Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રાજકોટના રાજવી પરિવારના દિકરીને સાસરિયાનો ભારે ત્રાસ

સ્વ. પ્રહલાદસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજાના દિકરી મેઘાવીબાની ફરિયાદ પરથી અમદાવાદ રહેતાં પતિ મેઘરાજસિંહ ચુડાસમા, સસરા મનહરસિંહ ચુડાસમા, સાસુ વિનાદેવી અને દિયર અભિરાજસિંહ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૧૯: રાજકોટના રાજવી પરિવારના દિકરીને અમદાવાદમાં પતિ, સાસુ, સસરા અને દિયરે લગ્ન જીવન દરમિયાન અવાર-નવાર નાની નાની વાતે શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરી મારી નાંખવાની ધમકી આપી તેમજ દહેજની માંગળી કરી સ્ત્રીધન ઓળવી જઇ ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકયાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ છે.

પોલીસે હાલ યુનિવર્સિટી રોડ પર ૫૫-નિલસિટી એસ્ટ્રલ પાર્ટ એ- પ્રશિલ પાર્ક સામે ઇન્દ્રભવન ખાતે રહેતાં મેઘાવીબા મેઘરાજસિંહ ચુડાસમા (તે સ્વ. પ્રહલાદસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજાના દિકરી) (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી અમદાવાદ  બોડકદેવ જજીસ બંગલોઝની પાછળ ક્રિષ્ના સોસાયટી પ્રેસ્ટીજ ટાવર સામે બંગલા નં. ૩માં રહેતાં તેમના પતિ મેઘરાજસિંહ મનહરસિંહ ચુડસમા (ઉ.૪૨-ધંધો ગિરાસદાર-ખેતી તથા અન્ય વ્યવસાયો), સસરા મનહરસિંહ મુળરાજસિંહ ચુડાસમા (નિવૃત કર્મચારી, હાલ વેપાર), સાસુ વિનાદેવી મનહરસિંહ ચુડાસમા તથા દિયર અભરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, દહેજધારાની કલમ-૩, ૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

મેઘાવીબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન મેઘરાજસિંહ સાથે ૨૦૦૮માં રાજકોટ કાઠીયાવાડ જીમખાના સાથે હિન્દુ શાસ્ત્રોકત વિધીથી થયા છે. લગ્ન જીવન દરમિયાન એક પુત્રી આહનાબાનો જન્મ થયો છે જે ૧૧ વર્ષના છે. અમો રાજકોટના રાજા સ્વ. પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજ જાડેજાના પુત્ર સ્વ. પ્રહલાદસિંહજીના પુત્રી છીએ અને રાજવી કુટુંબના સભ્ય છીએ. તેમજ માન મર્યાદાથી રહેવા ટેવાયેલા છીએ, જેનો આરોપીઓએ ગેરફાયદો ઉઠાવ્યો છે. લગ્ન બાદ અમદાવાદ સંયુકત કુટુંબમાં રહતેાં હતાં. પતિ ગિરાસદાર કુટુંબના સભ્ય છે. મુળ વાગડ તા. ધંધુકાના છે અને ત્યાં ૧૫ એકર જમીન તથા ફાર્મ હાઉસ અને રહેણાંક પણ છે. હાલ અમદાવાદ મુકામે એમ્રાલ્ડ હોન્ડામાં સર્વિસ કરે છે. તેમના પિતાજી મનહરસિંહ બેંકના ચિફ ઓફિસર તરીકે નિવૃત થયેલા છે અને હાલ રિયલ એસ્ટેટનું કામ કરે છે.

મેઘાવીબાએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે લગ્નના દસ જ દિવસ બાદ અમને ખબર પડી હતી કે આરોપી નં. ૧ પતિ ચેઇન સ્મોકર છે અને ખુબ જ દારૂ પીવાની ટેવ ધરાવે છે તેમજ પાર્ટીઓ કરવાની ટેવવાળા છે. પણ લગ્નના થોડા જ દિવસ થયા હોઇ અમે શાંતિથી તેમને સમજવાની શરૂઆત કરી હતી. પણ તે અમારી વાત સાંભળતા નહિ. દારૂ છોડવાને બદલે દિવસે ને દિવસે વ્યસન વધતુ ગયું હતું. આ કારણે તેનો સ્વભાવ ઉગ્ર અને તામશી થઇ ગયો હતો. નાની-નાની વાતે  ગુસ્સે થઇ મારામારી ગાળાગાળી કરવા લાગતાં હતાં. રિલાયન્સમાંથી મળતો સાઇઠ સિત્તેર હજારનો પગાર તેઓ દારૂ અને સિગારેટમાં વાપરી નાંખતા હતાં. મને એક રૂપિયો પણ આપતા નહિ. આવુ બે મહિના સુધી ચાલ્યું હતું. પછી અમે સસરા મનહરસિંહને વાત કરી હતી. તો તેમણે મારા પતિને સમજાવવાને બદલે અમને તતડાવી નાંખી તમારો ખર્ચ તમારે જાતે કમાવી લેવો જોઇએ, પૈસા અમારી પાસે માંગવાના નહિ તેમ કહી તોછુ વર્તન કર્યુ હતું. આ જ રીતે સાસુએ પણ તેના દિકરાનું ઉપરાણું લીધું હતું.

દિયર અભરાજસિંહની ઉમર ૩૧ વર્ષ છે અને તે અપરિણીત છે. તેમને પણ વારસાઇમાં મોટી ખેતીવાડી મળ્યા છે. આર્થિક રીતે સધ્ધર છે. પરંતુ તેઓ ડ્રગ એડિકટ થઇ ગયા છે. અગાઉ તેઓ દુબઇમાં કામ કરતાં હતાં. એ પછી મુંબઇમાં કુરીયરનું અને ગીરગાયની ડેરીનો વ્યવસાય કર્યો હતો. અમદાવાદ અને વાગડમાં તે આવ જા કરે છે. તે વાત વાતમાં ખૂનની ધમકી આપી તુકારા દઇ બદનામ કરી નાંખવાની ધમકી આપતાં હતાં.

લગ્નના દસ જ દિવસ બાદ ઘરનું બધુ કામ અમારા ઉપર નાંખી દેવામાં આવ્યું હતું. સાસુ વાત વાતમાં છુટાછેડા આપીને જતાં રહેવાનું કહેતાં હતાં. તેમજ તું જાજુ બોલીશ તો મારા છોકરાઓ તને પતાવી નાંખશે તેવી ધમકી આપતા હતાં. આખો દિવસ મારી પાસે ઘરકામ કરાવવામાં આવતું હતું. મને જાતે પૈસા કમાવવા કહેવાતાં મારે આર્ટ ટીચર તરીકે નોકરી કરવી પડી હતી. પણ નોકરી લાંબો સમય કરી શકયા નહોતાં. નોકરી કરવાની છુટ આપી પણ તે માટે સમય ન આપતાં!...આ કારણે વિકટ પરિસ્થિતિમાં નોકરી છોડવા મજબૂર થવું પડ્યું હતું.

લગ્ન પહેલા એવું નક્કી થયું હતું કે લગ્ન બાદ અમદાવાદમાં અમોને આગળ અભ્યાસ કરવા દેવાશે. પરંતુ એવુ થયું નહોતું. પતિ અમોને એક રૂપિયો પણ ખર્ચ માટે આપતા નહિ. બધુ મુંગે મોઢે સહન કરવું પડ્યું હતું. પતિને રિલાયન્સની નોકરી પછી માસિક સાઇઠ થી સિતેર હજાર પગારની સુરત  બેંકમાં નોકરી મળી હતી. આથી અમને લઇ તેઓ સુરત ગયા હતાં. એ પછી બીજી બેંકમાં નોકરી મળી હતી અને પ્રમોશન મળતાં મુંબઇ ગયા હતાં. પરંતુ મુંબઇમાં દારૂબંધી ન હોઇ પતિને મોકળુ મેદાન મળી ગયું હતું. દારૂના બંધાણમાં તે બેફામ થઇ ગયા હતાં. અંતે અમે અમારા માતુશ્રીને વાત કરતાં તેઓએ મુંબઇ આવ્યા હતાં અને મારા પતિને સમજાવતાં મારા માતુશ્રીને પણ ગાળો દીધી હતી. મારા પતિની દારૂની લતનો વિડીયો બનાવી મેં મારા સસરાને મોકલ્યો હતો અને તેને સમજાવવા માટે કહ્યું હતું. પરંતુ તેઓએ કંઇ પગલા લીધા નહોતાં.

એક વખત તો પતિ દારૂના નશામાં હોઇ ટ્રક સાથે અકસ્માત થયો હતો. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નહોતી. આ ઉપરાંત ફરિયાદમાં જણાવાયું છે કે અમો ક્ષત્રિય ગરાસીયા જ્ઞાતિના છીએ અને લગ્ન વખતે દિકરીને લાખોનો કર કરિયાવર સોના ચાંદીના દાગીના ફર્નિચર હીરા જવેરાત સહિત આપવાનો રિવાજ છે. રાજવી મનોહરસિંહ જાડેજા (દાદા) મારા મોટા બાપુ થાય છે. અમને દહેજમાં ખુબ જ કિંમતી વસ્તુઓ આપવામાં આવી હતી. આ બધુ આરોપીઓના અમદાવાદના ઘરે છે. છુટાછેડામાં સહી કરી જાવ તો જ કરિયાવર પાછો આપવો છે તેવી ધમકી અપાય છે. અમે સારા ચિત્રકાર હોઇ અનેક ડ્રોઇંગ-પેઇન્ટીંગ બનાવ્યા છે. આ કિમતી પેઇન્ટીંગ પણ પતિ-સાસરિયાના કબ્જામાં છે. અનહદ ત્રાસને કારણે અમારે બે વર્ષથી રાજકોટ માવતરના ઘરે રહેવા ફરજ પડી છે. અમને કોઇપણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડ્યા વગર કાઢી મુકાયા છે. અમે ફેમિલી કોર્ટમાં સમાધાનના પ્રયાસો કર્યા હતાં. મિડીએશન સેન્ટરમાં પણ સમાધાનના પ્રયાસો કર્યા હતાં. પરંતુ સમાધાન થયું નથી. આરોપીઓ અમારો કરિયાવર  સ્ત્રીધન આપવાની પણ ના પાડે છે. સમાધાનના પ્રયાસમાં સમય પસાર થતાં ફરિયાદ મોડી કરી છે.

અમારી ફરિયાદની વિગતો લક્ષ્યમાં લઇ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા અને સખ્ત નશીયત પહોંચાડવા અમારી ફરિયાદ છે. તેમ એફઆઇઆરમાં  મેઘાવીબાએ જણાવ્યું છે. પીએસઆઇ ચે. જી. ગોહિલે તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)