Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આજે દેવ દિવાળી : ઠેર ઠેર તુલસી વિવાહના આયોજનો

ઠાકોરજીની જાન જોડી તુલસીજી સાથે લગ્ન અવસરનો લ્હાવો લેતા ભાવિકો : શેરડીના સાંઠા અને આસોપાલવના તોરણવાળા મંડપમાં દેવ વિવાહ : મંદિરો અને ધર્મસ્થાનોમાં દેવદિવાળીની ઉમંગભેર થઇ રહેલ ઉજવણીઃ એક દિ' ફટાકડાની આતશબાજી જામશે

રાજકોટ તા. ૧૯ : આજે કારતક સુદ અગીયારસની દેવ દિવાળી તરીકે ઉજવણી થશે. દેવ વિવાહના પ્રસંગ સાથે લગ્નના મુહુતો ખુલશે.

દેવ દિવાળી એટલે દેવોના વિવાહનો અવસર ગણવામાં આવે છે. આમ જુઓતો નવા શરૂ થયેલ વિક્રમ સંવતનો આ પ્રથમ ઉત્સવ ગણાય. આમેય દેવોના વિવાહ કરીને લોકો પોતાના સંતાનોના લગ્ન પ્રસંગના આયોજનો કરતા હોય છે.

ત્યારે આજે ઠાકોરજી અને તુલસીજીના લગ્નનો અવસર ઉજવવા ભાવિકો દ્વારા અનેરો ઉત્સાહ છવાયો છે. શાલીગ્રામ સ્વરૂપ વિષ્ણુજી અને છોડ (વૃંદા) સ્વરૂપ તુલસીજીના લગ્ન પ્રસંગને ઉકેલવા કોઇ ભાવિકો જાનૈયા બનવા તો કોઇ ભાવિકો માંડવિયા બનવા આતુર બન્યા છે.

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં પણ આજે દેવ દિવાળી નિમિતે તુલસી વિવાહના આયોજનો થયા હતા.

આજે દેવ દિવાળી હોય ફટાકડાની બજારોમાં ફરી એક દિવસીય રોનક આવી હતી. આજે ફરી આકાશમાં આતશબાજી જોવા મળશે.

દેવદિવાળી નિમિતે તુલસી કયારે શેરડી ધરાવવાની પરંપરા હજુએ જળવાતી હોય આજે શેરડીની બજારમાં નવી રોનક જોવા મળી છે. સીઝનની શરૂઆત આજના શુકન સાચવીને થતી હોય તેમ બજારોમાં ઠેરઠેર શેરડીના ગંજ ખડાકાયેલા જોવા મળ્યા હતા.

આપણે ત્યાં તુલસી કયારે શેરડી ધરાવી દીવો પ્રગટાવવાની પરંપરા હજુએ જળવાતી આવી છે.

મંદિરોમાં પણ તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવેલ. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ધાર્મિક મંડળો અને ભકત સમુદાયો દ્વારા તુલસી વિવાહના આયોજનો થયા છે.

રાજકોટમાં ચિત્રકુટધામ રામજી મંદિર, જીવનનગર સમિતિ, ગીતા વિદ્યાલય પરિવાર તેમજ રાધેશ્યામ ગૌશાળા સહીતના સ્થળોએ તુલસી વિવાહના આયોજન કરાયા છે.

(3:46 pm IST)