Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

નલ..સે...જલ .. યોજના : ૯૩૨ ભૂતિયા નળની અરજી : ૮૮૩ મંજૂર

શહેરમાં કુલ ૧૯ હજારથી વધુ ભૂતિયા નળ હોવાનો સર્વે : મ.ન.પા. દ્વારા વહીવટી ચાર્જ લઇ ભૂતિયા નળ રેગ્યુલાઇઝ કરવા ઝુંબેશ

રાજકોટ તા. ૧૯: રાજય સરકારે ભૂતિયા નળ જોડાણોને રેગ્યુલાઇઝ કરવા માટે 'નલ-સે-યોજના' અમલી બનાવાય છે જે અંતર્ગત શહેરમાં હજારો જેટલા ભૂતિયા નળ જોડાણોને રેગ્યુલાઇઝ કરવાની ઝૂંબેશાત્મક કામગીરી મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે શરૂ કરાવી છે. આ અંગે વોર્ડ ઇજનેરોને તેઓનાં વોર્ડમાં ભૂતીયા નળ જોડાણો શોધીને તેને રેગ્યુલાઇઝ કરાવવાની જવાબદારી સુપ્રત કરવામાં અવી છે. જે અનુસંધાને શહેરમાં કુલ ૧૯ હજારથી વધુ ભૂતિયા નળ હોવાનો સર્વે થયો છે. અને તે પૈકી ૯૩૨ જેટલા ભૂતિયા નળ રેગ્યુલાઇઝ કરવાં અરજીઓ મળતાં તેમાંથી ૮૮૩ જેટલી અરજીઓ મંજુર થઇ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૧ મહિનાથી 'નલ સે જલ' યોજનાની ઝુંબેશ ચાલુ થઇ છે. જેમાં આજ દિન સુધીમાં સૌથી વધુ ભૂતિયા નળ ૯૭૨૩ વેસ્ટ ઝોનમાં હોવાનું સર્વેમાં ખૂલ્યુ છે. સામાકાંઠે ઓછા એટલે કે ૩૫૨૭ ભૂતિયા નળ હોવાનું સર્વેમાં બહાર આવ્યુ છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં ૫૯૨૧ ભૂતિયા નળ હોવાનુ સર્વેમાં ખૂલ્યુ છે.

ભારત સરકારની 'નલ સે જલ' યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં ટેપ વોટરથી મળે તે માટે નીતિ જાહેર કરી છે. આ નીતિ અનુસાર રાજકોટ મહાનગરપાલિકાનાં પાણીનું નેટવર્ક ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં જે નાગરીકો દ્વારા કોઇ પ્રક્રિયા વગર કે નિયત ફી ભર્યા વગર ગેરકાયદેસર સીધા પાણીનાં જોડાણ લેવામાં આવેલ હોય તેવા કનેકશનોને નિયત ફી ભરીને રેગ્યુલરાઇઝ-કાયદેસર કરી આપવા તથા રહેણાંકનાં એકમોમાં રહેતી વ્યકિતને નિયત ફી ભરી, નિયત પ્રક્રિયા દ્વારા પાણીનાં નવા કનેકશન આપવા-લિંક કરવા અંગેની કાર્યવાહી કરવાની થાય છે.

'નલ સે જલ' યોજનાના અસરકારક અમલવારી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના દરેક વોર્ડ ખાતે ઉકત કામગીરી ઝૂંબેશ સ્વરૂપે કરવી ખુબ જ આવશ્યક છે. જેમાં (૧) મિલ્કતની આકારણી અને નળાં લિન્કિંગ કરવાની તમામ કામગીરી લગત વોર્ડનાં વોર્ડ ઓફીસરશ્રીએ કરવાની રહેશે ત્થા (ર) ગેરકાયદેસર સીધા પાણીનાં જોડાણ લેવામાં આવેલ હોય તેવા કનેકશનોને નિયત ફી ભરીને રેગ્યુલરાઇઝ- કાયદેસર કરી આપવા તથા રહેણાંકનાં એકમોમાં રહેતી વ્યકિતને નિયત ફી ભરી, નિયત પ્રક્રિયા દ્વારા પાણીનાં નવા કનેકશન આપવા અંગેની ફિલ્ડ વર્કની કાર્યવાહી કરવા લગત વોર્ડનાં વોર્ડ એન્જીનીયરએ તેમના તાબા હેઠળના સ્ટાફ મારફતે કરાવવાની રહેશે.

ઉકત કામગીરીનું વખતો-વખતનું સુપરવિઝન અને સંકલન લગત વોર્ડનાં વોર્ડ ઓફીસર અને લગત વોર્ડનાં વોર્ડ એન્જીનીયરએ કરવાનું રહેશે.

અત્રે નોંધનિય છે કે થોડા વર્ષો અગાઉ જે-તે વખતના મ્યુ.કમિશ્નર વિજય નેહરા દ્વારા ભૂતિયા નળ શોધીને રેગ્યુલાઇઝ કરવાની યોજના હાથ ધરાયેલ તે વખતે ર૦ હજાર જેટલા ભૂતિયા નળને કાયદેસર કરવામાં આવ્યા હતા જેના પાણી વેરાની આવક તંત્રને હવે દર વર્ષે થવા લાગી છે.

કયાં ઝોનમાં કેટલા ભૂતિયા નળ ?

ઝોન

સર્વે

અરજી

મંજૂર

વેસ્ટ

૯૭૨૩

૨૭

૨૭

ઇસ્ટ

૩૫૭૨

૩૦૧

૨૮૯

સેન્ટ્રલ

૫૯૨૧

૬૦૪

૫૬૭

કુલ

૧૯,૨૧૬

૯૩૨

૮૮૩

(3:18 pm IST)