Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વિદ્યાર્થી શિક્ષણ દ્વારા આર્થિક વિકાસની સાથે નાગરીક ધર્મ અદા કરેઃ રાજયપાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં ૧૪ વિદ્યાશાખાના ૪૬૬૧૭ છાત્રોને પદવી એનાયતઃ ૬૮ ગોલ્ડ મેડલથી બહુમાનઃ મુખ્યમંત્રી રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા શુભેચ્છા પાઠવીઃ યોગને અપનાવવા ડો.નગેન્દ્રજીની અપીલ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો બાવનમો પદવીદાન સમારોહ યોજાયો હતો. પ્રસ્તુત તસ્વીરમાં રાજયપાલ ઓ.પી.કોહલીજીનું સ્વાગત કરતા સીન્ડીકેટ સભ્યશ્રીઓ અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી નેહલ શુકલ અને ડો.ગીરીશ ભીમાણી, ડો.અમિત હપાણી નજરે પડે છે. અન્ય તસ્વીરમાં સુવર્ણચંદ્રક વિજેતા માનસી નાગ્રેચા સહીતના નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

રાજકોટ, તા., ૨૦: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રંગમંચ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પર (બાવન)મો પદવીદાન સમારંભ ગુજરાત રાજયના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતી ઓમપ્રકાશ કોહલીજીના અધ્યક્ષ સ્થાને, સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન ડીમ્ડ યુનિવર્સિટી, બેંગલુરૂના ચાન્સેલરશ્રી ડો.એચ.આર. નાગેન્દ્રની ખાસ ઉપસ્થિતીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૬૬૧૭ દિક્ષાર્ર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હીત. દાતાશ્રીઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ પ૬ સુવર્ણ ચંદ્રકો એનાયત થયા હતા.

સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થા ડીમ્ડ યુનિવર્સિટી, બેંગલુરૂના ચાન્સેલરશ્રી ડો.એચ.આર.નાગેન્દ્રએ પદવીદાન સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભુમીમાં પગ મુકતા હું આનંદની લાગણી અનુભવુ છું. ભારતમાં ઉચ્ચશિક્ષણનો પ્રારંભ આઝાદી પહેલા બહુ જ મર્યાદીત પ્રમાણમાં થયેલ હતો. આઝાદી વેળાએ ભારતમાં ર૦ યુનિવર્સિટીઓ, પ૦૦ કોલેજો અને ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાં હતા. અત્યારે સમગ્ર ભારતમાં ૮૪૩ યુનિવર્સિટીઓ, ડીગ્રી આપતી માન્ય સંસ્થાઓ, ડીમ્ડ યુનિવર્સિટીઓ છે અને સમગ્ર ભારતમાં ૪૦૦૦૦થી વધુ કોલેજો કાર્યરત છે. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નોને કારણે તા.ર૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહર થયા બાદ સમગ્ર વિશ્વ ભારત પાસે શિક્ષિત અને ડીગ્રીધારી યુવાનો કરતા યોગ દ્વારા સશકત વ્યકિતના શારીરીક, માનસીક, બૌધીક અને સર્વાગી વિકાસ થાય તે દિશામાં યોગ વ્યાપક પ્રમાણમાં જનસ્વીકૃત બને તે દિશામાં કેન્દ્ર સરકાર અને રાજયની વિવિધ સરકારો, વિવિધ યુનિવર્સિટીઓ અને અનેક સરકારી તેમજ અર્ધસરકારી અને સામાજીક-સેવાકીય સંગઠનોના માધ્યમથી યોગ નિદર્શનના જાહેર કાર્યક્રમોના માધ્યમથી ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં કરોડો લોકો યોગની જરૂરીયાત સમજતા થયા છે અને યોગના સંદર્ભમાં જાણકારી મેળવવાની જીજ્ઞાશા પ્રબળ બની છે.શ્રી નાગેન્દ્રજીએ પોતાના વકતવ્યમાં યોગના માધ્યમથી વ્યકિત નિર્માણ શારીરીક અને માનસીક અને રાષ્ટ્ર નિર્માણ થાય તેવી રીતે સજ્જ યુવાનોની રાષ્ટ્રને તાતી જરૂર છે.

ગુજરાત રાજયના મુખ્યપ્રધાનશ્રી વિજયભાઇ રૂપાણીએ બાવનમાં પદવીદાન સમારંભમાં વિડીયો કોન્ફરન્સમના માધ્યમથી વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી શિક્ષિતની સાથે દિક્ષિત બને તે સમાજની અને રાષ્ટ્રની જરૂરીયાત છે. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પનાનું 'નયા ભારત' ના આયામો અમલમાં મુકવા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જવા અનુરોધ કર્યો હતો. સમગ્ર ભારતમાં ૬પ ટકા વસ્તી ૪૦ વર્ષની વયથી નીચેની છે. તેથી સરકાર અને સમાજે યુવાનોના સંદર્ભમાં રોજગારી, શિક્ષણ, સંશોધનાત્મક પ્રવૃતિ, માળખાકીય સુવિધાઓની વિપુલ તકોનું સર્જન કરી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત રાજયના માન.રાજયપાલશ્રી અને કુલાધીપતીશ્રી ઓમપ્રકાશ કોહલીજીએ દિક્ષાંત સમારોહમાં પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ સમાજ અને રાષ્ટ્રમાં વિકાસના કામમાં અગ્રેસર રહે અને વિદ્યાર્થીઓ દેશના સાચા રાહબર બને અને સારા નાગરીક તરીકે ભારતનું નામ ઉજાગર કરે તેવી અપેક્ષા રાખુ છું. વિદ્યાર્થીઓ શિક્ષણના માધ્યમથી દેશના આર્થિક વિકાસની સાથે સાથે એક સારા નાગરીક ધર્મ અદા કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. વિદ્યાર્થી જયારે શિક્ષીત હોય ત્યારે દેશ દાઝ, દેશ ભકિત, પ્રમાણીકતા, નિષ્ઠા, ફરજ પાલન, જવાબદારી સહીતના ગુણો મુત્યુપર્યત જાળવે એ દેશની અને રાજયની અપેક્ષા હોય અને યુનિવર્સિટીઓ પણ દેશની અને રાજયની જરૂરીયાત પ્રમાણે અભ્યાસક્રમમાં ફેરફાર કરતા રહે અને તે મુજબના અભ્યાસક્રમો હિન્દુસ્તાનને સમગ્ર વિશ્વમાં અગ્રેસર તરીકે રાખશે.

શ્રી કોહલીજીએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામે યુવાનો અને વિદ્યાર્થીઓને આપેલ શીખને યાદ અપાવી મોટા સ્વપ્ન જોવા, પડકારોનો સામનો કરવા અને સુરક્ષીત વાતાવરણમાંથી નિકળી પડકારયુકત વાતાવરણમાં તૈયાર થવા યુવાનો અને વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. અને શિક્ષણની  સાથે સાથે આ દિક્ષિત વિદ્યાર્થીઓ ભારત, ભારતીયતા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય શિક્ષણ, રીત-રીવાજો સાથે તાદમ્ય કેળવે અને ભારતીયતાનો પોતાના વિકાસની સાથે સંપર્ક જાળવી રાખે તે જ સાચુ શિક્ષણ છે અને આ વિદ્યાર્થીઓ સાચા અર્થમાં આ સમજ સાથે રાષ્ટ્રના રાહબર બને તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

આજના પદવીદાન સમારંભમાં ૧૪ વિદ્યાશાખાના ૪૬૬૧૭ દિક્ષાર્થીઓને પદવીઓ અર્પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં પ૦ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દાતાઓ તરફથી કુલ ૬૮ ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડીકલ કોલેજના વિદ્યાર્થી ગૌરવ લાખાણી તથા હેમાંગી પટેલ એ થર્ડ એમ.બી.બી.એસ.માં સૌથી વધુ કુલ પ (પાંચ) ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. આ પદવીદાન સમારંભમાં કુલ ર૯રર વિદ્યાર્થીઓએ રૂબરૂ ઉપસ્થિત રહી પદવી મેળવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પર મા પદવીદાન સમારંભનું લાઇવ વેબકાસ્ટીંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ www.saurashtrauniversity.edu પરથી તેમજ ફેસબુક પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેઇજ પરથી લાઇવ કરવામાં આવેલ હતું. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાર વિવિધ સ્થળોએ એમ.બી.એ. ભવન સેમિનાર હોલ, સેનેટ હોલ, આર્ટગેલેરઓ એન.એફ.ડી. હોલ ખાતે વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન ઉપર કરવામાં આવેલ હતું.

આ પદવીદાન સમારંભમાં સિન્ડીકેટ સભ્યશ્રી ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. જી.સી. ભીમાણી, ડો. વર્ષાબેન છીછીયા, ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. વિજયભાઇ પટેલ, ડો. નેહલભાઇ શુકલ, ડો. રમેશભાઇ વાઘાણી, શ્રી પ્રશાંત ચાવાલા, ડો. અમીતભાઇ હપાણી, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ડો. મનીષભાઇ મહેતા, ડો. ધરમભાઇ કાંબલીયા, હરજેવસિંહ જાડેજા તેમજ વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, વિવિધ ભવનના અધ્યક્ષશ્રીઓ, સંલગ્ન કોલેજોના પ્રીન્સીપાલશ્રી, પ્રાધ્યાપકશ્રીઓ, યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તેમજ રાજકોટના વિવિધક્ષેત્રના વશિષ્ટ અગરણીઓ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આજના કાર્યક્રમનું સુંદર સંચાલન હયુમન રીસોર્સ ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેકટરશ્રી ડો. કલાધર આર્યએ કરેલ હતું અને કાર્યક્રમની આભારવિધિ પરીક્ષા નિયામકશ્રી અમીત પારેખે કરેલ હતી. રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયેલ હતો.

(4:30 pm IST)