હત્યાની જુદી-જુદી બે ઘટનામાં આરોપીઓ એક જ નીકળ્યા હતાં. આ સંદેર્ભ પત્રકારોને માહિતી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ આપી હતી. ત્યારે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, પીએસઆઇ બી. ટી. ગોહિલ, મહાવીરસિંહ જાડેજા અને ક્રાઇમ બ્રાંચ તથા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૯: પરમ દિવસે રાત્રે મેટોડાના પાટીયા પાસે રાતૈયાના ખાંટ યુવાન સંજય મનજીભાઇ વાગડીયા (ઉ.૨૪)ની છરીના દસેક ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. એ જ રાતે કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં રહેતાં મુળ યુપીના મુસ્લિમ યુવાન મહેસરઅલી યાકુબઅલી પિંજારા (ઉ.૨૫)ને પણ છરીના ઘા ઝીંકી રહેંસી નંખાયો હતો. એક ગુનો રાજકોટ પોલીસ કમિશ્નરેટ હેઠળના તાલુકા પોલીસની હદમાં અને બીજો ગુનો જીલ્લા પોલીસના લોધીકા પોલીસ મથકની હદમાંંં નોંધાયો હતો. દોઢ કલાકના અંતરે બનેલી હત્યાની આ અલગ-અલગ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને લોધીકા પોલીસે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારૂ કનેકશન નીકળ્યું હતું. બંને હત્યામાં આરોપીઓ એક જ હોવાનું ખુલ્યું છે. સાગર બગથરીયાની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કિશન વાંઝાને લોધીકાના મહિલા પીએસઆઇ ગઢવીએ ઝડપી લીધાનું જાણવા મળે છે.
કિશનની પ્રેમિકા સામે મંડપ સર્વિસવાળો સંજય ખાંટ જોતો હોવાથી તેણે ખાર રાખી મિત્ર સાગર સાથે મળી સંજયને ઢાળી દીધો હતો. એ પછી સાગરને બરકતીનગરના મહેસરઅલી સાથે વાંધો ચાલતો હોઇ તેણે મિત્ર મવડીના કિશન વાંઝા સાથે મળી મહેસરઅલીનો કાંટો કાઢી નાંખ્યો હતો. આમ અગાઉ નાના-નાના ગુના આચરનારા આ બંને મિત્રોએ બબ્બે હત્યાના ગુનામાં સાથ નિભાવ્યો હોવાનું ખુલ્યું છે.
હત્યાનો ભોગ બનેલા સંજય ખાંટની તો હજુ ગયા મંગળવારે જ ગોમટાની યુવતિ સાથે સગાઇ થઇ હતી. બુધવારની રાતે તે મેટોડામાં આવેલી પોતાની મંડપ સર્વિસની દૂકાન વધાવીને રાતૈયા જવા નીકળ્યો ત્યારે મેટોડાના પાટીયે જ તેને આંતરીને છરીના દસેક ઘા ઝીંકી દેવાયા હતાં. બીજી તરફ એ જ રાતે બરકતીનગરમાં રિક્ષાચાલક મહેસરઅલી પિંજારાને પણ તેના ઘર નજીક છરીના આઠેક ઘા ઝીંકી દેવાયા હતાં અને તેણે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
આ બંને અલગ-અલગ બનાવમાં લોધીકા પોલીસ તથા તાલુકા પોલીસે હત્યાના ગુના દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. જુદી-જુદી ટીમો પોતપોતાની રીતે બાતમીદારો મારફત દોડધામ કરી રહી હતી ત્યાં જ પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાની ટીમને ચોક્ક વિગો મળી હતી કે મવડીનો કિશન વાંઝા અને ગોંડલ તરફનો તેનો મિત્ર સાગર બગથરીયા હત્યા કરીને ભાગ્યા છે. આ બંનેને શોધી કાઢી વિશીષ્ટ ઢબે પુછતાછ શરૂ કરવામાં આવતાં કોઠારીયા સોલવન્ટની હત્યા ઉપરાંત મેટોડાની હત્યાનો ભેદ પણ ખુલ્યો હતો. બંને હત્યા આ બંને મિત્રોએ સાથે મળીને કર્યાનું ખુલતાં પોલીસ અધિકારીઓ પણ ચોંધી ગયા હતાં.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે રાતૈયાનો સંજય ખાંટ જ્યાં મંડપ સર્વિસ ચલાવે છે તેની બાજુમાં જ કિશન વાંજાની ગર્લફ્રેન્ડ શોભનાને કરિયાણાની દૂકાન છે. શોભનાએ કિશન સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે સંજય તેની સામે જોયા કરે છે. આથી કિશન ઉશ્કેરાયો હતો. બીજી તરફ મિત્ર સાગર બગથરીયાની સાસુને અગાઉ મહેસરઅલી માંડાડુંગર તરફ લઇ ગયો હોઇ તે બાબતે સાગરને તેની સાથે મનદુઃખ હતું. બુધવારે રાતે કિશન અને સાગરે દારૂ ઢીંચ્યો હતો અને બાદમાં કિશને સંજય ખાંટનો કાટો કાઢી નાંખવો છે તેમ કહેતાં સાગર તેની સાથે જોડાયો હતો. બંને મિત્રોએ સંજયની દૂકાન સામે છુપાઇને વોચ રાખી હતી. એ પછી સંજય એકટીવા લઇને નીકળતાં તેને મેટોડા પાસે આંતરી છરીના ઘા ઝીંકી દીધા હતાં.
ત્યારબાદ સાગરે પણ પોતાના દૂશ્મન મહેસરઅલીને ઢાળી દેવાની ઇચ્છા દર્શાવતા મિત્ર કિશને તેને શોધવા જઇએ તેમ કહેતાં બંને મિત્રો કોઠારીયા સોલવન્ટ તરફ પહોંચ્યા હતાં. ત્યાં મહેસરઅલી બંનેને જોઇ જતાં ભાગ્યો હતો. પણ બંનેએ પીછો કરી તેને દબોચી લીધો હતો અને છરીના આઠેક ઘા ઝીંકી દીધા હતાં. આમ બે મિત્રોએ પોત પોતાના દૂશ્મનોને વારાફરતી ઢાળી દીધા હતાં અને બબ્બે હત્યાના ભાગીદાર બની ગયા હતાં.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવેલ કે શહેરમાં લોહીયાળ હત્યાનો બનાવ બનતાની સાથે જ પોલીસ સ્ટેશન અને બ્રાંચને ડિટેકશન માટે કામે લગાવી દીધી હતી. જુદી-જુદી ટીમોના સંકલનથી ગણત્રીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાની ટૂકડીને બાતમી મળતાં ગોંડલ રોડ ચોકડીથી આગળ ક્રિષ્ના પાર્ક હોટેલ પાસેથી સાગર પ્રવિણભાઇ બગથરીયા (ઉ.૪૦-રહે. ચામુંડા સોસાયટી-૧, ખોડિયાર નગર, ખાડીયા હનુમાનજી મંદિર પાસે ૧૫૦ રીંગ રોડ પુનિતનગર ટાંકા સામે)ને ઝડપી લીધો હતો.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સ્ધ્ધિાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરી હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના મુજબ પીએસાઇ મહાવીરસિંહ જાડેજા, બી.ટી. ગોહિલ, ડી. પી. ઉનડકટ, એમ. કે. રબારી, એએસઆઇ જયદિપસિંહ રાણા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, ચેતનસિ઼હ ચુડાસમા, યોગેન્દ્રસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ચુડાસમા, યોગીરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ પરમાર, સોકતખાન ખોરમ, તાલુકાના પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ જી.એસ. ગઢવી, હર્ષદસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પદુભા રાણા સહિતની ટીમે આ ગુનો ઉકેલ્યો હતો. (૧૪.૭)
અમે વાળંદ છીએ, સજીયા હલાવીએ તો છરી પણ હલાવી શકીએ...સાગર મેટોડામાં સંજય ખાંટને છરીના ઘા ઝીંકતા બબડ્યો ને પોલીસને બાતમી મળી
પરમ દિવસે રાત્રે દોઢ કલાકના અંતરે મેટોડા અને રાજકોટના કોઠારીયા સોલવન્ટ નજીક થયેલી જુદી-જુદી હત્યાની ઘટનામાં આરોપીઓએ એક જ નીકળ્યા છે. આ બનાવનો ભેદ કઇ રીતે ઉકેલાયો? તે જાણવું રસપ્રદ છે. મેટોડામાં પોતાની સ્ત્રીમિત્ર સાથે આંખમિંચોલી ખેલતા હોવાની મળેલી ફરિયાદથી ઝનૂને ભરાયેલો સાગર સંજય ખાંટ પર હુમલો કરતાં સમયે 'અમે વાળંદ છીએ, સજીયા હલાવીએ તો છરી પણ હલાવી શકીએ' તેવું બબડતો હોવાનું ઘટના સ્થળ આસપાસ કોઇએ સાંભળ્યું હતું. પોલીસની છાનબીનમાં આ માહિતી પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાને મળતાં વાળંદ ગુનેગાર કોણ હોઇ શકે? તે તરફે તપાસ આદરી હતી. જે સાગર બગથરીયા સુધી પહોંચી હતી. (૧૪.૭)
સાગર બગથરીયા વિરૂધ્ધ અગાઉ મારાારી, ચોરી સહિતના છ ગુના
. હત્યામાં ઝડપાયેલા સાગર બગથરીયા (વાળંદ) સામે અગાઉ મારામારી, મિલ્કતને નુકસાન કરવું, ચોરી, સહિતના પાંચ ગુના તાલુકા, ભકિતનગર, માલવીયાનગર અને આજીડેમ પોલીસમાં નોંધાયા છે. તેની પાસેથી હત્યામાં વપરાયેલુ હોન્ડા જીજે૩બીજી-૦૪૩૬ તથા બે મોબાઇલ ફોન કબ્જે લેવાયા છે.