Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

જંકશન પ્લોટના આહૂજા સિઝન સ્ટોર્સમાં રમાતો'તો સટ્ટોઃ કલ્પેશ આહૂજાની ધરપકડ

ક્રાઇમ બ્રાંચના સી.એમ. ચાવડા, સંતોષભાઇ મોરી, કરણભાઇ મારૂની બાતમી પરથી પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમનો દરોડોઃ ૬૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૯: આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર સતત સટ્ટો રમાઇ રહ્યો છે. પોલીસના હાથમાં અમુક તમુક આવી રહ્યા હોવાનું કહેવાય છે. જંકશન પ્લોટ મેઇન રોડ પર આવેલી આહૂજા સિઝન સ્ટોર્સ નામની દૂકાનમાં સટ્ટો રમાતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને મળતાં દરોડો પાડી દૂકાનદાર કલ્પેશ અજીતભાઇ આહૂજા (ઉ.વ.૩૦-રહે. જંકશન પ્લોટ-૫/૧૨,  ક્રિષ્ના પેલેસ)ને મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબના મેચ પર મોબાઇલ ફોનમાં આઇડી બનાવી ટીવી પર લાઇવ મેચ જોઇ રનફેર, સેશન પર દાવ લગાડી સટ્ટો રમતાં પકડી લીધો હતો.

પોલીસે મોબાઇલ ફોન રૂ. ૫૦ હજારનો, ટીવી રૂ. ૧૫ હજારનું, સેટઅપ બોકસ રૂ. ૧૦૦૦નું અને રોકડા રૂ. ૬૦૦ મળી કુલ રૂ. ૬૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ આપેલી સુચના અંતર્ગત પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બી.આર. ગઢવી,  જયંતિભાઇ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, અશોક ડાંગર, ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્સ. સંતોષભાઇ મોરી અને કોન્સ. કરણભાઇ મારૂની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.

(12:39 pm IST)