Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ટાઈટેનિયમમાં કંડારાયેલ હરિચરિત્રામૃત સાગર ગ્રંથનું વજન ૭૭૮ કિલો, પાના ૧૨૪૦૪: કાલે સમર્પણ પ્રસંગ

અગ્નિ બાળી ન શકે કે કાટ લાગી ન શકે તેવુ અદ્ભૂત નિર્માણઃ વડતાલમાં સમારોહ :આજે રાત્રે ૯ વાગ્યે 'શ્રી હરિની સ્વભાવિક ચેષ્ટા' થ્રી-ડી એનીમેશન વિમોચન

રાજકોટ, તા. ૧૯ :. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન આધારિત મહામુકત સદ્ગુરૂ આધારાનંદ સ્વામી રચિત હિન્દી ભાષાનો મહાગ્રંથરાજ એટલે 'શ્રી હરિચરિત્રામૃતસાગર.' આ ગ્રંથને અગ્નિ બાળી ન શકે, કાટ કે લુણો લાગી ન શકે એવા હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા તથા કુંડળધામ દ્વારા દિર્ઘદ્રષ્ટા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ટાઈટેનિયમ ધાતુમાં કંડારવામાં આવ્યો છે. વડતાલધામમાં ચાલતા કાર્તિકી સમૈયા અંતર્ગત આજે સોમવારે સાંજે ૫.૩૦ કલાકે પવિત્ર ગોમતીજીને કાંઠે એક ટન ઉપરાંત વજન ધરાવતા આ મહાકાય ગ્રંથરાજ શ્રીમદ્દ હરિચરિત્રામૃતસાગરનો વિવિધ પ્રકારના દ્રવ્યો અને જ્યુસ દ્વારા મહાભિષેક થશે. ચંદન, પુષ્પ અને મોતીઓથી તેમના વધામણા થશે.

ત્યાર બાદ આ ટાઈટેનિયમમાં તૈયાર થયેલા તથા મૂળગ્રંથરાજની વડતાલધામમાં ભવ્ય નગરયાત્રા નિકળશે. જેમાં કેન્દ્ર સ્થાને એક ગજરાજ ઉપર રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન બિરાજશે અને બીજા હાથી ઉપર સદ્ગુરૂ આધારાનંદ સ્વામી રચિત મૂળ ગ્રંથરાજ અનેક પ્રકારની કલાકૃતિથી મંડિત રથમાં ટાઈટેનિયમની પ્લેટમાં તૈયાર થયેલો ગ્રંથ રાખવામાં આવશે. આ રથને પવિત્ર સંતો-ભકતો ખેંચીને ગોમતી સરોવરથી મંદિર સુધી લાવશે. આ માહોલ સહુને માટે જાણવા-માણવા જેવો દિવ્ય અને ભવ્ય બની રહેશે. કાલે તા. ૨૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે વડતાલધામમાં આ ગ્રંથરાજનો ભવ્ય સમર્પણ સમારોહ યોજાશે તેમ સાધુ શ્રી અલૌકિકદાસજી જણાવે છે.

ટાઈટેનિયમ ગ્રંથની માહિતી

ટાઈટેનિયમ ગ્રંથનું વજનઃ ૭૭૮ કિલો

ટાઈટેનિયમ ગ્રંથનું પેટી સાથેનું વજનઃ ૧,૦૪૭ કિલો

ટાઈટેનિયમ પેટીની સંખ્યાઃ ૩૪

ટાઈટેનિયમ પ્લેટની સંખ્યાઃ ૬,૨૦૨

ટાઈટેનિયમ પેજની સંખ્યાઃ ૧૨૪૦૪

ટાઈટેનિયમ પેજની સાઈઝઃ ૬ બાય ૧૨ ઈંચ

ટાઈટેનિયમ એક પ્લેટનું અંદાજીત વજનઃ ૧૩૦ ગ્રામ

ટાઈટેનિયમ ધાતુની ક્ષમતાઃ મેલ્ટીંગ પોઈન્ટ ૧૬૭૦ અંશ સેલ્સીયસ

આલ્ફાબેટ ચાર્ટઃ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી

ટાઈટેનિયમ ગ્રંથ બનાવવાનો સમયઃ સાડા ત્રણ વર્ષ

ટાઈટેનિયમ ગ્રંથ બનાવવાનું સ્થળઃ શ્રી સ્વામિ. મંદિર કારેલીબાગ-વડોદરા

ટાઈટેનિયમ ગ્રંથમાં કામ કરનારની સંખ્યાઃ ૮-૧૦ વ્યકિતઓ

ગ્રંથ બનાવવા ઉપયોગમાં લેવાયા સાધનોઃ લેસર મશીન, કોમ્પ્યુટર, ચીલર

મશીન, કોમ્પ્રેસર, રૂમ એરડ્રાયર, ફયુમ એકસ્ટ્રેકટર, ક્રોમ્પ્રેસ એરડ્રાયર વગેરે..

વધુ માહિતી માટે સંપર્કઃ મો. ૯૬૦૧૨ ૯૦૦૩૮

(3:28 pm IST)