Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

૧૦૦ ગુણોને પણ શૂન્‍ય કરી દે એવો અવગુણ તે સ્‍વાર્થ હોય ! : પૂ.નમ્રમુનિ મ.સા

ગિરનારની પવિત્રધરા ઉપર નમસ્‍કાર મહામંત્રના સમુહ જાપ યોજાયા : કાલે સંવત્‍સરી પ્રતિક્રમણનું આયોજન

રાજકોટ,તા. ૧૮ : રાષ્ટ્રધર્મથી મોટો અન્‍ય કોઈ ધર્મ ન હોય ત્‍યારે નિજી સ્‍વાર્થ ત્‍યજીને રાષ્ટ્રધર્મનું કર્તવ્‍ય બનાવી લેવાનો સંદેશ પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે ઉજવાયેલો પર્વાધિરાજ પર્વનો છઠ્ઠો દિવસ ન માત્ર રાષ્ટ્રપ્રેમની પ્રેરણા પ્રસરાવી ગયો પરંતુ હજારો હૃદયમાંથી પ્રગટતાં નમસ્‍કાર મહામંત્રના પાંચ કરોડ વારના ઉદધોષ સાથે સમગ્ર વિશ્વમાં શાંતિના પાવન તરંગો વહાવી ગયો હતો.

વહેલી સવારના સમયે વર્લ્‍ડ નવકાર ડે ના આયોજન અંતર્ગત એક સાથે એક જ સમયે નમસ્‍કાર મહામંત્રની જપ સાધનાનો ગુંજારવ કરવા માટે મુંબઈના ઘાટકોપર, દાદર, બોરીવલી, કાંદીવલી, મીરા રોડ, ડોમ્‍બીવલી ભાવનગર, જૂનાગઢ, પુના, કોલકાતા, રાજકોટ, જામનગર, બેંગ્‍લોર, સિકંદરાબાદ, ગોંડલ, વડાલ, આકોલા, રાઉરકેલા, હૈદરાબાદ, જૈન સેન્‍ટર ઓફ કેલિફોર્નિયા, સેન ફ્રાન્‍સિસ્‍કો આદિ અનેક ક્ષેત્રોની શાળાના બાળકો, બાલાશ્રમના બાળકો, ઓલ્‍ડ એજ હોમના ભાવિકો, હોસ્‍પિટલના દર્દીઓ તેમજ દેશ-વિદેશના હજારો હજારો ભાવિકો એ જોડાઈને કરોડો કરોડોની સંખ્‍યામાં જપ સાધના કરીને વિશ્વશાંતિના તરંગો પ્રસરાવ્‍યાં હતાં.

આત્‍માનું પરમ કલ્‍યાણ કરાવી દેનારા પરમ ગુરુદેવના મુખેથી વહેતાં એક પછી એક અમૂલ્‍ય બોધ સાથે પરમ ગુરૂદેવે કહ્યું હતું કે, જયારે સ્‍વાર્થ મટે છે, ત્‍યારે જ શ્રાવક ધર્મની, સાધક ધર્મની શરૂઆત થતી હોય છે કેમ કે દરેક અવગુણના મૂળમાં સ્‍વાર્થ હોય. ૧૦૦ ગુણોને પણ શૂન્‍ય કરી દે એવો એક અવગુણ તે સ્‍વાર્થ હોય. માટે જ સ્‍વાર્થ ત્‍યજીને માત્ર આપણા જ સુખનો વિચાર ત્‍યજીને આ દેશને વફાદાર બનીને દેશના- રાષ્ટ્રના ખરા વારસદાર બનીએ.

પરમ ગુરુદેવની કરુણા ભાવનાથી છેલ્લાં એક વર્ષથી અનેક ક્ષેત્રોમાં ચાલી રહેલી અર્હમ અનુકંપા યોજના અંતર્ગતની અર્હમ એનિમલ એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમે આજ સુધી ૩૦,૦૦૦દ્મક વધુ અબોલ-ઘાયલ અને વેદનાગ્રસ્‍ત પશુઓને સમયસરની સારવાર આપીને એમને વેદનામુક્‍ત કરવામાં આવ્‍યાં છે, નવજીવન આપવામાં આવ્‍યું છે. આ અવસરે ઘાયલ પશુઓ માટે અવંતિભાઈ કાંકરીયા પરિવાર, પ્રવીણભાઈ પારેખ પરિવાર, કંચનબેન રમણીકભાઈ શેઠ પરિવાર, કાશ્‍મીરાબેન કાંતિભાઇ શેઠ પરિવાર, મીનાબેન રમેશભાઈ મકાતી પરિવાર, અરુણાબેન કિરીટભાઈ મહેતા પરિવાર, નીતાબેન અજયભાઇ મહેતા પરિવાર, બિપીનચંદ્ર રણછોડદાસ શાહ પરિવાર, નિર્મલાબેન ત્રંબકલાલ દેસાઈ પરિવાર, અમીબેન અતુલભાઈ કામદાર પરિવાર દ્વારા ૧-૧ એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવતા સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો.

વિશેષમાં આ અવસરે રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રધર્મ, રાષ્ટ્ર પરમાર્થ અને રાષ્ટ્રપ્રત્‍યેની અર્પણતાની પ્રેરણા આપતી અદભુત નાટીકાની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી, જેના હૃદય સ્‍પર્શી દ્રશ્‍યોએ સહુના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની સંવેદના જાગૃત કરી દીધી હતી.

ઉપરાંતમાં, આ અવસરે લુક એન્‍ડ લનેના બાળકો દ્વારા સુંદર પ્રસ્‍તુતિ સાથે અને સિદ્વયાન' સુંદર પ્રતિકૃતિ રજુ કરાઇ હતી. લુક એન્‍ડ લર્નના પ્રેસિડન્‍ટ સ્‍વાતિદીદી કામદારનું આ અવસરે અવંતિભાઈ કાંકરિયા દ્વારા સુવર્ણ મુદ્રા સાથે બહુમૂલ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. નમસ્‍કાર મંત્ર નૃત્‍યની પ્રસ્‍તુતિ કરનારા કચ્‍છની નુપુર એકેડમીના બાળકોને તેમજ પ્રસ્‍તુતિ કરનારના લુક એન્‍ડ લર્નના બાળકોને કાંકરિયા પરિવાર દ્વારા પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યાં હતાં.

આ અવસરે વિશેષ ભાવો સાથે ઉપસ્‍થિત રહેલાં જૂનાગઢ જિલ્લા ક્ષેત્રના એસ.પી. હર્ષદભાઈ મહેતાએ નવી જૂની દરેક પેઢીને સંસ્‍કાર અને સંસ્‍કૃતિથી સંસ્‍કારિત કરી રહેલાં પરમ ગુરુદેવના પુરુષાર્થ પ્રત્‍યે અભિવંદના અર્પણ કરતાં સજજન વ્‍યકિતઓને સક્રિય બનીને સમાજમાંથી દુર્જનતાને નિષ્‍ક્રિય કરવા માટે પોલિસ તંત્રને સહાયક બનવાનો અનુરોધ કરીને ભારતને એક ઉન્નત રાષ્ટ્ર બનાવવાની ભાવના વ્‍યક્‍ત કરી હતી.

ગિરનાર ધરા પર પરમ ગુરુદેવના સાંનિધ્‍યે સાધના- આરાધના- શ્રદ્ધા- ભક્‍તિભાવના સાથે વ્‍યતિત થઈ રહેલાં એક પછી એક દિવસ, અત્ર તત્ર સર્વત્ર દીપી રહ્યાં છે. ૫૦ ઉપવાસ, ૪૫ ઉપવાસ, ૨૭થી વધુ માસક્ષમણ તપ, ૨૧ ઉપવાસ, ધર્મચક્ર તપ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ અને ૧૪૦થી વધુ અઠ્ઠાઈના આરાધકો શોભી રહ્યાં છે ત્‍યારે બાકી રહેલાં પર્વના માત્ર બે દિવસના દરેકે દરેક કાર્યક્રમ ઉપરાંત પર્વના અંતિમ દિન તા.૧૯ મંગળવારના દિને બપોરના ૩ કલાકે વિશેષરૂપે આયોજિત સંવત્‍સરી આલોચના' તેમજ સાંજના સમયે આયોજિત સંવત્‍સરી પ્રતિક્રમણ' આરાધનામાં જોડાઈને આત્‍મહિત સાધવા દરેકે દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા પારસધામ-ગિરનાર તરફથી આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(11:05 am IST)