Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મતથી અવ્વલ નંબરે પહોંચાડશું: નરેન્દ્રસિંહ ઠાકુર

શિક્ષણ સમિતિના ચેરમેન પદે પુનઃ નિયુકત થયેલ નરેન્દ્રસિંહ તથા નવા વાઈસ ચેરપર્સન ભારતીબેન રાવલને શુભેચ્છા પાઠવતા પદાધિકારીઓ

રાજકોટ, તા. ૧૯ :. મ્યુ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની મુદત અગાઉ પાંચ વર્ષની હતી તે ઘટાડીને અઢી વર્ષ કરી નાખવામાં આવતા આજે સવારે ૧૦ વાગ્યે શિક્ષણ સમિતિની કચેરીમાં બાકીના અઢી વર્ષ માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક માટે ૧૫ સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરને ફરીથી સમિતિનું સુકાન સોંપવામાં આવ્યુ હતું.

આ તકે સમિતિના પુનઃ નિયુકત ચેરમેન નરેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે છેલ્લા એક દસકામાં અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. જેમા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથોસાથ કોમ્પ્યુટર તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત ગમત પ્રવૃતિ વગેરે ઉપર ખાસ ધ્યાન આપી અને શાળાઓના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરે તે માટે સમિતિ સતત પ્રયત્નશીલ છે.

શ્રી ઠાકુરે જણાવ્યુ હતુ કે, સમિતિ દ્વારા ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ પણ શરૂ થઈ છે. ઉપરાંત સ્માર્ટ કલાસ અને રમતગમતની પ્રવૃતિમાં વિદ્યાર્થીઓને જબ્બરજસ્ત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. જેના કારણે સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. ચાલુ વર્ષે ૨૦૦૦ જેટલા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. હાલમાં કુલ ૨૯૦૦૦ વિદ્યાર્થીઓ સમિતિની કોઠારીયા, વાવડી સહિતની ૧૦૦ જેટલી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

(4:01 pm IST)