Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મૃતક ડ્રાઇવર અને તેના માલીક સામે વિમાની રકમ મેળવવા થયેલ ફરિયાદ રદ

રાજકોટ ગ્રાહક તકરાર પંચે આપેલ મહત્વનો ચુકાદો

રાજકોટ, તા.૧૯: અત્રે ગુજરનાર ટ્રક ડ્રાઇવર અને માલીક જીતેષભાઇ મોહનભાઇ મકવાણા રાજકોટનો પર્સનલ એકસીડન્ડની વળતરની રકમ મેળવવાની ફરીયાદ રદ કરતો ગ્રાહક તકરાર નિવારણ પંચ રાજકોટે મહત્વનો હુકમ આપેલ હતો.

ફરીયાદની વિગત મુજબ ગુજરનાર જીતેષભાઇ મોહનભાઇ મકવાણા, તા.૭/૫/૧૬ના રોજ પોતાનો ટ્રક નં. જી.જે ૩ યુ. ૫૯૧૪ લઇને સાયલા તાલુકાના પોલીસ સ્ટેશનની હદમાં આપ્પા ગામના બોર્ડ પાસે પોતાની ટ્રક ઉભી રાખી સુપ્રિમ હોટલમાં ચા નાસ્તો કરી પાછા જતા હતા ત્યારે એક ઇનોવાકારે તેઓને હડફેટે લેતા, તેઓનું અકસ્માતમાં મૃત્યુ થયેલું. ગુજરનારના વારસોએ ગાહક સુરક્ષા પંચ રાજકોટ સમક્ષ પર્સનલ એકસીડેન્ટની કુલ રકમ રૂ. ૨,૦૦,૦૦૦/- મેળવવા શ્રી રામ જનરલ ઇન્સ્યુરન્સ કાુ. જયપુર સામે ગ્રાહક તકરાર નિવારપ પંચ, રાજકોટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલી.

ઉપરોકત ફરીયાદ ચાલી જતા ગાહક તકરાર નિવારણ પંચ સમક્ષ શ્રી રામ જનરલ ઇન્સ્યુ. કાુ. લી વતી વિમા કંપનીના એડવોકેટ શ્રી પી.આર. દેસાઇએ દલીલ કરેલી કે, ગુજરનાર જીતેશભાઇ મોહનભાઇ મકવાણાનો અકસ્માત થયેલ છે અને ''પી .એ. ટું ડ્રાઇવર કમ ઓર્નર''નું રાું. ૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પુરાનું) રીસ્ક કવર થાય છે તે બાબતે તકરાર નથી પરંતુ વિમા પોલીસીની ટમ્સ એન્ડ કન્ડીસન્સ મુજબ ગુજરનારનું વાહનમાં ચડતી વખતે કે ઉતરતી વખતે એટલે કે માઉન્ટીગ અને ડીસમાઉન્ટીગના કિસ્સામાં અકસ્માત થાય અથવા ગુજરનાર વાહનમાં બેઠા હોય ત્યારે અકસ્માત થાય, તો તે જ પ્રકારનું રીસ્ક જ, પોલીસીમાં કવર થાય છે.

હાલના કિસ્સામાં ગુજરનાર જીતેશભાઇ મોહનભાઇ મકવાણાને તા. ૭/૫/૧૬નો અકસ્માત કવર થતો નથી, આથી પ્રર્થમદર્શનીય રીતે ગુજરનારનો કેસ પોલીસીની ટમ્સ એન્ડ કન્ડીસન્સ નીચે કવર થતો ન હોય ફરીયાદીની ફરીયાદ રદ કરવાનો હુકમ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ પંચ (એડીશ્નલ) રાજકોટે કરેલ છે.

આ કામમાં શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ કાુ. લી. તરફે સીનીયર એડવોકેટ શ્રી પી.આર.દેસાઇ રોકાયેલ હતા.

(3:32 pm IST)