Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ચેક રિટર્નના કેસમાં સાંગલીના વેપારીને એક વર્ષની સજા અને ૧૦ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા ૧૯  :  ચેક રિટર્નના કેસમાં સાંગલીના જાણીતા વેપારી મોહન બબ્બન માનેને એક વર્ષની સજા અદાલતે ફટકારી હતી.

આ કેસની વિગત એવી છે કે, વી.ડી. પટેલ એન્ડ કંપનીના ભાગીદાર વિનુભાઇ દેવશીભાઇ પટેલે લસણનો ધંધો કરતાં મહારાષ્ટ્રના સાંગલી મુકામે આવેલ ન્યુ માર્કેટીંગ યાર્ડમાં ધંધો કરતા મેસર્સ મોહન ટ્રેડીંગ કંપનીના માલીક મોહનભાઇ બબ્બનભાઇ માને રાજકોટ મુકામેથી લસણ અલગ અલગ સમયે ખુબ જ મોટી રકમમાં મોકલેલ હતું, અને જે લેણી રકમ પેટે મોહન બબ્બન માનેએ ધંધાકીય વ્યવહાર પેટે રૂ. ૧૦,૦૦,૦૦૦/- નો ચેક આપેલ હતો, જે ચેક રીટર્ન થતાં ફરીયાદીએ જયુડી. મેજી. કોર્ટ, રાજકોટના સને ૨૦૦૦ ની સાલમાં ફરીયાદ તેમના એડવોકેટ મારફત કરેલ હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ૧૯૯૬ થી ૧૯૯૮-૯૯ સુધી રાજકોટની જાણીતી વી.ડી. પટેલ એન્ડ કંપનીના ભાગીદાર વીનુભાઇ દેવશીભાઇ પટેલે મહારાષ્ટ્રના સાંગલી મુકામે મેસર્સ મોહન ટ્રેડીંગ કંપનીના માલીક મોહનભાઇ બબ્બનભાઇ માને સાથે ધંધાકીય વ્યવહાર પેટે ખુબ જ મોટી રકમનો લસણનો માલ મોકલેલ હતો, જે પેટે ફરીયાદીને આરોપી પાસેથી કુલ રૂ. ૨૮,૮૯,૮૮૧/- જેટલી મોટી રકમ લેવાની બાકી નીકળતી હોય, જે પેટે અવારનવાર માગણી કરતાં આરોપી દ્વારા ફરીયાદીને રૂ. ૧૦,૦૦,૦૦૦/-નો ચેક આપવામાં આવેલ હતો., જે ચેકની રકમ વસુલાત ન થતાં ફરીયાદીએ આરોપી સામે સામે રાજકોટની અદાલતમાં સને ૨૦૦૦ ની સાલમાં ચેક પરત ફર્યા અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી.

આમ લાંબા સમયથી નાસતા ભાગતા આરોપી કોર્ટમાં હાજર થતાં તેની સામે આગળની કાર્યવાહી ચાલું થતાં ફરીયાદપક્ષ દ્વારા અલગ અલગ હાઇકોર્ટના જજમેન્ટો રજુ કરેલ હતા અને કાયદેસરનું વેપારી લેણું છે તે અંગેના પુરાવાઓ રજુ કરતા મોહન બબ્બન માને, મેસર્સ મોહન ટ્રેડીંગ કંપની, સાંગલીવાળાને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ફરીયાદીને ૧ માસની અંદર ચેકની રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/- ચુકવવાનો હુકમ કરેલ છે અને જો વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજા ફરમાવેલ છે.

આ કેસમાં મુળ ફરીયાદી તરફે રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન.શાહ, ભરત એચ. સંઘવી, સુરેશ સી.દોશી, નાસીર એચ. હાલા, જતીન એન. પંડયા, તુષાર એન. ધ્રોલીયા, ધવલ જે. પડીયા, તથા જીગર બી. સંઘવી રોકાયેલા હતા.

(4:05 pm IST)