Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કાળી ચૌદશે કુંડાળા કરી કકડાશ કાઢવાના રીવાજને જાકારો આપજો : વિજ્ઞાન જાથા

અનાજ-પાણીનો બગાડ અટકાવવા સરકારને પત્ર : ઠેરઠેર જાગૃતિ કાર્યક્રમ

રાજકોટ તા. ૧૯ : સદીઓથી કાળી ચૌદશે કકડાશ કાઢવાની ગેરમાન્યતા ચાલી આવે છે. ચોકમાં પાણીના કુંડાળા કરી ભજીયા- વડા મુકવામાં આવે છે. કોઇ વળી સ્મશાનમાં જઇ આવા તુત ચલાવે છે. પરંતુ આ વિજ્ઞાનના યુગમાં આવી ગેર માન્યતાઓમાંથી બહાર આવવા ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ અપીલ કરી છે. વિજ્ઞાન જાથા દ્વારા ગામો ગામ જનજાગૃતિ કાર્યક્રમો થશે. સ્મશાનના ખાટલે બેસી વડા આરોગી લોકોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો થશે. એટલુ જ નહીં આ રીતે ચાર ચોકમાં પાણી રેડી વડા મુકવાથી પાણી અને અનાજનો વ્યર્થ બગાડ થતો હોય આ બાબતે સરકારને પણ પત્ર લખી આવો બગાડ અટકાવવાના પગલા ભરવા રજુઆત કરાઇ છે. તા. ૨૩ ના બુધવારે કાળી ચૌદશ હોય રાજયભરમાં ગેરમાન્યતાઓનું ખડન કરતા કાર્યક્રમો આપી જાગૃતિ પત્રિકાનું વિતરણ કરાશે તેમ જાથાના જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૧૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:33 pm IST)