Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મગફળી રજીસ્ટ્રેશનઃ કાલે છેલ્લો દિવસઃ ર૧મીથી જીલ્લાના ૧૪ કેન્દ્રો ઉપરથી ખરીદીઃ ખેડુત દીઠ રપ૦૦ કિલો

આજ સુધીમાં ૯૭ હજાર ખેડુતોની નોંધણીઃ ખરીદી માટે સ્ટાફ ફાળવ્યોઃ વજનકાંટા-૪પ લાખ બારદાન-સીસીટીવી કેમેરા-ભેજનું પ્રમાણ સહીતની તૈયારીઓ કરાઇઃ દરેક ખરીદી કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા-પોલીસ બંદોબસ્તઃ મામલતદાર-પ્રાંત દ્વારા સુપરવિઝનઃ કલેકટરનું ડાયરેકટ મોનીટરીંગઃ ધસારો ન થાય તે માટે પહેલેથી એસએમએસ મોકલી દેવાયા અને તે મુજબ વારોઃ ગોડાઉનોની પણ ચકાસણી

રાજકોટ, તા., ૧૯: હાલ રાજકોટ શહેર-જીલ્લામાં મગફળી ખરીદી અંગે ખેડુતોનું રજીસ્ટ્રેશન ચાલી રહયું છે. અધિકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે ગયા વખત કરતા આ વખતે ૧પ હજાર જેટલા વધારે ખેડુતોનું રજીસ્ટ્રેશન થયું છે. આજે બપોર સુધીમાં નોંધણી ૯૭ હજાર આસપાસ પહોંચી છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે.

સાધનોએ ઉમેર્યુ હતું કે મગફળી રજીસ્ટ્રેશન પુર્ણ થયા બાદ ૨૧મીના સવારે ૧૦ વાગ્યાથી શહેર જીલ્લાના ૧૪ કેન્દ્રો અને અમુક તાલુકામાં બે-બે કેન્દ્રો ઉપર ખેડુતો પાસેથી મગફળી ખરીદી શરૂ થઇ જશે. આ માટે અગાઉથી ખેડુતોને વારા મુજબ એસએમએસથી-ફોનથી જાણકારી આપી દેવાઇ છે અને જેમને બોલાવાયા છે તે ખેડુતો જ પોતાની મગફળી લઇને આવી શકશે. જેથી ધસારો ઓછો થાય.

તેમણે ઉમેર્યુ હતું કે ખરીદી માટે પુરતી તૈયારી કરી લેવાઇ છે. ત્રણ પ્રકારના વજનકાંટા, મગફળીમાં રહેલ ભેજનું પ્રમાણ માપવા માટેની ટીમ, બારદાન-મજૂર-પોલીસ બંદોબસ્ત-સીસીટીવી કેમેરા સહીતની તૈયારીઓ કરાઇ છે. બારદાન-મજુરીનો ખર્ચ સરકાર ભોગવશે. રાજકોટ પુરવઠા નિગમને ૪૫ લાખ જેવા બારદાનની જરૂરીયાત પડશે. એક ખેડુત પાસેથી વધુને વધુ ૨૫૦૦ કિલો જે તે દિવસે મગફળી ખરીદાશે.

દરેક કેન્દ્રો ઉપર જે તે વિસ્તારના પ્રાંત અને મામલતદારનું ખાસ સુપરવીઝન રહેશે, ખરીદી માટે ૪-૪નો સ્ટાફના ઓર્ડરો દરેક કેન્દ્રો માટે કરાયા છે. પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત પણ ફાળવી દેવાયો છે. મગફળી ખરીદી ૯૦ દિવસમાં પુરી કરવાની સુચના છે. કલેકટરનું ડાયરેકટ મોનીટરીંગ રહેશે. તમામ કાર્યવાહી ડીએસઓ શ્રી પુજા બાવડા કરી રહયા છે.

રાજકોટ શહેર જીલ્લામાં ૧૫૦૦ થી વધુ ગોડાઉનો આવેલા છે. જે તે કેન્દ્રની ૩૦ કી.મી.ની ત્રીજયામાં ગોડાઉન ઉપર બંદોબસ્ત સાથે મગફળી ખરીદાયા બાદ ગોડાઉનમાં મોકલાશે. ગોડાઉનોનું ચેકીંગ કરાયું છે. ત્યાં પણ સીસીટીવી કેમેરા, લાઇટ તથા વરસાદનું પાણી સહીતની બાબતોનો ખાસ ખ્યાલ રખાયો છે અને સિકયુરીટી મુકવા સુચના અપાઇ છે.

(11:37 am IST)