Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ વિરૂદ્ધની બેહુદા આક્ષેપોવાળી પત્રીકાનું વેચાણ કરવાના કેસમાં કોંગી અગ્રણી પૃથ્વીસિંહ જાડેજાનો છુટકારો

સને ર૦૦૧ ની સાલમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને બદનામ કરતા આક્ષેપોવાળી હજારો પત્રિકાઓનું રાજકોટમાં વેચાણ કર્યું હતું: ફરીયાદ પક્ષના અધિકારી કોર્ટ મુદતે હાજર રહતા ન હોય કેસ ડીસમીસ કરી પૃથ્વીસિંહને છોડી મુકાયા

રાજકોટ તા. ૧૯ :.. સને ર૦૦૧ ની  સાલમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની સમાજમાં માનહાની થાય તે રીતે તેઓની વિરૂધ્ધ પત્રીકાઓ વર્તમાન પત્રોના ફેરીયાઓ મારફત હજારો નકલોમાં બદનામી કરતી પત્રીકાઓનું વિતરણ કરવા અંગે પકડાયેલ. તે વખતના કોંગ્રેસ અગ્રણી પૃથ્વીસિંહ નટવરસિંહ જાડેજા સામેનો કેસ ચાલી જતાં જયુ. મેજી.  એમ. વી. ચૌહાણ ફરીયાદ પક્ષના જવાબદાર અધિકારી કોર્ટ મુદતે કેસ કાર્યવાહી દરમ્યાન હાજર રહેતા ન હોય પૃથ્વીસિંહ જાડેજા સામેનો કેસ ડીસમીસ કરીને તેઓને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સને ર૦૦૧ ની સાલમાં તાત્કાલીક મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલની ગુજરાતમાં સરકાર હતી. ત્યારે તેઓના વિરૂધ્ધ બેહુદા લખાણવાળી પત્રીકાઓનું રાજકોટમાં મોટાપાયે વેચાણ કરવામાં આવ્યું હતું.

આ બનાવ અંગે તે સમયના ગુન્હા શોધક શાખાના પીઆઇ શ્રી સી. એસ. બરંડાએ જાતે ફરીયાદી બનીને અહીંના વિરાણી ચોક પાસે રામકૃષ્ણનગરમાં રહેતા પૃથ્વીસિંહ એન. જાડેજાની વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ દરમ્યાન તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની સમાજમાં બહનામી માનહાની થાય તેવા બેહુદા લખાણવાળી પત્રીકાઓ હજારોની સંખ્યામાં છપાવી વર્તમાન પત્રોના ફેરીયાઓ મારફત રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરાવી હતી.

આ અંગે તે સમયના સામાજીક તથા કોંગી કાર્યકર તરીકેની ઓળખ ધરાવતા પૃથ્વીસિંહ જાડેજાની અટકાયત કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાયા હતું.

આ કેસ ચાલવાં દરમ્યાન ફરીયાદી પક્ષના જવાબદાર અધિકારી કોર્ટ મુદતે દરમ્યાન હાજર થતા ન હોય એડી. ચીફ. જયુ. મેજી. શ્રી એમ. વી. ચૌહાણે આરોપી પૃથ્વીસિંહ જાડેજા સામેનો કેસ ડીસમીસ કરીને તેઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

(1:11 pm IST)