Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

બહેનને સિરીયલ જોવી'તી ને ભાઇને ફિલ્મ, ઝઘડો બંને કેરોસીન અને ફિનાઇલ પી ગયા!

થાનનો બનાવઃ જતીન (ઉ.૧૮) અને બહેન સુમન (ઉ.૨૦) રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૯: ટીવી સિરીયલોનું ખાસ કરીને બહેનોને એવું ઘેલુ હોય છે કે એકાદ એપિસોડ ચુકાઇ જાય તો પણ તેને ગમતું હોતું નથી. થાનગઢમાં આવી જ એક ઘટનામાં ભાઇ-બહેન વચ્ચે સિરીયલ અને ફિલ્મ જોવા બાબતે માથાકુટ થતાં ભાઇએ કેરોસીન પી લેતાં અને બહેન ફિનાઇલ પી જતાં બંનેને સારવાર માટે દાખલ કરવા પડ્યા છે.

થાન આંબેડકરનગરમાં રહેતો જતીન મનુભાઇ રાઠોડ (ઉ.૧૮) નામનો વણકર યુવાન રાત્રે કેરોસીન પી જતાં તેને જોઇ મોટી બહેન સુમન મનુભાઇ રાઠોડ (ઉ.૨૦) ફિનાઇલ પી જતાં બંનેને ઝેરી અસર થતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે થાન પોલીસને જાણ કરી હતી. સુમન બે ભાઇની એકની એક બહેન છે. તેના પિતા હયાત નથી. સુમન અને જતીન બંને કારખાનામાં કામ કરે છે. સુમનના કહેવા મુજબ પોતાને 'યે રિશ્તા કયા કહેલાતા હૈ' નામની ટીવી સિરીયલ જોવી હતી અને વખતે ભાઇને ફિલ્મ જોવી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં ભાઇ કેરોસીન પી ગયો હતો. આ કારણે પોતે પણ ફિનાઇલ પી ગઇ હતી. બંનેની હાલત ભયમુકત છે.

(11:47 am IST)