Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જામકંડોરણાના પીએસઆઇ સામે પગલા ન લેવાય તો સોમવારથી આંદોલન

આર્મીમાં ભરતી થવા ઇચ્છુક ચરેલના ગરાસીયા યુવક પર ગુજારાયેલ અમાનવીય અત્યાચારની ઘટના અંગે : રાજકોટ ગરાસીયા બોર્ડીગ ખાતે રાજપૂત સમાજના વિવિધ સંગઠ્ઠનોની મળેલ મીટીંગમાં નિર્ણય લેવાયોઃ રૂરલ એસ.પી. બલરામ મીણાને આવેદન સુપ્રત કરાયુ

જામકંડોરણામાં લશ્કરમાં ભરતી થવા માટે પોલીસ સ્ટેશન ખાતેથી કેરેકટર ર્સ્ટીફીકેટ લેવા ગયેલા યુવાનને ફોજદાર તથા સ્ટાફ દ્વારા અમાનવીય રીતે ઢોરમાર મારી ઇલેકટ્રીક શોક આપવાના પ્રશ્ને જીલ્લા રાજપૂત સમાજ, જામકંડોરણા રાજપૂત સમાજ, યુવા રાજપૂત સંઘ, હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ વિદ્યાર્થી મંડળ, કરણી સેના, મહારાણા પ્રતાપ યુવા સંસ્થાન વિગેરેએ આજે લડતનું એલાન કર્યું તે પ્રસંગની તસ્વીર. રાજકોટ બોર્ડીંગ ખાતે મળેલી તસ્વીરમાં બેઠકને સંબોધન કરી રહેલા જીલ્લા રાજપૂત સમાજના કાર્યકારી પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, બાજુમાં રાજકોટ યુવરાજ અને જીલ્લા રાજપૂત યુવા પાંખના પ્રમુખ રામરાજા, પી.ટી. જાડેજા, હરીશચંદ્રસિંહ જાડેજા, રાજભા ઝાલા, કરણી સેનાના કૃષ્ણસિંહ જાડેજા, યોગરાજસિંહ (જાબીડા), પ્રવિણસિંહ (ઇટાળા), બી.જી. ઝાલા, શકિતસિંહ (કોટડા નાયાણી), દિવ્યરાજસિંહ ગોહિલ, ભરતસિંહ જાડેજા, દિગુભા જાડેજા (પાળ), ઓમદેવસિંહ (રતનપુર) ટીકુભા (કોઠારીયા) રામદેવસિંહ (નાનામવા) વિગેરે જરે પડે છે. નીચેની તસ્વીરમાં જીલ્લાભરમાંથી આવેલા હોદ્દેદારશ્રીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૯: આર્મીમાં ભરતી થવા ઇચ્છુક ચરેલના ગરાસીયા યુવક પર પોલીસ મથકમાં જામકંડોરણાના પીએસઆઇ વિનોદ ચૌહાણ તથા સ્ટાફ દ્વારા ગુજારવામાં અમાનવીય અત્યાચારની ઘટનામાં જવાબદાર પીએસઆઇ સામે તાકીદે કડક પગલા ભરવામાં ન આવે તો રાજપુત સમાજ (ક્ષત્રીય)ના વિવિધ સંગઠનો દ્વારા સોમવારથી આંદોલન કરવાની ચીમકી અપાઇ છે અને આ અંગે રૂરલ એસપીને રાજપુત સમાજની વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદન સુપ્રત કરાયું હતું.

રાજકોટ ગરાસીયા બોર્ડીગ સાથે રાજપુત સમાજ (ક્ષત્રીય) ના વિવિધ સંગઠનોના આગેવાનોની મળેલ મીટીંગમાં જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઇ વિનોદ ચૌહાણ તથા સ્ટાફ દ્વારા ચરેલના છાત્ર હરપાલસિંહ વાળા પર ગુજારાયેલ અત્યાચારની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કઢાઇ હતી અને આ મુદ્દે રૂરલ એસપી બલરામ મીણાને આવેદન અપાયું હતું.

આવેદન પત્રમાં જણાવાયું હતું કે ગત તા.૧પ-૧૦ના રોજ આર્મીમાં ભરતી થવા ઇચ્છુક જામકંડોરણા તાલુકાના ચરેલ ગામના હરપાલસિંહ ભરતસિંહ વાળા (ઉ.વ.૧૯) કે જેઓ જામકંડોરણા આઇટીઆઇમાં અભ્યાસ કરે છે તે પોલીસ મથકમાં ચરિત્રનું સર્ટી. કઢાવવા જતા જામકંડોરણાના પીએસઆઇ વિનોદ ચૌહાણ અને સ્ટાફ દ્વારા અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવેલ હતો. કોઇ અગમ્ય કારણોસર ઉકત ફોજદાર તેમને મળેલી સતાનો દુરઉપયોગ કરી ખોટી ધાક જમાવી નિર્દોષ લોકોને હેરાન કરવાની માનસીક વિકૃતી ધરાવતા હોય તેવું મનાઇ રહયું છે. જામકંડોરણા પોલીસ મથકમાં બનેલી આ ઘટના પોલીસ તંત્રની સારી છાપને ખરડાવી છે અને પોલીસનું મોરલ ડાઉન કરવા માટે કારણભૂત હોય તેમ મનાઇ છે.

દેશ માટે સરહદે લડવાની ઇચ્છા ધરાવતા ગરાસીયા યુવક સાથે થયેલો અમાનવીય ઘટના અંગે ઝીણવટભરી તપાસ થવી જ જોઇએ, ભોગ બનેલા યુવકના જે વાતો અને હકીકત જાણીએ એ જોતા કંપારી છુટી જાય છે. ચોક્કસ લોકો સાથે ચોક્કસ કામગીરી શા માટે કરવામાં આવી? અને આ યુવક સાથે જ નહિ પરંતુ અન્ય કેટલીક કથીત ઘટનાઓની વાતો સાંભળતા પોલીસ તંત્રની પ્રતિભા ખરડાવતા ઇસમો સામે ન્યાયીક ખાતાકીય કાર્યવાહી થવી જોઇએ.

 જામકંડોરણા રાજપુત સમાજ,  રાજકોટ જીલ્લા રાજપુત સમાજ અને જીલ્લાની અન્ય તમામ સંસ્થાઓનાન હોદેદારોની સ્પષ્ટ માંગણી છે કે તાકીદે અત્યાચારનો ભોગ બનેલા યુવકને ન્યાય નહિ મળે તથા રાજપુત સમાજ પ્રત્યે સુગ ધરાવી તેને બદનામ કરવા માંગતા પરીબળોને સખત નસીયત પહોંચાડવામાં નહિ આવે તો સમસ્ત રાજુપત સમાજ, અને તેને સંલગ્ન તમામ સંસ્થાઓ અંતિમ તબક્કા સુધી લડી લેશે.

આગામી સોમવાર સુધીમાં આ અત્યાચારની ઘટનામાં જવાદબારો સામે કડક પગલા નહિ લેવામાં આવે તો રાજપુત સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર દેખાવો, ધરણા અને સંમેલન યોજી ચક્કસ પરીબળો સામે મજબુત અવાજ ઉઠાવાશે તેમ આવેદનના અંતમાં જણાવાયું છે.

આ મીટીંગમાં રાજકોટ જીલ્લા રાજપુત  (ક્ષત્રીય) સમાજના કાર્યકારી પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, યુવા પ્રમુખ જયદીપસિંહજી (રામરાજા) ડો. યુગરાજસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, બહાદુર સિંહ ઝાલા,. નરેન્દ્રસિંહ ડી.ઝાડેજન, શકિતસિંહ જાડેજા (કોટડા નાયાણી) પ્રવિણસિંહ જાડેજા (ઇટાળા) હરશચંદ્રસિંહજી ઁમાખાવડ, સુરેન્દ્રસિંહ વાળ, રાજભા ઝાલા (કણકોટ), દિવ્યરાજસિંહ ગોહીલ (કુકળ), દેવેન્દ્રસિંહ બી.ગોહેલ (કુકડ) દેવેન્દો્રસિંહ જાડેજા  (ટીકુભાઇ ), કૃષ્ણસિંહ જાડેજા (મોણપર) ઓમદેવિંહજી ઝાલા, (રતનપર), સુર્યના કાઠી (ક્ષત્રીય) સમાજ તેમજ  રાજકોટ જીલ્લા રાજપુત સમાજ, રાજપુત યુવા સંઘ, કરણી સેના રાજકોટ, હરભમજી રાજ છાત્રાલય વિદ્યાર્થી મંડળ સમસ્ત કાઠી રાજપુત સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેમજ જામકંડોરણા રાજુપત સમાજના પ્રમુખ તેજુભા જાડેજા, સુરૂભા વાળા, ક્રિપાલસિંહ જાડેજા, પદુભા, વિમલસિંહ રાણા, તથા બોગ બનનાર હરપાલસિંહ વાળા પણ ઉપસ્થિત રહયા હતા.

રાજપૂત સમાજની માંગણીઓઃ-

(૧) હરપાલસિંહ વાળા પર થયેલા અન્યાયી દમનની તપાસ સોંપાયેલી હોય તો તપાસ સુધી ફોજદાર ચૌહાણની અન્યત્ર ખસેડી ન્યાયી તપાસથાય તે માટે યોગ્ય વાતાવરણ કરવા વિનંતી.

(૨) અમારી માંગણી છે કે સદરહું ફોજદારની છેલ્લા બે માસની અન્યાયી વર્તણુંકની ન્યાયીક અને તટસ્થ તપાસ થાય.

(૩) જે વાત લોકમુખે ચર્ચાય છે. તેવા દસેક કિસ્સાઓની પણ તપાસ થાય.

(૪)  પોલીસ સ્ટેશનના છેલ્લા બે માસના CCTV ફુટેચ ચેક કરો અને અમને પણ આપો.

(૫) છેલ્લા બે માસમાં જામ કંડોરણા પોલીસ સ્ટેશનમાં દસેક નિર્દોષ લોકોને અન્યાય થયાની ચર્ચાઓ ગામના નામ અને ભોગ બનેલાઓની વિગતો અમે આપને આ સાથે જણાવીએ છીએ તેની તપાસ થાય.

(૬) હાલમાં ભોગ બનેલા યુવક અને તેના પરિવાર ઉપર દબાણ લાવીને સમાધાન પ્રયાસો થાય છે. તેને તુર્ત અટકાવવા વિનંતી.

(૭) અમારી માંગણી છે કે અમો આ પ્રકરણે હાઇકોર્ટ, માનવ અધિકાર પંચ સમક્ષ જવાબદાર તમામ ઉચ્ચ અધિકારીઓ વિરૂધ્ધ ફરીયાદ કરવાના હોય સરદહું અધિકારીને સૌરાષ્ટ્ર બહાર ખસેડવામાં આવે

(3:41 pm IST)