Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સૌરાષ્ટ્રના ૧પ ભાજપ પ્રમુખો નક્કી કરવા સેન્સના 'સૂસવાટા'

રાજકોટ જિલ્લા માટે ડી.કે., બોઘરા, અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, કોરાટ વગેરેના નામ : જુથવાદના ફુંફાડા : ભૂપેન્દ્રસિંહ, ઝડફિયા, ગોસ્વામી નિરિક્ષક : રાજકોટ શહેરમાં કમલેશ મિરાણીને જ યથાવત રાખવાનો સૂર : કાર્યાલયે મેળાવડો

'વિવિધતા'માં એકતા : આજે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાના ભાજપના મુખ્ય સુકાનીઓ નક્કી કરવા માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગોરધનભાઇ ઝડફિયા અને હર્ષદગીરી ગોસ્વામીએ સેન્સ લીધેલ. સવારે પ્રારંભ પ્રસંગે શહેર-જિલ્લાના અપેક્ષિત અગ્રણીઓ સર્વશ્રી ડી.કે. સખિયા, કમલેશ મિરાણી, રાજુ ધ્રુવ, ભરત બોઘરા રમેશ રૂપાપરા, લાલજીભાઇ સાવલિયા, નાગદાનભાઇ ચાવડા, જયરાજસિંહ જાડેજા, અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, નરેન્દ્રબાપુ સોલંકી, ભાનુભાઇ મેતા, દિલીપ ગાંધી, પ્રવીણભાઇ મોકડીયા, કિશોર રાઠોડ, લાખાભાઇ સાગઠીયા, જશુબેન કોરાટ, વર્ષાબેન દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ : સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર તે ચાર મહાનગરો અને તેના જિલ્લા ઉપરાંત અન્ય મળીને કુલ ૧૧ ગ્રામ્ય જિલ્લા તથા ૪ મહાનગરોના પ્રમુખ, મહામંત્રીઓ નક્કી કરવા માટે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા આ પ્રકારે વિભાગીય કક્ષાએ પ્રથમ વખત સેન્સ લેવામાં આવી રહી છે. પ્રદેશ નિરીક્ષક તરીકે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગોરધનભાઇ ઝડફિયા અને હર્ષદભાઇ ગોસ્વામી અપેક્ષિત કાર્યકરોને સાંભળી રહ્યા છે. નિરીક્ષકોના અહેવાલના આધારે પ્રદેશ ભાજપ ચાલુ મહિનાના અંત સુધીમાં નામ નક્કી કરીને જે તે શહેર જિલ્લાની બેઠકમાં વિધિવત રીતે જાહેર કરશે. દરેક એકમને સાંભળવા માટે અડધી-અડધી કલાકનો સમય આપવામાં આવ્યો છે.

સવારથી બપોર સુધીમાં રાજકોટ શહેર-જિલ્લો, મોરબી, પોરબંદર, જૂનાગઢ શહેર-જિલ્લો અને ગિર સોમનાથની સુનાવણી પૂરી થઇ છે. ભોજન વિરામ બાદ અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા અને જામનગર શહેર-જિલ્લાના પ્રમુખ-મહામંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનો વગેરેને સાંભળવામાં આવશે. સામૂહિક અને વ્યકિતગત રજુઆત આવકાર્ય છે.

રાજકોટ શહેર માટે તમામ અગ્રણીઓએ બીજી મુદત માટે કમલેશ મિરાણીને જ પ્રમુખપદે યથાવત રાખવા જોઇએ તેવો અભિપ્રાય વ્યકત કર્યો હતો. જિલ્લાના પ્રમુખ પદ માટે ડી.કે. સખિયા વિકલ્પે નીતિન ઢાંકેચા, ઉપરાંત શહેરમાંથી જિલ્લાના રાજકારણમાં સક્રિય થયેલા ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા, ગોંડલના અલ્પેશ ઢોલરીયા, જેતપુરના મનસુખ ખાચરીયા, પ્રશાંત કોરાટ, રાજકોટના વિજય કોરાટ વગેરેના નામ ઉછળ્યા હતાં. પાર્ટી જે નક્કી કરે તે સ્વીકાર્ય તેવી રાબેતા મુજબની કેસેટ વચ્ચે જુથવાદ દેખાઇ આવ્યો હતો.

પ્રદેશ ભાજપ સૌરાષ્ટ્રના જ્ઞાતિ સંતુલન, વ્યકિતગ ક્ષમતા, વગેરે બાબતો ધ્યાને રાખીને નિર્ણયો કરશે તેમ મનાય છે.

(11:17 am IST)
  • સ્વરસામગ્રી લતા મંગેશકરની તબિયત સ્થિર છે ,તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 10:00 pm IST

  • છેલ્લા ૫૦ વર્ષમાં ભારતના દરિયા કાંઠે દરિયો ૮.૫ સેન્ટીમીટર વધ્યો છે. access_time 6:07 pm IST

  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST