Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

અબુધાબીમાં બની રહેલ સ્વામિનારાયણ મંદિરનું કાર્ય પૂર્ણતાના આરે : રાજકોટના પ્રવાસીઓ પહોંચ્યા

રાજકોટ : અબુધાબીમાં કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં આ ભવ્ય મંદિર ભાવિકો માટે ખુલ્લું મુકાશે. તાજેતરમાં દુબઈ એકસ્પોમાં ગયેલા અનેક ભારતીઓએ આ મંદિરની મુલાકાત લીધી હતી અને તેની દિવ્યતા અને ભવ્યતા નિહાળી હતી. જાણીતા પાશ્વગાયક મનહર ઉધાસ તેમ જ થ્પ્થ્ ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા અને જૈન વિઝનના સંયોજક અને રાજકોટ જિલ્લા ભાજપના સંસ્કૃતિક સેલના કન્વીનર મિલન કોઠારી વગેરેએ પણ આ મંદિરની મુલાકાત લીધી હતી દુબઈ ગુજરાતી સમાજના પ્રમુખ અશોકભાઈ કોટેચા તેમ જ જાણીતા પાશ્વગાયક મનહર ઉધાસ વગેરે સાથેની આ મુલાકાત દરમિયાન તેઓએ તલ્કસ્પર્શી માહિતી મેળવી હતી.

પૂ. પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરનું સપનું જોયું હતું અને યુએઈના રાજાના પ્રયાસોથી આ મંદિર આકાર લઇ રહ્યું છે.

આ મંદિર હિંદુઓના ૧૧ દેવી-દેવતાઓનું ઘર હશે.મંદિરનું બાંધકામ ૨૫,૦૦૦ સ્કવેયર ફૂટ જમીન પર થશે, જ્યારે સમગ્ર પરિસર ૭૫,૦૦૦ સ્કવેયર ફૂટમાં ફેલાયેલું હશે. તેમાં બે બેઝમેન્ટ હશે, એક ગ્રાઉન્ડ ફ્લોર હશે અને એક ફર્સ્ટ ફ્લોર હશે.મંદિરમાં એક ૪૦૦૦ સ્કવેયર ફૂટનો બેંકવેટ હોલ પણ હશે, જ્યાં લગભગ ૭૭૫ લોકો એકસાથે એકઠા થઈ શકે તેટલી ક્ષમતા હશે અને એક ૧,૦૦૦ સ્કવેયર ફૂટનો મલ્ટીપર્પસ રૂમ પણ હશે. મંદિર માટે વપરાયેલી પથ્થરની કોતરણી દ્વારા પ્રાચીન કલા અને સ્થાપત્યને પુનર્જીવિત કરવામાં આવશે. આ મંદિર અબુધાબીમાં 'અલ વાકબા' નામના સ્થળે ૨૦,૦૦૦ ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવી રહ્યું છે.હાઈવેની બાજુમાં અલ વાકબા અબુધાબીથી ૩૦ મિનિટની અંતરે છે. ભારતીય દૂતાવાસના આંકડા મુજબ યુએઈમાં લગભગ ૨૬ લાખ ભારતીયો વસવાટ કરે છે,જે ત્યાંની વસ્તીના લગભગ ૩૦ટકા છે.

દુબઈ-અબુધાબી હાઈવે પર અબુ મુરૈકાહ ખાતે રચાઈ રહેલું પરંપરાગત શૈલીનું આ હિન્દુ મંદિર, એક મંદિર તરીકેના તમામ પાસાંઓને આવરી લેશે. એટલું જ નહીં, તે એક પૂર્ણ અર્થમાં સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક પરિસર બનશે. આ પથ્થરમાંથી નિર્મિત થનારા આ મંદિરનું ઘડતર કામ ભારતીય કારીગરો દ્વારા ભારતમાં થશે અને અબુધાબી ખાતે તેનું નિર્માણ થશે. આ મુલાકાત પ્રંસગે સ્થાનિક આગેવાનો  સુનિલભાઈ પારેખ કિશોરભાઈ  મેહતા અને ડો વ્યાપ્તિબેન જોશી ખાસ સાથે હાજર રહેલ.

(4:04 pm IST)