Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રૂખડીયાપરાની સગર્ભા રેહાનાને નુરાનીપરામાં પતિ-સાસુએ ધોકાવી ફિનાઇલ પીવડાવી દીધી

રેહાનાએ ચાર માસ પહેલા જ અમિત બેલીમ સાથે લવમેરેજ કર્યા છેઃ હવે તે કામે જતો નથી અને મુકીને માતા ભેગો જતો રહ્યો છેઃ ઘરનું ભાડુ માંગવા જતાં ડખ્ખોઃ ગર્ભપાત કરાવી નાંખવા પણ પતિ અને સાસુએ ધમકી દીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૯: રૂખડીયાપરામાં રહેતી રેહાના અમિત બેલીમ (ઉ.૧૯) નામની સિપાહી સગર્ભાને રૈયા રોડ કનૈયા ચોક પાસે નુરાનીપરામાં રહેતી સાસુ મુમતાઝબેન રહિમભાઇ બેલીમ અને પતિ અમિત રહિમભાઇ બેલીમે રાત્રે નવેક વાગ્યે મારકુટ કરી પરાણી ફિનાઇલ પીવડાવી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

રેહાનાના કહેવા મુજબ તેણીના મોટા બા નુરાનીપરામાં રહેતાં હોઇ પોતે ત્યાં આવતી જતી હોવાથી ત્યાં જ રહેતાં અમિત બેલીમ સાથે ઓળખાણ બાદ પ્રેમસંબંધ બંધાતા બંનેને કોર્ટ મેરેજ કરી લીધા હતાં અને રૂખડીયાપરામાં રૂમ રાખી રહેવા માંડ્યા હતાં. અગાઉ પતિ સીસીટીવી કેમેરા ફિટીંગનું કામ કરતો હતો પણ લગ્ન પછી તેણે કામ કરવાનું છોડી દીધું હતું. છેલ્લા અઢારેક દિવસથી તે પોતાને છોડીને તેની માતા મુમતાઝબેન ભેગો નુરાનીપરામાં રહેવા જતો રહ્યો હતો.

પોતે હાલ સગર્ભા છે અને મકાનનું ભાડુ ચડી ગયું હોઇ ગત સાંજે પોતે સાસુના ઘરે ગઇ હતી અને ભાડાના પૈસા પતિ પાસે માંગતા ઉશ્કેરાઇ જઇ પતિ-સાસુ બંનેએ મારકુટ કરી હતી. સાસુએ પકડી રાખી પતિએ ફિનાઇલ પાઇ દીધુ હતું. ગર્ભપાત કરાવી નાંખવા પણ બંનેએ ધમકી આપ્યાનો આક્ષેપ રેહાનાએ કર્યો છે. ગાંધીગ્રામના પીએસઆઇ એન. એમ. સોલંકીએ ફરિયાદ નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(11:47 am IST)