Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વિદેશમાં મોલ અને હોટેલોમાં નોકરીની લાલચે પોણા બસ્સો લોકોને છેતર્યાઃ બહુનામધારી ભેજાબાજ ઝડપાયો

અમેરિકા, કેનેડા, ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વર્ક પરમિટ મળતી ન હોવા છતાં ગઠીયો આ દેશના નામો જાહેર ખબરોમાં લખતોઃ જેથી વિદેશ જવા ઇચ્છુકો સહેલાઇથી ઝાળમાં આવી જતાં : વિક્રમ ઉર્ફ રાહુલ ઉર્ફ રોહિત ટેલર (ઉ.૩૭)ને પીએસઆઇ બી.ટી. ગોહિલ અને ટીમે પકડતાં જબરૂ કોૈભાંડ ખુલ્યું: રાજકોટના સુધીર ચોૈધરીનું એટીએમ, પાનકાર્ડ, આધારકાર્ડ મંગાવી પીન નંબર પણ મેળવી લઇ પોતે સુધીર ચોૈધરી બની ગયો!: વડોદરાની એડ એજન્સી મારફત જાહેરાત આપી સુધીરના ખાતામાં માત્ર અઢી મહિનામાં ૬.૪૦ લાખ મેળવી લઇ ઉપાડી લીધાઃ આ ઢબે ૨૦૦ થી ૩૦૦ સીમ કાર્ડ કઢાવી પોતાની ઓળખ છુપાવી છેતરપીંડી કરીઃ ૩૫ લાખ કમાયાની કેફીયતઃ આંકડો મોટો હોવાની પોલીસને શંકા

રાજકોટ તા. ૧૯: શહેરના ગોંડલ રોડ પર એકયુટીક મેટલ નામના કારખાનામાં કામ કરતાં મુળ બિહારના સુધીર રામપ્રતાપ ચોૈધરી (ઉ.૨૩)ને વિદેશમાં ઉંચા પગારે મોલ અને હોટેલમાં નોકરી અપાવી દેવાની  લાલચ આપી રોકડા ર૧હજારની થયેલી છેતરપીંડીની તપાસમાં આગળ વધેલી રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે. બહુનામધારી વિક્રમ ઉર્ફ રાહુલ ઉર્ફ રોહિત અજીતકુમાર ટેલર (ઉ.૩૭-રહે. અમદાવાદ)ને ઝડપી લીધો છે. આ ભેજાબાજે ૧૮૦ જેટલા લોકો સાથે છેતરપીંડી કરી આશરે ૩૫ લાખ ગપચાવી લીધાની કબુલાત કરી છે. જો કે આ આંકડો મોટો હોવાની પોલીસને શંકા છે.

આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે સુધિર ચોૈધરી નામના સામાન્ય માણસને વિદેશમાં મોલ અને હોટેલમાં બે થી અઢી લાખના પગારે નોકરી અપાવી દેવાની લાલચમાં ન્યુઝ પેપરની જાહેરાત મારફત ફસાવ્યો હતો. સુધીર અત્યંત સરળ માણસ છે. તેણે બહુનામધારી ગઠીયાના કહેવા મુજબ પોતાનું એટીએમ કાર્ડ, પીન નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો પણ મેળવી લીધા હતાં. આ દસ્તવેજો મેળવતી વખતે તેણે ત્રણ મહિનામાં ૭ લાખ જમા કરાવવા પડશે તેવું કારણ આપ્યું હતું. પાછળથી આ દસ્તાવેજનો ઉપયોગ કરી સુધીરના નામનું સીમ કાર્ડ મેળવી લીધું હતું. એ પછી વડોદરાના અખબારમાં જાહેરાત આપી કોન્ટેકટ નંબર આપ્યા હતાં. વિદેશ જવા ઇચ્છુક લોકો તેને ફોન કરતાં ત્યારે પોતે સુધીર ચોૈધરી હોવાની ઓળખ આપતો હતો અને જે રીતે સુધીર પાસેથી પ્રોસેસ ફીના નાણા મંગાવ્યા એ રીતે બીજા પાસેથી નાણા સુધીરના જ ખાતામાં જમા કરાવી એટીએમથી ઉપાડી લેતો હતો અથવા તો મોબાઇલથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો હતો.

આવી રીતે ૨૦૦ થી ૩૦૦ અલગ અલગ સીમકાર્ડ મેળવ્યા હતાં. જેને લઇને પોતાની ઓળખ સરળતાથી થઇ શકે નહિ.  પરંતુ પીએસઆઇ બી.ટી. ગોહિલ અને ટૂકડીની બાજ નજરમાંથી તે બચી શકયો નહોતો. છેલ્લા અઢી માસ દરમિયાન સુધીર ચોૈધરીના ખાતામાં જ ૬,૪૦,૦૦૦ જેવી રકમ છેતરપીંડીથી મેળવી ખિસ્સામાં સેરવી લીધી હતી. પોલીસે કડક હાથે કામ લેતાં તેણે કેટલાક વર્ષોમાં ૧૮૦ લોકો સાથે આ રીતે ઠગાઇ કરી ૩૫ લાખ જેવી રકમ પોતાના ગજવામાં સેરવી લીધાની કબુલાત આપી છે. જો કે આ આંકડો મોટો હોવાની પોલીસને શંકા છે.

એસબીઆઇ અને બેંક ઓફ બરોડાના જુદા-જુદા એકાઉન્ટની માહિતી મેળવાઇ રહી છે. આ માહિતીને આધારે ભોગ બનનારની યાદી લાંબી થશે તેવું પોલીસ માની રહી છે. પોલીસે વિક્રમ ઉર્ફે રાહુલ ઉર્ફે રોહીતની પૂછપરછ કરતા ર૦૧૪માં વિદેશ મોકલવાના બહાને નોકરી વાચ્છુકને છેતરવાના ગુન્હામાં તાપીના વ્યારા પોલીસ સ્ટેશનમાં ઝડપાયો હતો અને ૧પ દિવસ જેલમાં રહ્યો હતો.  અમેરીકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા જેવા દેશો વર્ક પરમીટ આપતા ન હોય અને જાહેરાતમાં આ ચાર દેશોનો ઉલ્લેખ કરવાથી સારો પ્રતિભાવ મળતો હોવાથી આ દેશના નામ જાહેરાતમાં 'મોલ માટે નોકરી અથવા હોટલમાં અરજન્ટ જોઇએ છે. સેલેરી બે થી અઢી લાખ, સીંગલ વ્યકિત અને કપલ માટે જોઇએ છીએ પ્રોસેસ ટાઇમ ર૦ દિવસ'... તેવી જાહેરાત છપાવતો હતો તેમજ પોતે એમ્બેસીના એજન્ટ  તરીકે ઓળખ આપતો હતો. જેથી નોકરી વાચ્છુઓને પ્રોસેસ ફીના બહાને પૈસા આપવાનો વિશ્વાસ આવી જતો હતો. તેમજ સંપર્ક કરનારને જોબ ઓફર માટે તેઓના ભણતર કરતા વધારે રૂપિયા મેળવવા માટે લાલચ અને સ્કીમ આપતો હતો. અલગ-અલગ જોબમાં પોતાની રીતે ફેરફાર કરી પગાર ધોરણ વધારી દેવાની લાલચ આપતી અમદાવાદની એક એડ એજેન્સી મારફતે નામાંકીત અખબારોમાં જાહેરાત છપાવતો હતો.

જેમાં લોકલ એડ્. એટલે કે એક જીલ્લાના એડ્.ના રૂ. ૪૦૦૦ ચૂકવતો અને ઓલ ગુજરાત એટલે કે વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, ભુજ, ભાવનગરના રૂ. ૧૦,૦૦૦/- ચુકવતો હતો. આ એજન્સીમાં કોઇપણ જાતના આધાર કે પુરાવા આપવા પડતા ન હોવાથી ત્યાં જાહેરાત છપાવતો હતો. પોતે ન્યુઝપેપરમાં અલગ અલગ એજન્સીઓમાં ખોટા નામ આપી  પોતાની ઓરીજીનલ ઓળખ છુપાવતો હતો.  જાહેરાતનું પેમેન્ટ બેંક ઓફ બરોડાના ખાતામાં એડના પૈસા જાહેરાતના આગલા દિવસે નાખતો હતો. બે અખબારમાં ૬ થી ૮ વખત જાહેરાત છપાવી હતી. જે જાહેરાતો દર રવિવાર, બુધવાર, શુક્રવારે આપતો હતો. 

 વિક્રમ ઉર્ફે રોહીત ભોગ બનનાર વ્યકિતઓને અલગ અલગ દેશની હોટલો, મોલ, બીઝનેસ સાઇટો તેમજ વ્યવસાયની જગ્યાઓ ગુગલ સર્ચ કરી બતાવતો જેથી ભોગ બનનાર વ્યકિતઓને તેના પર સરળતાથી વિશ્વાસ આવી જાય. આ ચીટર શખ્સ સુધીર ચૌધરી (રહે. રાજકોટ) એસ.બી.આઇ. બેંકનું એટીએમ કાર્ડ મેળવી લીધું હતું.

જેમાં આશરે બે મહીનાથી પૈસાનું ટ્રાન્ઝેકશન કયુંર્ હતું જયારે પીયુષ પટેલ(રહે. સુરત) નુ એસ.બી.આઇ. બેંકનું એ.ટી.એમ.કાર્ડ મેળવેલ જે આશરે દોઢ-બે મહીના પહેલા વાપરેલ જેમાં આશરે બે લાખ જેટલું ટ્રાન્ઝેકશન કર્યું હતું. તેમજ દીપક (રહે. ભુજ) નું કેનેરા બેંકનું એ.ટી.માં કાર્ડ મેળવી લીધું હતું બાદ ભાવીન પટેલનું બેંક ઓફ બરોડા બેંકનું એ.ટી.એમ. કાર્ડ યોગેશ રાઠોડ (રહે. ગામ મહુવા જી.ભાવનગર) બેંક ઓફ બરોડા બેંકનું એ.ટી.એમ.કાર્ટ જશવીંદસિંઘ (રહે. જાલંધર - પંજાબ) પંજાબ બેંકનું એ.ટી.એમ. યોગેન્દ્ર પટેલ (રહે. વાપી જી.વ્યારા) બેંક ઓફ ઇન્ડીયા બેંકનું એ.ટી.એમ. કાર્ડ તથા રીતેષ પટેલ (રહે. (જામનગર) નું એકસીસ બેંકનું એ.ટી.એમ. કાર્ડ મેળવી લીધું હતું. આ શખ્સે નોકરી માટે તરવરતા આશરે ર૦૦ જેટલા વ્યકિતઓ પાસેથી અલગ અલગ પેમેન્ટ મેળવી ચીટીંગ્ કર્યુ હતું. અત્યાર સુધી ચીટીંગ દ્વારા ૧૭ થી ર૦ લાખ રૂપિયા મેળવેલ છે. ગુજરાત મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન રાજયમાંથી  છેતરપીંડી કરેલ છે.

આ શખ્સ અગાઉ ર૦૧૪ની સાલમાં છેતરપીંડીના ગુન્હામાં પકડાયા બાદથી છેતરપીંડી કરવા સારૃં એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતો ન હતો. તેમજ ત્યારબાદથી અલગ અલગ જગ્યાએથી ચોરાઉ તેમજ ગુજરી બજારમાંથી સાદા અને સસ્તા મોબાઇલ ફોન ખરીદ કરી તેનો ઉપયોગ છેતરપીંડી માટે કરતો હતો. આ બનાવમાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. ટી. ગોહીલ, હેડ કોન્સ. પ્રદિપસિંહ જાડેજા, અમીનભાઇ ભલુર, વિક્રમભાઇ લોથીલ, કુલદીપસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ અને હિરેન્દ્રસિંહ પરમાર સહિતે આ કામગીરી કરી હતી.

(3:42 pm IST)