Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

જંકશન પ્લોટ, ગાયકવાડી પ્લોટ વેપારી મંડળના કાર્યકારી પ્રમુખપદે ગૌરવભાઇ પુજારાની સર્વાનુમતે વરણી

રાજકોટ તા. ૧૭ : તાજેતરમાં જે વૈશ્વીક મહામારીના રૂપમાં પરિવર્તિત બનેલ કોરોના વાઇરસના પ્રકોપ સામે લડતા લડતા વેપારી મંડળના જયકિશનભાઇ આહુજાનું નિધન થયેલ હોય જેઓએ મંડળની એકતા અને અખંડીતતા જાળવવા પોતાનું સંપૂર્ણ જીવન વિતાવ્યુ તેવા નિડર પ્રમુખની દુઃખદ વિદાય બાદ સર્વે વેપારીઓ માટે જયકિશનભાઇ જેવા નિડર કે સંગઠનને એક જુટ કરી મંડળની પ્રગતિમાં ઉતરોતર વધારો કરી શકે તેવા વ્યકિતને નિયુકત કરવા એ એક જટીલ પ્રશ્ન હતો જેમાં ઘણી ખરી ચર્ચા-વિચારણાના અંતમાં સર્વાનુમતે યુવા કાર્યશીલ અને બાહોશ એવા મંડળના  મહામંત્રી શ્રી ગૌરવભાઇ પુજારાના નામે કાર્યકારી પ્રમુખ તરીકેની મહોર લગાડવામાં આવેલ છે.

છેલ્લા ૧૪ વર્ષથી મંડળમાં જયકિશનભાઇ સાથે ખંભે ખંભો મિલાવી પોતાની સેવા આપતા હોય, તેમના વિચારો અને આગવી સુઝબુઝને કારણે તેઓનો મંડળની પ્રગતિમાં સિંહફાળો છે, તેઓના લોકો સાથેના નમ્ર વર્તન તેમજ કડક નિર્ણય લેવામાં તેઓની નિડરતા, નાના-મોટા વેપારી સાથે સ્થીર વર્તન જેવા ગુણોને ધ્યાને લેતા પાંચ વર્ષ પુર્વે મંડળના મહામંત્રી તરીકે ગૌરવભાઇની નિમણુક કરેલ હતી.

હાલ જે વેપારી મંડળના બન્ને મુખ્ય માર્ગો પર સી. સી. ટી. વી. કેમેરા લાગેલ છે. તે કેમેર લગાડવાનો ઠરાવ ગૌરવભાઇ એ જ સુઝાવ મુકી જે તે સમયે કમીટીમાં પાસ કરાવી તાત્કાલીક કેમેરા લગાડેલ હતા જેનાથી વેપારીઓમાં સુરક્ષાની અનુભુતિ પ્રસરી ગયેલ હતી તેમજ જંકશન પ્લોટ ખાતે અવાર નવાર લુખ્ખાઓની દાદાગીરીનો વેપારીઓ પર ત્રાસ રહેતો હતો તેવામાં વેપારીઓનો જોમ જુસ્સો વધારવા માટે અને લુખ્ખાઓ સામે લડત લડવા હિંમત દાખવવાની વેપારીઓને પ્રેરણા મળી રહે તેના ભાગરૂપે ગૌરવભાઇ દ્વારા એક એવો પ્રસ્તાવ પ્રસારીત કરવામાં આવેલ હતો કે જેમાં કોઇપણ વેપારીને ધંધા-રોજગારના સમયે કોઇ લુખ્ખા સાથે કોઇ મોટી માથાકુટ થાય તો તે લુખ્ખાની સામે લડવા માટે કાનુની સહાય (વકીલ) મંડળ દ્વારા આપવામાં આવશે આવા ઠરાવથી વેપારીઓ પોતાનો વ્યવસાય નિર્ભયતાથી ચલાવી શકે આ ઠરાવ પાસ થતા ની સાથે જ મંડળમાં ઘણા ખરા લુખ્ખાઓની અવર-જવર જ બંધ થઇ ગઇ હોય તેવુ જોવા મળે છે. અને આજે જંકશનના વેપારીઓ પોતાનો  વ્યવસાય માનભેર કરી શકે છે.

ગૌરવભાઇની આ વિચારશકિત અને કાર્યશિલતા ધ્યાને લઇ સમસ્ત કમીટી મેમ્બરો એ પુર્ણ બહુમત સાથે ગૌરવભાઇને આ પ્રમુખનો તાજ સોપેલ અને આશા વ્યકત કરેલ અને તેઓની વરણીને આવકારી હતી. તેમ મંડળનાં મંત્રી સુરેશ અઢીયાની યાદીમાં જણાવાયું છે.

(2:42 pm IST)