Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે કાલે સુનાવણી : બાગીઓનો રાજકીય માંચડો હચમચ્યો

કારોબારી અધ્યક્ષ સામેની દરખાસ્તમાં બાવળિયા જુથના ૩ સભ્યોની સહી સૂચક : ભાજપ બહાર નીકળવાનો 'રસ્તો' શોધે છે : ખાટરિયા જુથ ગમે ત્યારે બળાબળના પારખા માટે તૈયાર

રાજકોટ, તા., ૧૯: જિલ્લા પંચાયતના  રાજકારણમાં નવો વણાંક લાવનાર પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તના મુદે સુનાવણી માટે આવતીકાલે હાઇકોર્ટમાં તારીખ નક્કી થયેલ છે. કાલે આ કેસમાં પ્રગતી થાય તેવી શકયતા છે. અલ્પાબેન ખાટરીયા અને સુભાષ માકડીયા સામેના અવિશ્વાસ પ્રસ્તાવનો નિર્ણય થાય તે પુર્વે બાગીઓએ કારોબારી સમીતીના અધ્યક્ષ રેખાબેન પટોળીયા સામે અવિશ્વાસ દરખાસ્ત મુકતા એક સાથે બબ્બે અવિશ્વાસ દરખાસ્તથી  જિલ્લા પંચાયતના રાજકારણમાં ગરમાવો વધ્યો છે. કારોબારી અધ્યક્ષ સામેની અવિશ્વાસ દરખાસ્તમાં કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયાના ચુસ્ત ટેકેદાર ગણાતા ૩ સભ્યોએ સહી કરી છે તે સ્થાનીક રાજકારણની દ્રષ્ટિએ સુચક ગણાય છે. એક મહિના પહેલા રાજકીય રીતે જોરમાં દેખાતા ભાજપ સમર્થીત કોંગ્રેસના બાગીઓ અત્યારે ઢીલા દેખાય છે. રાજકીય વિવાદમાંથી નિકળવા માટે ભાજપ કોઇ રસ્તો શોધી રહયું હોય તેવુ દેખાય છે. કોંગ્રેસનું ખાટરીયા જુથ ગમે ત્યારે બળાબળના પારખા માટે સજ્જ છે.

તા.૧ ઓકટોબરે ભાજપે પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત રજુ કર્યા બાદ તા.ર૪ મીએ ખાસ સામાન્ય સભા બોલાવવા વિકાસ કમિશનરના આદેશથી ડીડીઓએ એજન્ડા બહાર પાડેલ એજન્ડા ડીડીઓ બહાર ન પાડી શકે તેવો મુદ્દો ઉઠાવી બાગી જુથ વતી ચંદુભાઇ શીંગાળાએ હાઇકોર્ટમાંથી સ્ટે મેળવેલ તે વખતે સામાન્ય સભા મોકુફ રહેલ પરંતુ અર્જુન ખાટરીયાએ સભાખંડમાં ૧૯ સભ્યો પોતાની સાથે હોવાનુ સાબીત કર્યુ હતું. અવિશ્વાસ દરખાસ્ત મંજુર કરાવવા માટે ઓછામાં ઓછા ર૪ સભ્યોનું સમર્થન જરૂરી છે જો કોંગ્રેસ પાસે ૧ર કરતા વધુ સભ્ય થઇ જાય તો અવિશ્વાસ દરખાસ્ત પસાર થઇ શકે નહી. જે તે વખતે હાઇકોર્ટે સ્ટે આપી સુનાવણી ર૦ નવેમ્બર રાખેલ. આવતીકાલે આ પ્રકરણના ભવિષ્યનો અંદાજ આવવાની આશા છે.

(4:25 pm IST)