Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રાજકોટ શહેર-જીલ્લાની તમામ ડે.કલેકટર-મામલતદાર કચેરીમાં તપાસ કરવા કલેકટરનો આદેશઃ ૬ અધિકારીઓની ટીમ

ભ્રષ્ટાચાર-ફાઇલ ગેરરીતિ-ખોટા હુકમો-અરજદારોને ધકકા-સફાઇ-પાણી-સહિતની તમામ બાબતો ચકાસાશે...: મુખ્ય સચિવે એડી. કલેકટરોની બેઠકમાં આપેલ સુચના બાદ કલેકટર દ્વારા તાત્કાલીક અમલવારી...

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને એક મહત્વનો આદેશ બહાર પાડી રાજકોટ શહેર-જીલ્લાની તમામ ડે. કલેકટરો અને મામલતદાર કચેરીઓની તમામ પ્રકારની સર્વાંગી તપાસના આદેશો કરતા સનસનાટી મચી જવા પામી છે.

તાજેતરમાં અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રાજયભરના એડી. કલેકટરોની મીટીંગમાં અપાયેલ સુચના મુજબ સમયાંતરે જીલ્લાની તમામ મહેસુલી-કચેરીમાં તપાસ માટે ટીમ બનાવી તપાસો કરવા આદેશ થયા હતાં.

આ આદેશો બાદ રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહને તાત્કાલીક અમલવારી કરાવી, એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા પાસેથી વિગતો મેળવી મામલતદાર સહિત ૬ અધિકારીઓની ટીમ  બનાવી તપાસના આદેશો કર્યા છે.

આ અધિકારીઓમાં મામલતદાર વિરલકુમારી માકડીયા, તથા નાયબ મામલતદારોમાં સર્વશ્રી એચ. આર. સાંચલા, એચ. ડી. જોષ્ીનો સમાવેશ થાય છે.

કલેકટરે આ તમામને જીલ્લા તાલુકાની તમામ મહેસુલી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, ફાઇલ ગેરરીતિ, તુમાર, પાણી, સ્વચ્છતા, અરજદારોને ધકકા, પારા ઓડીટ, સહિતની તમામ બાબતો અંગે એકાએક ત્રાટકવા, તેનું એક લીસ્ટ બનાવવા, અને તે અંગે રીપોર્ટ કરી હુકમો કરવા સુચના આપી છે, અને ટીમ દ્વારા કરવામાં આવેલ ચકાસણી અનુસંધાને કાર્યવાહી કરવા પણ આદેશો કર્યા છે.

કલેકટર શ્રી રેમ્યા મોહને પોતાના આદેશનો તાત્કાલીક અમલ કરવા, અને તકેદારી આયોગના પરિપત્ર મુજબ નિવારાત્મક તકેદારી નિરીક્ષણ બાબતે પણ દરેક કચેરીની તપાસણી પણ કરવા સુચના આપી છે.

(3:32 pm IST)