ફૂંકાશે.

(10:58 am IST)