Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સદરમાં આવેલ ''ફાતીમા મંઝીલ''ના ભાડુતોને ભાડાવાળી જગ્યા મકાન માલીકને સોંપવા આદેશ

રાજકોટ તા ૧૯  :  વૈકલ્પિક મકાન હોવા છતૉ ભાડુઆત ભાડાવાળી જગ્યા ખાલી કરતા ના હોય મકાન માલિકને ખાલી કબજો સોંપી આપવાનો હુકમ એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટ રાજકોટે ફરમાવેલ હતો.

આ કેસની હકીકતે સાલેહભાઇ મહંમદઅલી રે. ''ફાતેમા મંઝીલ'', નૂતન પ્રેસ રોડ પાસે, સદર બજાર, રાજકોટવાળા પાસેથી ધરમશીભાઇ ગોકળભાઇ સંચાણીયા દ્વારા ગ્રાઉન્ડ ફલોર ઉપર એક રૂમ માસિક રૂા ૨૦૦.૦૦ ના ભાડાથી રહેણાંક માટે તથા અગાઉના મકાન માલિક પાસેથી રૂા ૨૦૦/- ના ભાડાથી એક રૂમ તથા લાકડાની કેબીન ભાડે રાખેલ હતી. ધરમશીભાઇએ છ રૂમ, કીચન,સ્ટોર રૂમ, ટોઇલેટ, બાથરૂમ વગેરેની સગવડતાવાળુ પંચવટી આવાસ યોજના, મ્યુનીસીપલ કર્મચારી વસાહત, રાજકોટ મુકામે ખરીદ કરેલ. આમ છતાં ભાડાવાળી મિલ્કતો ખાલી કરતા ના હોય સાલેહભાઇ મહંમદઅલી દ્વારા ધરમશીભાઇ ગોકળભાઇ સંૅચાણીયા સામે સ્મોલકોઝ કોર્ટ, રાજકોટમાં ભાડાવાળી મિલ્કતોનાં ખાલી કબજો મેળવવા માટે દાવાઓ કરવામાં આવેલા.

સ્મોલકોઝ કોર્ટ દ્વારા ખાલી કરવાનું હુકમનામુ  ફરમાવવામાં આવેલ, જેના ઉપર ધરમશીભાઇ ગોકળભાઇ સંચાણીયા દ્વારા રાજકોટના ડીસ્ટ્રીકટ જજ સાહેબ સમક્ષ બે અપીલો દાખલ કરવામાં આવેલી, ચાલુ અપીલે ધરમશીભાઇ ગોકળભાઇ સંચાણીયાનું અવસાન થતાં તેમનાં દીકરાઓ ભીખુભાઇ ધરમશીભાઇ સંચાણીયા તથા રમેશભાઇ ધરમશીભાઇ સંચાણીયા વારસો તરીકે જોડાયેલા. બંને પક્ષકારો દ્વારા રજુઆતો તથા કાનુની આધારો ધ્યાને લઇ રાજકોટના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજશ્રી ડી.ડી. ઠાક્કર દ્વારા અપીલ ડીસમીસ કરવાનો હુકમ ફરમાવી સ્મોલકોઝ કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવેલ અને ભાડુઆતને ભાડાવાળી મિલ્કતનો શાંત, ખાલી અને પ્રત્યક્ષ કબજો મકાનમાલિકને સોંપી આપવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ અપીલનાં કામે મકાનમાલિક સાલેહભાઇ મહંમદઅલી તરફે એડવોકેટ ઋષિકેશ એ. શુકલ દ્વારા રજુઆત કરવામાં આવેલ હતી.

(3:28 pm IST)