Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ખોરાક યોગ્ય પધ્ધતિથી ન ખાઇએ તો રોગ થાય : ડો. હર્ષદભાઇ પંડીત

વિશ્વ અન્ન દિવસ નિમિતે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા યોજાય ગયેલ સેમિનાર : તજજ્ઞો દ્વારા માર્ગદર્શક વકતવ્ય

રાજકોટ : 'વિશ્વ અન્ન દિવસ' નિમિતે  શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં હ્ય્દયરોગ નિષ્ણાંત ડો. કમલભાઇ પરીખે  જણાવેલ કે દુનિયામાં થતા અન્નના બગાડને અટકાવીશુ તો ગરીબી અને ભુખમરો મહદઅંશે અંકુશમાં આવી શકે. માનવીને ખોરાક પેટ ભરવા પુરતો પ્રાપ્ત કરવો તે જન્મસિધ્ધ હકક છે. સૌને પેટ પુરતો ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા આપણે સૌ કરીએ એજ સાચી પ્રભુ સેવા છે. આ તકે જાણીતા આયુર્વેદ આચાર્ય ડો. હર્ષદભાઇ પંડીતે જણાવેલ કે માનવ સમાજ દ્વારા લેવામાં આવતો ખોરાક યોગ્ય પધ્ધતિથી ન ખવાતો હોવાને કારણે માનવ શરીર રોગીષ્ટ અને બિમાર બને છે. ખોરાકને આરોગવો એ પણ એક કળા છે. આયુર્વેદના સિધ્ધાંતો પ્રાચીન રૂષીમુનીઓ દ્વારા અનુભવને આધારે રચાયા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રાજકોટના ડાયરેકટર એસ. કે. સીંગ, ગુજરાત સરકારના ખોરાક વિભાગના અધિકારી લલીતભાઇ ફળદુ, લીજજત પાપડવાળા શ્રીમતી જયશ્રીબેન ભટ્ટ વગેરેએ પ્રાસંગીક પ્રવચન કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. સેમીનારમાં ન્યાયમૂર્તિ એન. એમ. ધારાણી, શ્રીમતી રમાબેન માવાણી, દીપાબેન કોરાટ, શ્રીમતી ભાવનાબેન પારેખ, અશોકભાઇ કોયાણી, જી. એન. ગગલાણી, સુરેશભાઇ અમીપરા (કારગીલ સૈનિક), ભીખાભાઇ બાંભણીયા (પૂર્વ ધારાસભ્ય) એ પ્રાસંગીક પ્રવચન કરેલ. કાર્યક્રમના અંતમાં ખુલ્લા મંચમાં પ્રશ્નોતરી રાખવામાં આવી હતી. બાદમાં રાષ્ટ્રગીત સાથે સેમીનારનું સમાપન કરવામાં આવેલ.

(3:37 pm IST)