Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પાંડુરંગ શાસ્ત્રીઃ એક વૈશ્વિક વિભૂતિ

પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ મૂર્તિપૂજાનું સચોટ સાયન્સ સમજાવેલું: અનેક પ્રયોગોની હારમાળા આપેલી સ્વાધ્યાયીઓના હૃદયસ્થ થયેલા

દુર્લભં ભારતે જન્મ...ભારતની ભૂમિ સંતો, મહંતો, ઋષિઓ અને અવતારોના પાવન પ્રાગટ્યની પવિત્ર ભૂમિ છે. પણ આજે કોઈને ભારતમાં રહેવા જેવું લાગતું નથી. થોડો દ્યણો હોશિયાર વિદ્યાર્થી પણ ભારતમાંથી ટેક-ઓફ થવા અને  વિદેશમાં સેટલ થવા તલપાપડ હોય. પરંતુ અમેરિકાનો એક પ્રસિદ્ઘ વૈજ્ઞાનિક કે જેનો પ્રભાવ યુનોમાં હોય અને અમેરિકાના પ્રમુખ સાથે પણ સારા સંબંધો હોય તે સામેથી અમેરિકા આવવાનું આમંત્રણ આપે અને તે પણ ફૂલ સુખ-સગવડો સાથે. અને તેની આ 'ઓફર' એક ભારતીય દ્વારા આદરપૂર્વક અસ્વીકાર કરવામાં આવે તે માનવામાં ન આવે તેવી વાત છે. પણ હા આ સત્ય ઘટના ઘટેલી છે ઓગણીસો ચોપનના વર્ષમાં. અને આ ભારતીયનું નામ છે, પાંડુરંગ શાસ્ત્રી આઠવલે.

આજે ઓગણીસ ઓકટોબર તારીખ પ્રમાણે સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિવસ છે. ફકત ચોત્રીસ વર્ષની ઉંમરે જાપાનમાં યોજાયેલી બીજી વિશ્વ ધર્મ પરિષદમાં ગયેલા આ યુવા પાંડુરંગને હજુ કોઈ ઓળખતું હતું. પણ જેમ ઝવેરી હીરાને પારખી કાઢે તેમ અમેરિકાના પ્રસિદ્ઘ વૈજ્ઞાનિક અને વિચારક ક્રોમ્પટન સાહેબેને પાંડુરંગ શાસ્ત્રોમાં વિરાટ પ્રતિભાના દર્શન થયા હતા અને તેઓ તેનો લાભ અમેરિકાના લોકોને આપવા માંગતા હતા. અને તેથી તેમણે બધી સગવડો સાથે દર વર્ષે ભારતમાં એક લાખ રૂપિયા જમા કરાવવાની ઓફર આપી. કેટલી મોટી ઓફર હતી આ. અમેરિકામાં સરકારી મહેમાન તરીકે રહેવાનું, બધી જ સગવડો સાથે. એટલું જ નહિ પણ એક તત્વચિંતક તરીકે આખા વિશ્વમાં ફરવાનું, ભાષણો આપવાના, ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જવાનું. અને જો ના પાડે તો અહીં એક પ્રવચનકાર તરીકે રહેવાનું. આઝાદી પહેલાના ડર્ટી ભારતમાં પર્યાવરણનો સોથ નીકળવાનો હજી બાકી હતો. ગાંધીજી પણ જેનાથી વ્યથિત હતા તે જ્ઞાતિવાદ અને અસ્પ્રુશ્યતાના ભોરિંગમાં ભારતનો ભવ્ય હિન્દૂ ધર્મ ભરડાઈ ગયો હતો. અને ધર્મના પ્રતિનિધીઓએ ધર્મને અગરબત્ત્।ી, હોમ-હવન અને યજ્ઞમાં ધરબી દીધો હતો. એક સમયની સોનાની ચીડિયા છેલ્લા એક હજાર વર્ષના શોષણને લીધે સુકાઈ ગઈ હતી. અને તેના માટે મોગલો અને અંગ્રેજો ઉપર જવાબદારીનું ઠીકરું ફોડીને ખાલી ભાષણબાજી કરતુ રહેવું પાંડુરંગ શાસ્ત્રીને મંજુર ના હતું. તેને તો હટ ટુ હટ અને હેડ ટુ હેડ જવું હતું.

બાળપણમાં ગુરૂકુળ પરંપરામાં ભણેલા પાંડુરંગ શાસ્ત્રીએ સારા-સારા ભેજબાજોને પણ ટપ્પા ના પડે તેવા દર્શન શાસ્ત્રો, બ્રહ્મહસૂત્રો પર પારંગત થયા બાદ મુંબઈની અતિશય સમૃદ્ઘ રોયલ એશિયાટિક લાયબ્રેરીમાં સતત દશ વર્ષ સુધી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો. ફ્રોઈડ, ડાર્વિન, કાર્લ માકર્સ જેવા વિશ્વચિંતકોના પ્રશ્નોના ઉત્તરો તેમણે શ્રીમદ્દ ભગવદ ગીતામાંથી ગોતી આપ્યા. ભગવાનના અસ્તિત્વનો ઇન્કાર કરવાવાળા સામ્યવાદીઓને તેના જ ગઢ એટલે કે તે સમયે ચાલતા બ્રેઈન ટ્રસ્ટમાં જઈને ઓપન ચેલેન્જ પણ કરેલી. ચેલેન્જ તો જીત્યા, પણ તેમને તો હિન્દુસ્તાનીઓના દિલ જીતવા હતા. અને તેથી આ બધા બૌદ્ઘિકો સાથેની બધી માથાપચ્ચી નિરર્થક લાગી. તેમની નજર સામે 'રઘોબા'એ ફેંકેલા એંઠા પતરાળામાંથી પણ ખાવાની પડાપડી કરતા વંચિતો હતા. બાળપણમાં જોયેલું રોહા ગામનું એ દ્રશ્ય કયારેય ભુલાય નહિ તેવું હતું. કોઈ મંગલપ્રસંગે પંગત જમવાનું પૂરૃં કરે પછી વધેલા ખોરાકના પતરાળાને રદ્યોબા દ્યા કરે અને પગથિયાં પણ ચડવા ના દે કારણ કે તેઓ બધા અસ્પ્રુશ્ય હતા, માનવ નહિ. ફેકવાવાળાને તો કોઈ તકલીફ ના હતી પરંતુ લેવાવાળાને પણ કોઈ દુઃખ ના હતું. આ ઘટનાએ પાંડુરંગ શાસ્ત્રી પર ખુબ અસર કરી અને નિશ્ચય કર્યો કે મનુષ્યનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવવું. કામ તો ઘણા બધા કરવા હતા પરંતુ પૈસા વગર કોઈ કામ થાય નહિ અને પૈસા માગ્યા વગર મળે નહિ. પણ પાંડુરંગ શાસ્ત્રીને તો ભરોસો હતો ''યોગક્ષેમં વહામ્યહં''ના મહામંત્ર પર. મહાન શિક્ષણ શાસ્ત્રી અને તત્વચિંતક ડો. રાધાક્રિષ્નનને પણ અશકય લાગતું હતું છતાં પણ કોઈ પણ જાતના ફંડફાળા કે સરકારી સહાય વગર ઓગણીસો અઠાવનમાં સ્થાપના થઇ તત્વજ્ઞાન વિદ્યાપીઠની. શિક્ષણનો વેપાર ના થવો જોઈએ અને તેથી આજે પણ તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં નાચીકેતવૃત્ત્િ।નું નિર્માણ થાય તેવું શિક્ષણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. પછી તો પાંડુરંગ શાસ્ત્રીએ અનેક પ્રયોગોની હારમાળા આપી. મત્સ્યગંધા, યોગેશ્વર કૃષિ, અમૃતાલયમ, વૃક્ષ મંદિર અને બીજા દ્યણા બધા. પાંગળી બનેલી ભકિતને જ્ઞાન અને કર્મની પાંખો આપી. ''ભકિત ઇઝ એ સોસીઅલ ફોર્સ''ના સિદ્ઘાંત પર સ્વાધ્યાય પ્રવૃત્તિનો વિસ્તાર થવા લાગ્યો. સ્વાધ્યાયીઓની સંખ્યા લાખોમાં થઇ ગઈ. અને તેને પરિણામે સ્વાધ્યાય પ્રવૃત્ત્િ।ની નોંધ વિશ્વકક્ષાએ લેવાવા લાગી. એવોર્ડ મેળવવા માટે એક પણ કામ નહિ કરનાર પાંડુરંગ શાસ્ત્રીની પાછળ મોટા-મોટા એવોર્ડ દેડકાની જેમ ડ્રાંઉં-ડ્રાંઉં કરતા કુદકા મારતા આવતા હતા. ઇન્દિરા પ્રિયદર્શની એવાર્ડ, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય તિલક સન્માન પારિતોષિક, રેમેન મેગેસેસે પુરસ્કાર, રાષ્ટ્રીય એકાત્મકતા પુરસ્કાર, ટેમ્પલ્ટન પ્રાઇસ, રાષ્ટ્રભૂષણ પુરસ્કાર, રામશાસ્ત્રી પ્રભુણે પુરસ્કાર, પદ્મવિભૂષણ પુરસ્કાર  

સૂર્ય નમસ્કાર અને કુણ્ડલિકા નદીમાં સ્વિમિંગ કરીને કસાયેલું શરીર હોવા છતાં પાંડુરંગ શાસ્ત્રીનું શરીર હવે એંસી વર્ષો ના અથાક પ્રયત્નો પછી હિસાબ માંગતું હતું. તેમની કાયા ઘસાઈને ચંદન બની ગઈ હતી અને લાખો લોકોના જીવનને સુવાસિત કરતી હતી. સ્વાધ્યાય કાર્ય ફકત માછીમાર કે આદિવાસી પૂરતું મર્યાદિત ના રહેતા ખેડૂત, અગરિયા,વાઘરી, ગ્રામીણ, શહેરી, બૌદ્ઘિક, સંપન્ન, બધા જ પ્રકારના લોકોના ફેલાયેલું છે. સ્વાધ્યાયમાં એંશી ટકા યુવાનો છે. પૂ.દાદાએ ધર્મને ફેંકીના દીધો પણ તેના પરની ધૂળ ખંખેરી તર્કશુદ્ઘ અને કર્મશુદ્ઘ રીતે ધર્મના મૂલ્યો ફરી પાછા પ્રસ્થાપિત કર્યા. મુર્તીપુજાનું પરફેકટ સાયન્સ સમજાવ્યું, માણસનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવ્યું. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા પૂજાપાના કપડામાંથી બહાર નીકળી સ્વાધ્યાયીઓના જીભ પર આવી. ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન મહાવીર, સ્વામી રામતીર્થ જેવા સત્પુરૂષોના રસ્તે પૂ. દાદાએ વર્ષ ૨૦૦૩દ્ગક્ન દિવાળીના દિવસે નશ્વર દેહનો ત્યાગ કર્યો અને લાખો (વિ)યોગી સ્વાધ્યાયીઓના હૃદયસ્થ થયા. પૂ.દાદાનું સાશ્વત અસ્તિત્વ તો તેમના અંતઃકરણમાં હંમેશા રહેવાનું જ ....

લેખકઃ ભાર્ગવ ઉનડકટ, મો. ૯૮૯૮૨ ૬૨૨૯૯

(2:45 pm IST)