Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

રાજકોટમાં મોંઘેરા મહેમાનનું ફરી આગમનઃ સવારથી વરસાદ ચાલુ

વ્હેલી સવારે ઝાપટુ વરસી ગયા બાદ હળવો વરસાદ એકધારો ચાલુ ગરમીમાં રાહત

વરસ બાપ તુ વરસ... અલગારીએ મવડી વિસ્તારમાં મેઘાને વધાવ્યોઃ પ્રજા આનંદથી ભીંજાઇ

રાજકોટ : આજ સવારથી શહેરનું ગગન ગોરંભાયું છે, વહેલી સવારે ૪ાા વાગ્યે જોરદાર ઝાપટુ પડી ગયા બાદ સવારે ૮ વાગ્યે અને ત્યારબાદ સવારે ૯ વાગ્યાથી ધીમીધારે રાજકોટ ઉપર મેઘરાજા વહાલ વરસાવી રહ્યા છે, રાજકોટના તમામ રસ્તા સાથે પ્રજા પણ આનંદથી ભીંજાઇ છે... મવડી ક્ષેત્રમાં એક વૃધ્ધ વરસાદની સલામતિ સામે છત્રીનું રક્ષણ લઇ વરસાદની વહાલતા નિહાળી રહ્યા છે, તો તેમની બાજૂમાંથી જ પસાર થતા એક અલગારીએ મેઘાને વધાવતુ ભજન લલકારી દિધુ હતું અન્ય તસ્વીરમાં સ્કુટર પર છત્રી સાથે પસાર થતી બે માનુનીઓ તો નીચેની તસ્વીરમાં ગરીબ પરીવાર-બહેનો વરસાદને કારણે લાચાર બની ગયા છે, અને બંધ દુકાનોના ઓટલા ઉપર આશરો લઇ મેઘો થંભે તેની રાહ જોવા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટઃ ગુજરાત રીજનમાં બેફામ વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલથી જમાવટ થઈ છે. તો રાજકોટ શહેરમાં પણ મોંઘેરા મહેમાનનું ફરીથી આગમન થયું છે.

શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈકાલે પવનનું જોર પણ જોવા મળ્યું હતું. ઠંડા પવન ફૂંકાતા હતા.

દરમિયાન આજે વ્હેલી સવારે ઝાપટુ વરસી ગયા બાદ લગભગ આઠેક વાગ્યાની આસપાસ ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. આશરે બે કલાક ઝરમર ચાલુ રહ્યો હતો. વિરામ લીધા બાદ ફરીથી વરસાદ ચાલુ થયો હતો. આ લખાય છે ત્યારે બપોરે બે વાગે પણ વરસાદ ચાલુ છે.

વરસાદી માહોલના પગલે છેલ્લા ઘણા દિવસથી ગરમી અને બફારાથી ત્રસ્ત શહેરીજનોને રાહત મળી છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આ આખું સપ્તાહ વરસાદી માહોલ જોવા મળશે.(

(3:47 pm IST)