Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

નવેમ્બરના અંત સુધીમાં ૮ માળની નવી સિવીલ હોસ્પીટલનું તમામ કામ ''અટકેલુ'' કામ પૂર્ણ કરોઃ કલેકટર

આજે પણ કોર્પોરેશન તથા સિવીલ હોસ્પીટલના અધીકારીઓને બોલાવી તાકિદ કરી

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને નવી સિવીલ હોસ્પિટલમાં બાંધકામ, ઓપરેશન થીયેટરમાં અટકેલ કામો અંગે મુલાકાત લઇ જે તે ખાતાના અધીકારીઓને તાકિદે કામ પૂર્ણ કરવા સુચના આપી હતી.

રાજકોટ તા. ૧૯: રાજકોટની સિવીલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં ૧પ૦ કરોડના ખર્ચે મીની એઇમ્સ ગણાતી નવી સિવીલ હોસ્પીટલ બનાવાઇ છે, પરંતુ તેમાં ઓપરેશન થિયેટર સહિત થોડું ઘણું કામ અટકયું હોય તે તાકિદે પૂર્ણ કરવા અંગે ગઇકાલે સાંજે કલેકટરશ્રી રેમ્યા મોહન પોતે સ્થળ વીઝીટ અર્થે દોડી ગયા હતા.

સ્થળ ઉપર મેડીકલ હોસ્પીટલના ડીન શ્રી ગૌરવી ધ્રુવ, સુપ્રિન્ટેન્ડન્ટ તથા કોર્પોરેશનના પ્લાન ઓફીસર સાગઠીયા વિગેરેને બોલાવી ૧૮ મહિનામાં પૂર્ણ થનારો આ પ્રોજેકટ ૩ વર્ષે પણ પૂરો નહિ થતા સંપૂર્ણ વિગતો જાણી નવેમ્બરના અંત સુધીમાં કામગીરી કોઇપણ સંજોગોમાં પૂર્ણ કરી લેવા આદેશો કર્યા હતા.

આ ''હાઇટસ'' હોસ્પીટલમાં ર૩૮ બેડ રખાયા છે, ૮ તો ઓપરેશન થિયેટર છે, આમાંથી બે ઓપરેશન થિયેટરમાં સાધનોના અભાવે કામ અટકી પડયું હતું, પરંતુ હવે ડીસેમ્બરમાં લોકાર્પણ કરવાનું હોય તાકિદે આ કામ પૂર્ણ કરવા સુચના અપાઇ હતી.

આજે પણ કોર્પોરેશન-સીવીલ હોસ્પીટલના અધીકારીઓને સાથે રાખી સવારે ૧૧ વાગ્યે કલેકટરે તમામ વિગતો જાણી નવેમ્બરના અંત સુધીમાં કામ પૂર્ણ કરી લેવા આદેશો કર્યા હતા.

(3:41 pm IST)