Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પટેલ પરીણીતાની હત્યા કરી લુંટના ગુનામાં પકડાયેલ આરોપીને આજીવન કેદ

રૈયા ટેલીફોન એકસચેંજ પાસેની કૈલાષ ધારા પાર્ક સોસાયટીમાં બનેલ બનાવ અંગે સેસન્સ કોર્ટનો ચુકાદોઃ ફરીયાદ પક્ષે સાંયોગીક પુરાવો સાબીત કરી દાગીના-મોબાઇલ લુંટના બીલોના આધારે કેસ પુરવાર કર્યોઃ આરોપીને એક લાખનો દંડ પણ કોર્ટે ફટકાર્યો

રાજકોટઃ રીનાબેન ફળદુની હત્યારાના કેસમાં સરકારપક્ષે કેસ લડનાર એપીપી પરાગભાઇ શાહ તથા ફરીયાદી વતી રોકાયેલ એડવોકેટ કમલેશભાઇ શાહ, જીજ્ઞેશ શાહ, ધવલ પડીયા તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ, તા., ૧૯: અહીના ૧પ૦ ફુટના રીંગ રોડ ઉપર રૈયા ટેલીફોન એકસચેંજ પાછળ આવેલ કૈલાસધારા પાર્કમાં રહેતી ૪૮ વર્ષીય પટેલ પરીણીતા રીનાબેન ફળદુની લુંટના ઇરાદે ઘરમાં ઘુસી છરીના   પ થી ૬ ઘા મારીને ઘાતકી હત્યા કરવાના આરોપસર પકડાયેલા ૧૫૦ ફુટના રીંગ રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા નવનીત રતીલાલ હરસોડા સામેનો કેસ ચાલી જતા રાજકોટના અધિક સેસન્સ જજની કોર્ટે આરોપીને આજીવન કૈદની સજા અને રૂ. એક લાખનો દંડ ફટકારેલ છે. આરોપીએ દંડની રકમ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

આ બનાવ અંગે મરનાર રીતાબેનના પતિ વિનોદભાઇ વલ્લભભાઇ ફળદુએ ફરીયાદ નોંધાવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ બનાવમાં કોઇ નજરે જોનાર સાહેદ ન હોય પોલીસે લુંટના સોનાના દાગીના અને મોબાઇલ જે જગ્યાએ વેચેલ તેના બીલના આધારે આરોપી નવનીત હરસોડાની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરીને કોર્ટમાં ચાજશીટ રજુ કર્યુ હતું.

બનાવની વિગત મુજબ તા. ૧ર૮/૧૩ના રોજ મરનારનો પતિ વિદેશ ગયેલ હોય તેમજ તેણીનો પુત્ર ગુજરાતની બહાર અભ્યાસ કરવા ગયેલ હોય. મરનાર રીનાબેન ઘરે એકલા હોય તેની જાણકારી આરોપીને હોય પાણી પીવાના બહાને ઘરમાં ગયેલ . રીનાબેન પાણી ભરવા ઘરની અંદર જતાં આરોપી નવનીત રતિલાલ હરસોડાએ પોતાની પાસે રહેલ છરીના પ થી ૬ ઘા મારીને રીનાબેનની હત્યા કરી હતી અને હત્યા બાદ ત્રણ મોબાઇલ રૂ. ૪પ૦૦ રોકડા સોનાનો ચેઇન, વીંટી વિગેરેની લુંટ ચલાવી હતી.

આ બનાવ અંગે પોલીસે લૂંટ અને હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યો હતો. આ કેસ ચાલતા દરમ્યાન આરોપી જામીન પર છૂટી શકયો નહતો.

ફરીયાદ પક્ષે આરોપી વિરૂદ્ધનો કેસ પુરવાર કરવા ર૧ સાક્ષીઓને તપાસેલ હતાં તેમજ ૧૪૦થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતાં. આ કેસમાં નજરે જોનાર કોઇ સાક્ષી ન હોય ફરીયાદપક્ષે સાંયોગીક પુરાવા ઉપર આધાર રાખીને કેસ ચલાવ્યો હતો.

આ કેસ ચાલતા સરકારપક્ષે એ.પી.પી. પરાગ એન. શાહે રજૂઆત કરેલ કે, આરોપીએ સોનાના દાગીનાઓ અને મોબાઇલની લૂંટ કરીને જે જગ્યાએ વેચેલા તેનું પોલીસે બીલ મેળવેલ. તેમાં મોબાઇલ નંબર હોય. આઇ.એમ.ઇ.આ. હેઠળ તેમાં ફરીયાદીના નંબર નીકળતા પોલીસે તેના આધારે આરોપીની ધરપકડ કરી સમગ્ર કેસને સાંયોગીક પુરાવા ઉપર પુરવાર કરવા રજૂઆત કરી હતી, જેને મુદામાલની રીકવરના પંચોનું સમર્થન મળતાં ફરીયાદ પક્ષે એ.પી.પી. પરાગભાઇ શાહ તથા મૂળ ફરીયાદીના એડવોકેટ કમલેશ એન. શાહે સાંયોગિક પુરાવાની કડીઓ પુરવાર કરી હતી.

આ કેસ ચાલી જતા સેસન્સ કોર્ટે આરોપી નવનીત રતિલાલ હરસોડાને ખૂનના ગુનામાં કલમ ૩૦ર હેઠળ આજીવન કેદ અને એક લાખનો દંડ ન ભરે તો વધુ ર૪ માસની સજા તેમજ કલમ ૩૯૭ લૂંટના ગુનામાં સાત વર્ષની સજા અને કલમ ગેરકાયદે ગૃહપ્રવેશની કલમ ૪પ૧ હેઠળ બે વર્ષની સજા અને જી.પી. એકટ હેઠળ એક માસની સજા ફટકારી હતી. દંડની રકમ મૃતકના પતિ અને બાળકોને ચૂકવવા હુકમ કર્યો હતો. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી શ્રી પરાગભાઇ એન. શાહ રોકાયા હતાં. જયારે મૂળ ફરીયાદી વતી એડવોકેટ કમલેશભાઇ શાહ, જીજ્ઞેશ શાહ, સુરેશ દોશી, ભરત સંઘવી, ધવલ પડીયા, જીગર સંઘવી રોકાયા હતાં.

(3:30 pm IST)