Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજકોટના અક્ષરમાર્ગ પર સમી સાંજે સીઆઝ કાર ના કાચ તોડી ૪.૫૦ થી ૫ લાખની ચોરી : એ પછી યાજ્ઞિક રોડ પરની BMW કાર પરની ઘટના : સીસીટીવી ફુટેજમાં એજ શખ્સો દેખાયા

રસોઇ સ્ટુડિયો ધરાવતા અમિબેન ગણાત્રાએ પાર્ક કરેલી કારમાંથી ચોરી બાદ તેજ શખ્સો યાજ્ઞિક રોડ પરથી બીએમડબલ્યુ કારમાંથી રૂપિયા 3 લાખ લઇ છૂ: મોડ્સ ઓપરેન્ડી જોતા છારા ગેંગનો હાથ હોવાનું અનુમાન

રાજકોટ :શહેરના સતત ધમધમતા કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામેના અક્ષરમાર્ગ પરથી તા.૧૪ ને મંગળવારે સમી સાંજે ૬ થી ૬.૩૦ વાગ્યા વચ્ચે ત્યાં રસોઇ સ્ટુડિયો ધરાવતા અમિબેન ગણાત્રાએ પાર્ક કરેલી તેમની કાળા કલરની સીઆઝ કારનો ડ્રાઇવરની સામે ની સીટનો કાચ તોડી અજાણ્યા શખ્સો બે પર્સ ઉઠાવી ફરાર થઇ ગયા હતા. જેમાં અંદાજે ૪.૫૦ થી ૫ લાખનો મુદ્દામાલ હતો. જેની અરજી અમીબેને માલવિયા નગર પોલીસમાં કરતા પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના અક્ષર માર્ગ પર અમીન માર્ગ ના ખુણે આવેલ અમીબેન ગણાત્રાના રસોઇ સ્ટુડિયોની સામે  બહાર રસ્તા પર સીયાઝ કાર પાર્ક કરેલી હતી. જેમાંથી  અજાણ્યા શખ્સોએ રૂ. ૪.૫૦ થી ૫ લાખના મુદ્દામાલ ભરેલા બે પર્સની કારનો કાચ તોડી ઉઠાંતરી કરી ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. આ ઘટના બે દિવસ અગાઉ બીએમડબલ્યુ કારની ઘટના બની તેના બે દિવસ અગાઉ એટલે કે તા. ૧૪ ને મંગળવારે સાંજે બની છે. જે બાદ ભોગ બનનાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા માલવિયા ડિવિઝનના પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ભોગ બનનાર મહિલાએ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જે મુજબ તપાસ કરતા સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.
ખાસ વાત તો એ છે કે ફુટેજમાં જે શખ્સો દેખાય છે તેજ શખ્સો યાજ્ઞિક રોડ પરથી બીએમડબલ્યુ કારમાંથી રૂપિયા 3 લાખ લઇ છૂ થયાનું સામે આવ્યું છે. જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તે જોતા 3 શખ્સો સાથે મળી ગુનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે અને બનાવની મોડેસ
ઓપરેન્ડી જોતા આ બનાવ પાછળ છારા ગેંગનો હાથ હોવાનું અનુમાન લાગી રહ્યું છે. હાલ આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:42 pm IST)