Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જુની ખડપીઠ ચોકમાં એકટીવા ચાલકે વન-વેમાંથી ધરાર નીકળવા ટ્રાફિક વોર્ડન સામે ધમાલ મચાવી

વોર્ડન વિમલ સોઢાને ગાળો દઇ કાંઠલો પકડી મારી મારી તું કેમ નોકરી કરે છે એ જોઇ લઇશ...તેવું કહી ધમકી આપીઃ સાથેના પોલીસ કોન્સ્ટેબલ ઇમરાન ચુડાસમાએ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૯: લાખાજીરાજ રોડ પર જુની ખડપીઠ પાસે એકટીવા ચાલક લક્ષ્મીવાડીના શખ્સે વન-વે હોવા છતાં ત્યાંથી ધરાર પોતાનું વાહન હંકારીને નીકળવા મામલે ટ્રાફિક વોર્ડનને ગાળો દઇ મારામારી કરી કાંઠલો પકડી ફરજમાં રૂકાવટ કરતાં ગુનો નોંધાયો છે.

બનાવ અંગે રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતાં અને ટ્રાફિક બ્રાંચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં ઇમરાન રશીદભાઇ ચુડાસમાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે લક્ષ્મીવાડી-૨/૩માં રહેતાં ટુવ્હીલર નં. જીજે૦૩એચજે-૨૪૧૯ના ચાલક જયદેવ પરેશભાઇ ડાભી સામે આઇપીસી ૩૩૨, ૫૦૪, ૧૮૬ મુજબ ગુનો દાખલ કર્યો છે.

કોન્સ. ઇમરાન ચુડાસમાએ ફરિયાદમાં જણાવ્યું છે કે શુક્રવારે સવારે નવથી એક સુધી જુની ખડપીઠ ચોક લાખાજીરાજ ોરડ પર ટ્રાફિક ફરજમાં હતો. સાથે બ્રિગેડ વિમલ સોઢા અને સંજય માલકીયા હતાં. જુની ખડપીઠનો રસ્તો વન-વે હોઇ જેથી બપોરે સાડા બારેક વાગ્યે એક એકટીવા ચાલક નીકળતાં તેને અટકાવી મારી સાથેના ટ્રાફિક બ્રિગેડ વિમલ સોઢાએ તેને પાછા વળી જવા અથવા બીજા રોડ પરથી નીકળી જવા કહેતાં એકટીવા ચાલકે મારે આ રસ્તેથી જ જવું છે, તારાથી થાય તે કરી લે તેમ કહી વન-વેમાં ધરાર આગળ વધી જતાં તેને વોર્ડને રોકયો હતો અને મોબાઇલથી એકટીવા ચાલકનો ફોટો પાડ્યો હતો. આથી તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ઝપાઝપી કરવા માંડ્યો હતો. તેમજ વોર્ડન વિમલને કાંઠલો પકડી મારકુટ કરી ગાળો દઇ તું કેમ નોકરી કરે છે એ હું જોઇ લવ છું તેમ કહી એકટીવા વન-વેમાં હંકારી ભાગવા માંડ્યો હતો. જેથી વિમલે મને બોલાવતાં હું ત્યાં ગયો હતો અને ચાલકનું નામ પુછતાં તેણે જયદેવ પરેશભાઇ ડાભી (રહે. લક્ષ્મીવાડી-૨/૩) કહ્યું હતું. તેણે ટ્રાફિક બ્રિગેડની ફરજમાં રૂકાવટ કરી મારામારી કરી હોઇ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

એ-ડિવીઝનના પીએસઆઇ વી.એમ. ડોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:10 pm IST)