Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજકોટમાં ગઈ સાંજે બિહામણો વરસાદઃ ત્રણ ઈંચ ખાબકયો

ગઈકાલે રવિવારે સવાર બાદ સમીસાંજે છવાયેલા વાદળો વચ્ચે એકાએક તૂટી પડયો : વિજળીના ભયંકર કડાકા- ભડાકા જોવા મળ્યાઃ આજે પણ બપોર બાદ છુટોછવાયો વરસે તેવી સંભાવનાઃ હવામાનખાતુ

રાજકોટ,તા.૧૯: બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સની અસરથી ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ ખાબકયો હતો. તો રાજકોટ શહેરમાં પણ સમી સાંજે વરસાદનું બિહામણું સ્વરૂપ જોવા મળ્યું હતું. ત્રણેક કલાક ખાબકયો હતો. ત્રણ ઈંચ પાણી પડયું હતું. આજનો દિવસ છુટાછવાયા સ્થળોએ બપોર બાદ વરસી જાય તે હવામાન ખાતાએ જણાવ્યું છે.

બંગાળની ખાડીની સિસ્ટમ્સ નબળી પડી ડીપ્રેશનમાં પરીવર્તીત થઈ હતી. અરબીસમુદ્રમાંથી આવતા ભેજના લીધે આ સિસ્ટમ્સ ફરી મજબૂત બની હતી. જેની અસરથી સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદનું પ્રમાણ જોવા મળેલ. હવે આ સિસ્ટમ્સ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ છે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે સવારે વાદળછાયુ વાતાવરણ જોવા મળેલ. બાદ બપોરે તડકો રહ્યો હતો. સમી સાંજે ફરી વાદળાઓનું જોર જોવા મળ્યું હતું. સાંજના છ વાગ્યાની આસપાસ એકાએક વરસાદની એન્ટ્રી થઈ હતી. થોડીવારમાં વરસાદે જોર પકડી લીધુ હતું. એકરસ બની ગયો હતો. વિજળીના જોરદાર કડાકા- ભડાકા જોવા મળ્યા હતા. થોડીવાર તો ભય લાગે તેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

જાહેર માર્ગો સહિત શેરીઓ- ગલીઓમાં ચોમેર પાણીની નદીઓ વહેતી થઈ ગઈ હતી. સાંજે ૬ વાગ્યે શરૂ થયેલ વરસાદ રાત્રીનાં ૮ થી ૮:૩૦ સુધી એકધારો વરસ્યો હતો. બાદ જોર ઘટી ગયું હતું.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ગઈસાંજે ત્રણ ઈંચ વરસાદ પડી ગયો હતો. સિસ્ટમ્સ પસાર થઈ ગઈ છે. આજના દિવસ બપોર બાદ રાજકોટ, જામનગર જિલ્લાના દરિયાઈપટ્ટીમાં વરસાદની સંભાવના છે.

સેન્ટ્રલ ઝોનમાં ૫૫ મી.મી - ઇસ્ટ ઝોનમાં ૬૦ મી.મી વરસાદ વરસ્યો 

રાજકોટઃ શહેરમાં ગઈકાલે સવારે વાદળછાયુ વાતાવરણ જોવા મળેલ. બાદ બપોરે તડકો રહ્યો હતો. સમી સાંજે ફરી વાદળાઓનું જોર જોવા મળ્યું હતું. સાંજના છ વાગ્યાની આસપાસ એકાએક વરસાદની એન્ટ્રી થઈ હતી. થોડીવારમાં વરસાદે જોર પકડી લીધુ હતું ત્યારે ફાયર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં નોંધાયેલ આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૫૫ મી.મી, ઇસ્ટ ઝોનમાં ૬૦ મી.મી વરસાદ વરસ્યો હતો. જયારે નિર્મલા રોડ ફાયર સ્ટેશન કામચલાઉ  કાલાવડ રોડ ન્યારી ફિલટર પ્લાન્ટ પર ફેરવાતા તે ઝોનનાં વરસાદની નોંધ નહિ થઇ હોવાનું ે ફાયર બ્રિગેડનાં કંટ્રોલ માંથી સતાવાર જણાવાયુ હતુ.

(2:37 pm IST)